દુર્વા
દુર્વા
દુર્વા પરણીને સાસરે આવી. સાસરિયા ખૂબ રૂઢિચુસ્ત વિચારો ધરાવે. દુર્વા હજુ માંડ અઢાર વર્ષની થઈ હતી. કાલ સુધી તો ઢીંગલીને પોતિયા પહેરાવતી હતી. હજુ બાળપણનો થનગનાટ દુર્વામાં હતો. પિયરમાં લાડ કોડમાં ઉછરેલી દુર્વા અહીં ઘરના કામ અને સાસરિયાની સેવામાં ગૂંથાયેલી રહેતી. કદી ન કરેલાં કામો ધીરે ધીરે દુર્વાને આવડી ગયાં.
એકાદ વર્ષમાં દુર્વાના પતિ શુભમને પાસેના જિલ્લામાં સરકારી નોકરી મળતાં , દુર્વા અને શુભમ ગામડે રહેવા ગયા. શુભમ આખો દિવસ નોકરીએ જાય ત્યારે દુર્વા રસોઈ પાણી પરવારીને વાંચવાં બેસે. એક જ રૂમનું ઘર. ઘરમાં પ્રવેશ દ્વારની એક બાજુએ નાનું રસોડું. એક રૂમમાં ટી. વી., કબાટ, અને પલંગ. પલંગ બારી પાસે ગોઠવેલો હતો. દુર્વા આખો દિવસ પલંગ પર નાની બારીના પ્રકાશમાં પુસ્તકો વાંચ્યા કરે. તેના ઘરની આજુબાજુ ઢોર ઢાંખર વાળા ઘરો. બધાં આખો દિવસ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય. થોડા સમય પછી ધીરે ધીરે પડોશીઓ સાથે પરિચય કેળવાયો. દુર્વા ક્યારેક ક્યારેક પડોશીઓ જોડે બેસતી. દુર્વાનો સ્વભાવ જ એવો કે બધાંને દુર્વા ગમે અને દુર્વાને પણ બધાં ગમે. આ ગામડામાં સ્ત્રીઓ તમાકુનું વ્યસન કરે. તમાકુ વાળી સોપારી ખાય અને એકબીજાને પણ ખવડાવે. દુર્વાને પણ આ લોકોએ ખૂબ આગ્રહ કરી કરીને તમાકુ વાળી સોપારી ખાવાની ટેવ પાડી દીધી. ઘણાં સમય સુધી આમ ચાલ્યું. શુભમ આ વાતથી બિલકુલ અજાણ હતો. ડરની મારી દુર્વા શુભમને કંઈ કહેતી નહીં. થોડાં વર્ષો પછી શુભમની બદલી પાસેના શહેરમાં થઈ ગઈ. દુર્વા અને શુભમ શહેરમાં રહેવા ગયા. દુર્વાની સખીઓ છૂટી પણ વ્યસન ન છૂટ્યું. હવે દુર્વાને તમાકુ વિના ચાલે જ નહીં. સવારે ઊઠીને તમાકુ વાળી સોપારી લે તો જ પેટ સાફ થાય. દુર્વા હવે છાનીમાની શુભમના તમાકુ વાળા મસાલા માંથી થોડી સોપારી લે. ઘણીવાર શુભમ ખાતો હોય તો માંગી ને પણ લે. શુભમને દુર્વાની લત વિશે જાણ થઈ ગઈ. હવે શુભમને મન ન હોવા છતાં, ડબલ તમાકુ વાળા માવા મસાલા ખરીદવા પડે. બહુ પ્રયત્નો અને સમજાવટ છતાં પણ દુર્વાની લત ન છૂટી.
દુર્વા એક સંસ્કારી બ્રાહ્મણ પરિવારની દિકરી હતી . તેના પપ્પા વેદોક્ત પંડિત. તેની માતા પણ ધાર્મિક વૃત્તિ ધરાવે. દુર્વા ગર્ભમાંથી જ સંસ્કાર શ્રીમંત હતી. આધ્યાત્મિક વાતો, વિચારો અને વાંચન દુર્વાના રસના વિષયો હતાં. ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન ધરાવતી દુર્વાનું ચુંબકીય વ્યક્તિત્વ હતું. દુર્વા દરેક જ્ઞાની વ્યક્તિ સાથે ખૂબ ઊંડાણ પૂર્વકની ચર્ચા કરી શકે. દુર્વા આધ્યાત્મિક વાતો અને મનની શક્તિ વિશે ખૂબ જાણે. એવાં પુસ્તકો વાંચે, વિડિયો સાંભળે અને મિત્રો સાથે ચર્ચામાંથી જ્ઞાન પ્રાપ્ત કરે. દુર્વાનો સ્વભાવ ખૂબ જ સરળ અને મળતાવડો હતો. દરેકની સાથે પ્રેમથી વાતો કરે અને સૌને મદદ કરે.
શુભમ અને દુર્વા બંનેએ ખૂબ પ્રયત્નો કર્યા પણ કેમેય કરીને દુર્વાનું વ્યસન ન છૂટે. શુભમ ખૂબ સમજાવે. દુર્વા સમજે પણ ખરી, નક્કી કરે કે નવરાત્રીથી છોડી દઈશ, શ્રાવણ માસમાં છોડી દઈશ કે પછી તેની દીકરીના જન્મ દિવસથી છોડી દઈશ કે પછી તેઓની લગ્ન તારીખથી છોડી દઈશ. દુર્વા પોતે પ્રયત્નશીલ પણ એકાદ બે દિવસ જ રહી શકે. ઘણી વખત મન મક્કમ રાખીને નવરાત્રીના નવ દિવસ વ્યસન ન કરે પાછું હતું એમનું એમ. દુર્વાને ન ગમે પણ શું થાય? દુર્વા કોઈ એવો ઉપાય શોધતી ફરે કે કાયમ માટે વ્યસન મુક્ત થઈ જવાય. શુભમ પણ કહે, “ દુર્વા આ એક વ્યસન તારા માટે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો છે. તારા જેવી સ્ત્રી આવું વ્યસન કરે તે કેવું લાગે? તને ખબર છે ? મારી સાઇટ પર કામ કરતી સ્ત્રીઓ તમાકુ વાળી સોપારી ખાય છે ! મજૂર વર્ગની સ્ત્રીઓ વ્યસની હોય છે. આ એક વ્યસન ન હોય તો તુ સર્વગુણ સંપન્ન છે. તારા જેવી જ્ઞાની સ્ત્રીઓને આ ન શોભે. “ આમ ઘણું ઘણું સમજાવે. પણ બધું જ નિરર્થક. દુર્વા કહે, ‘ સ્વામિ, હું પણ ચિંતિત છું. ( દુર્વા તેના પતિને સ્વામિ કહીને સંબોધે.) એક સમય તો એવો આવશે જ કે હું નિર્વ્યસની હોઈશ. મને વિશ્વાસ છે.’
દુર્વાની બાળપણની સખી ગાર્ગી ધ્યાન શિબિર કરવા જાય. વારંવાર દુર્વાને શિબિર કરવા આમંત્રણ આપે. દુર્વાને જવું હોય પણ ત્યાં અઠવાડિયું રહેવું પડે. ઘરે આવી ન શકાય. મૌન રાખવું પડે એટલે ફોન પર પણ વાત ન કરી શકાય. ઘરમાં નાની દીકરી શ્રેષ્ઠીને એકલી મૂકીને દુર્વાને જવું ન ગમે. દુર્વાના મમ્મી રાધાબેને પણ કહ્યું કે, ‘તારે વેકેશનમાં શિબિર કરવા જવું હોય તો જા. શ્રેષ્ઠીનીચિંતાનકરીશ.હુંબધુંસંભાળીલઈશ.’ પણ દુર્વાનો જીવ તેની દિકરી શ્રેષ્ઠીમાં વધારે. શ્રેષ્ઠી પણ મમ્મી વિના ન રહે. શુભમ તો એક અઠવાડિયાની વાત સાંભળીને જ ના પાડે. શુભમ કહે, ‘ એકાદ બે દિવસ હોય તો બરાબર છે. આટલા બધા દિવસ ન જવાય. અને હા, સાથે સાથે શુભમ એમ પણ કહે કે, ‘ વ્યસન છોડીને જા. વ્યસન સાથે કેવી રીતે સાધના કરી શકાય ?’ આમ, ઘણી બધી ઈચ્છા હોવા છતાં દુર્વા સાધના કરવા ન જઈ શકે. ઘરે રહી દુર્વા ભગવાનની ભક્તિ, પૂજા- પાઠ, ભજન અને ધ્યાન કરે. દુર્વાને ધ્યાન અને પ્રાણાયામમાં ખૂબ જ રસ રુચિ. મનની મક્કમતા સાથે દુર્વા ઘણી વખત મહિના સુધી વ્યસન ન કરે. પણ ફરી પાછુ ચાલુ થઈ જાય. એમ કરતાં કરતાં તેની દિકરી શ્રેષ્ઠી કોલેજમાં આવી. શ્રેષ્ઠી મોટી થઈ ગઈ. શ્રેષ્ઠી સમજણી થઈ ગઈ. ઘરકામ કરતાં અને સારી રીતે ઘર સંભાળતી થઈ ગઈ. વેકેશન પડતા પહેલા સાધનાનું સમય પત્રક તૈયાર થઈને આવી જાય. આ વખતે દુર્વાએ શુભમને સાધના કરવા માટે રજા માંગી. શુભમે કહ્યું, “ વ્યસન છોડ પછી જા.’ દુર્વાએ શુભમને વચન આપ્યું કે, “ શિબિર કર્યા પછી હું આજીવન વ્યસન નહીં કરું. બસ મને જવા દો. “ દુર્વાની અતિશય ઈચ્છા હોઈ દિકરી શ્રેષ્ઠીએ પપ્પાને સમજાવ્યા. શુભમ દુર્વાને સાધના કરવા જવા દેવા તૈયાર થયા.
શુભમે દુર્વાની મિત્ર ગાર્ગીને ફોન કરીને કહ્યું કે, ‘ ગાર્ગી, દુર્વા આ વખતે સાધના કરવા જાય છે. મને બહુ ડર લાગે છે. દુર્વાને કંઈ થશે તો નહીં ને? દુર્વા આવી બધી બાબતોમાં ખૂબ ઊંડી ઊતરી જાય છે માટે મને તેની ચિંતા થાય છે. ‘
ગાર્ગીએ કહ્યું, “ આ સાધનામાં ઊંડા ઉતરવા જેવું કંઈ નથી. આ એક વૈજ્ઞાનિક સાધના પદ્ધતિ છે જે આપણા મનને કેળવે છે. મનુષ્યને મનનો માલિક બનાવે છે. દુર્વા પહેલેથી જ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આ સાધના તેને ખૂબ જ ઉપયોગી બની રહેશે. તમે ચિંતા ન કરો. દુર્વાને કંઈ જ નહીં થાય. ‘
આજે દુર્વા ખૂબ ખુશ હતી. ઘરમાં એક અઠવાડિયું કોઈને કંઈ તકલીફ ન પડે તે મુજબનું કરિયાણું અને જરૂરી સામાન ભરી દીધો. શુભમને અને શ્રેષ્ઠીને બધું જ સમજાવી દીધું. દુર્વાને સેન્ટર પર મૂકવા બાપ દિકરી ગયા. જતાં જતાં દુર્વાએ શુભમને છેલ્લી વખત તમાકુ વાળી સોપારી ખાવાની ઈચ્છા દર્શાવી. શુભમે ના પાડી. દુર્વાએ કહ્યું, “ સ્વામિ, છેલ્લી વખત આપી દો. ફરી કદી નહીં માંગું.” શુભમે ખૂબ દુઃખ સાથે આપી. શ્રેષ્ઠી અને શુભમ દુર્વાને ઉતારીને, તેની બેગ અને સામાન દુર્વાને ફાળવેલ રૂમ પર મૂકીને થોડો સમય ત્યાં પસાર કર્યો. દુર્વાને પોતાનુ ધ્યાન રાખવા જણાવી શુભમ કઠણ હૃદયે ઘરે જવા નીકળ્યો. લગ્નના ઘણાં વર્ષો પછી આ રીતે બંને જણાં છૂટા પડ્યા. દુર્વા પણ ભારે હૃદયે સજળ નેત્રો સાથે પાછળ ફરી અને પોતાના રૂમ પર ગઈ.
એક નાનો રૂમ. રૂમમાં એક જ વ્યક્તિ રહી શકે. રૂમમાં એક પલંગ. એક ટોયલેટ બાથરૂમ. સાથે લઈને આવેલો જરૂર પૂરતો સામાન. દુર્વાએ જોયુ અને વિચાર્યુ કે, આથી વિશેષ કંઈ જ જરૂરી નથી. નાહકનું લોકો વધારાનો સામાન ભેગો કરીને પોતાના રૂપિયા અને સમય ગુમાવે છે. દુર્વા ખુશ હતી. સાંજે છ વાગ્યે ચા નાસ્તો આપ્યો ત્યારે શ્રેષ્ઠી યાદ આવી ગઈ. ચા નાસ્તા પછી ગુરુજીનું પ્રવચન હતું. આઠ વાગ્યાથી મૌન શરૂ થવાનું હતું. મૌન પહેલા દુર્વાએ સેવિકા બહેનને મૂંઝવતા પ્રશ્નો પૂછી લીધા.
બીજા દિવસે સવારે ચાર વાગે ઉઠવાનો બેલ પડે. બધાં જાગી જાય છતાં પણ સેવિકા બહેન નાની ઘંટડી લઈને આવે. સવારે સાત વાગ્યા સુધી ધ્યાન કરવાનું હોય. ગુરુજીની સૂચના મુજબ ધ્યાન કરવાનું. વચ્ચે કલાકે કલાકે બેલ પડે એટલે બધાં પેશાબ પાણી કરી બેસી જાય. કેટલાક સાધકો પગ છૂટો કરવા ઊભા થાય. કેટલાક સાધકો કલાકો સુધી ઊભા જ ન થાય.
દુર્વા માટે બધું જ આશ્ચર્યજનક હતું પણ પૂછાય કોને? પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓ સેવિકા બહેનને અને ગુરુજીને કહી શકાય. પણ નાની અને નિરર્થક વાતો માટે મૌન ન ખોલાય.
ચા નાસ્તો કર્યા પછી સાડા નવ વાગ્યા સુધી સ્નાન કરી કપડાં ધોઈને રૂમ સફાઈ કરીને ફરી પાછું ધ્યાનમાં બેસી જવાનું. બપોરે જમવાનો કલાક બ્રેક પડે. સાંજે ફરી ચા નાસ્તો. પણ આખા દિવસ દરમિયાન સંપૂર્ણ મૌન રાખવાનું. દુર્વાને આમ પણ ઓછું બોલવા જોઈએ એટલે મૌન દુર્વાને ગમે. રાત્રે નવ વાગે એટલે સુવા જઈ શકાય. બધાં સાધકો થોડું ચાલે અને પ્રકૃતિ માણે. દસ પછી બધાં સુવા જાય. બીજો આખો દિવસ પસાર થયો. બધાં સુઈ ગયાં. દુર્વા હજુ આંટા મારતી હતી. દુર્વાને શ્રેષ્ઠી યાદ આવી ગઈ . શુભમ યાદ આવ્યો. દુર્વા રડી પડી. મનોમન વિચારવા લાગી કે, અહીં શું કામ આવી? મેં હાથે કરીને આ સજા ભોગવી. શાંતિથી પરિવાર સાથે વેકેશન માણવાનું મૂકીને આ શું? મોડા સુધી દુર્વાને ઊંઘ ન આવી.
ત્રીજા દિવસે સવારે ચાર વાગે ઉઠવામાં મુશ્કેલી પડી. દુર્વાને બહુ જ ઊંઘ આવતી હતી. ઊઠીને દુર્વા ધ્યાન હૉલમાં ગઈ. ધ્યાન કરતાં કરતાં દુર્વા ઊંઘી ગઈ તે જ ખ્યાલ ન રહ્યો. થોડીવાર પછી ખબર પડી અને ફરીથી ધ્યાન શરૂ કર્યુ. આજે દુર્વાને સવારે તમાકુ વિના પેટ સાફ ન થયું. દુર્વા ખૂબ જ અકળાઈ ગઈ. સેવિકા બહેનને ચિઠ્ઠી લખી અને ત્રિફળા ચૂર્ણ મંગાવી આપવા કહ્યું.આખો દિવસ દુર્વાએ ધ્યાન તો કર્યુ પણ મન વિનાનું ધ્યાન કર્યુ.
ચોથા દિવસે દુર્વાને પેટ સાફ થઈ ગયું. એમ તો આજે દુર્વા સ્વસ્થ હતી પણ મન ખૂબ ભારે લાગતું હતું. નિર્વ્યસની સાધકોને પણ તકલીફ પડે, તો દુર્વાને ખૂબ તકલીફ પડે જ એવું ગુરુજી કહેતા હતા. સળંગ બે ત્રણ દિવસ સુધી દુર્વાને પેશાબ પીળો પીળો આવવા લાગ્યો. મોં કડવું થઈ ગયું. કશું ખાવાનું ભાવે જ નહીં કે કંઈ ગમે નહીં. દુર્વાને ક્યાંય ચેન ન પડે. દુર્વા ઘરે જવાના દિવસો ગણતી હતી. દુર્વાને તમાકુ વાળી સોપારી ખાવાની તીવ્ર ઈચ્છા થતી ત્યારે તે પોતાના મનને કહેતી કે, ઘરે જઈને પહેલાં જ તમાકુ ખાઈશ. છઠ્ઠા દિવસે દુર્વાને તાવ આવી ગયો. આખું શરીર ગરમ અને માથે તાળવુ તો શરીર કરતાંય વધારે ગરમ. દુર્વાને ડર લાગી ગયો. સાંજે ગુરુજીને મળવા જવાનું વિચાર્યું. બધાં સાધકો સાધના દરમ્યાન પોતપોતાની મુશ્કેલીઓ નક્કી કરેલા સમયે ગુરુજીને જણાવે. દુર્વા સાંજે ચા નાસ્તો કર્યા પછી ગુરુજીને મળવા ગઈ.
દુર્વાને જોતાં જ ગુરુજીએ કહ્યું, “ બહુ કષ્ટ વેઠ્યું બેટા નહીં? “ દુર્વા રડવા જેવી થઈ ગઈ. રડમસ અવાજે દુર્વાએ કહ્યું, ‘ ગુરુજી મને તાવ છે અને માથા ઉપર તાળવુ તો પુષ્કળ ગરમ છે. મને બહુ ડર લાગે છે. મને કશું થશે તો નહીં ને ? ‘
ગુરુજીએ કહ્યુ, “ નિશ્ચિંત રહો. તમને કશું જ નહીં થાય. તમે સાચી રીતે મન લગાવીને સાધના કરો છો. તાળવુ ગરમ છે તેથી ગભરાવાની જરૂર નથી. સાધનાની પ્રગતિનું સારુ લક્ષણ છે.“
સાધનાની પ્રગતિ જાણી દુર્વા ખુશ થઈ ગઈ. આખી રાત ઊંઘ ન આવી. આમ પણ દુર્વા અહીં રાત્રે બરાબર ઊંઘી શકતી નહીં. બીજા દિવસે સવારે વહેલા ઊઠીને ધ્યાન કરવા ગઈ. ખૂબ સરસ ધ્યાન થયું. ચા નાસ્તા પછી અચાનક જ દુર્વાને પેટમાં અસહ્ય દુઃખાવો થયો. દુર્વા બીજા સેશનમાં ધ્યાન કરવા જઈ શકી નહીં. સેવિકા બહેન બોલાવવા આવ્યા અને કહ્યું કે, ‘ ગુરુજી બોલાવે છે. ‘ હોલમાં સાધકો ધ્યાન કરતાં હતાં. ગુરુજી પણ હોલમાં હતા. દુર્વાને બોલાવીને ગુરુજીએ પૂછ્યું, શું થાય છે ? ‘ દુર્વાને ડાયેરિયા થઈ ગયા હતા. ગુરુજીએ આજે આખો દિવસ આરામ કરવા જણાવ્યું અને સેવિકા બહેનને કલાકે કલાકે લીંબુ પાણી આપવા કહ્યું. સાંજ સુધીમાં દુર્વા એક અનોખી ચેતના અને તાજગી સાથે ધ્યાન કરવા ગઈ. ગુરુજીએ તેની હાજરી અને સ્વસ્થતાની નોંધ લીધી. આટલાં દિવસોમાં ધ્યાન થયું હતું તે કરતાં આજે દુર્વાએ ખૂબ સારી રીતે ધ્યાન કર્યુ. રાત્રે પથારીમાં પડતાં જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. આખા અઠવાડિયાની ઊંઘ જાણે આજે પૂરી થઈ હોય તેમ લાગ્યું. છેલ્લા દિવસે મૌન ખોલવાનું હતું. દુર્વાને ઘરે જવાનો સમય આવી ગયો. દુર્વાને હજુ થોડા દિવસ રહી ધ્યાન કરવુ હતું. ગુરુજીએ જણાવ્યું કે, દુર્વા હમણાં સળંગ ધ્યાન કરી શકશે નહીં, પણ ફરી આવે ત્યારે સાધના કરી શકશે. દુર્વા આનંદિત હતી. દુર્વાની અંદર એક અદ્ભુત શક્તિનો સંચાર થઈ ગયો હતો. તેના તન- મનમાં થયેલ પરિવર્તનનો અહેસાસ અનુભવતી હતી. દુર્વા એકદમ ખુશ અને તાજગીસભર હતી. છેલ્લા દિવસે બે કલાકનું ધ્યાન અને કલાક ગુરુજીનું પ્રવચન હતું. ધ્યાન બાદ ગુરુજીનું પ્રવચન, આ કલ્યાણકારી સાધના વિશે અને સાધના કાયમ ટકાવી રાખવાની ટેવ વિશેનું હતું. આ સાધના સમગ્ર સજીવ સૃષ્ટિનું મંગલ કેવી રીતે કરી શકે, તે બાબત ગુરુજીએ અદ્ભુત રીતે વર્ણવી હતી. ગુરુજીના પ્રવચનના કિંમતી વાક્યો સાંભળી દુર્વા આખા પ્રવચનમાં અર્ધખુલ્લી આંખે ચોધાર આંસુડે હતી. સાધનાથી તપીને દિવ્ય બનેલું દુર્વાનું તામ્રવર્ણી શરીર , ગંગા જમુનાના નીર સમા આંસુડાઓથી પવિત્ર અને મુક્ત બની ગયું હતું. એના ચહેરા ઉપર તપનું તેજ જણાઈ આવતું હતું. દુર્વા એકદમ શાંત, સ્વસ્થ, નિર્ભય અને મનની માલિક બની ગઈ હતી. દુર્વાને નવો જન્મ પ્રાપ્ત થયો હતો. જન્મ જન્માંતરના કર્મોની નિર્જરા થઈ ગઈ હતી. ગુરુજી પણ ખુશ હતા. પહેલી જ સાધના દુર્વાએ દિલથી,એક લગનથી અને કંઈક પામવાની ધગશથી કરી. બધાં જ સાધકો દુર્વાના સાધના દરમ્યાનના અનુભવો સંભાળવામાં મશગૂલ હતાં.
