દ્વૈતથી અદ્વૈત - એક ભાવદશા
દ્વૈતથી અદ્વૈત - એક ભાવદશા


વૈરાગી તમે નાનપણથી જ સાદુ જીવન અને ઉચ્ચ વિચારધારા ધરાવનાર વ્યક્તિ. ભજન, સત્સંગ, પારાયણ અને સંત સમાગમ તરફ વધારે રુચિ. બાળપણમાં કંઈ સમજ ન પડે પણ સત્સંગ વધારે ગમે. નાનપણમાં મોરારીબાપુની રામકથા તમારા ગામમાં હતી ત્યારે આખી કથા ખૂબ જ રસ પૂર્વક સાંભળી હતી. વર્તમાનપત્રોમાં આધ્યાત્મિક લેખો આવે તે વાંચીને તમને ગમતી કળીઓ નોંધવી અને કટિંગસ ડાયરીમાં ચોંટાડી સંગ્રહ કરવો. જ્યારે સમય મળે ત્યારે તે લખેલું અને ચોટાડેલું બધું જ વાંચીને આત્માનંદ અનુભવતાં.
કોલેજ કાળ દરમ્યાન તમને પ્રવાસે લઈ ગયા હતા. મુંબઈના ઇસ્કોન મંદિર માંથી તમે ગીતાજી અને બીજાં આધ્યાત્મિક પુસ્તકો ખરીદ્યા. ઈસ્કોન મંદિરના દર્શન કર્યા પછી ઈશ્વરની શોધ માટેની પ્રબળ ઈચ્છા થઈ. મંદિરમાં એક પ્રવચન સાંભળ્યા પછી મન ચકડોળે ચઢ્યું.
ઈશ્વર છે ?
જો છે તો, ક્યાં છે ? ક્યાં હશે ?
ઈશ્વર નથી ?
જો નથી, તો આ સમગ્ર સૃષ્ટિ કોણ ચલાવે છે ?
જો નથી, તો કેમ લોકો ઘરબાર છોડીને જાય છે ? કોની ભક્તિ કરે છે ? શું કામ જપ - તપ કરે છે ?
વૈરાગી, તમને આવા અનેક પ્રશ્નો હતાં. તમારાં પ્રશ્નોનાં ઉકેલ માટે તમે ઘણાં બધાં આધ્યાત્મિક પુસ્તકો વાંચ્યા. થોડીઘણી સમજ પડી પણ પૂર્ણ સંતોષ નહીં. વૈરાગી તમે ફક્ત ઇસ્કોન જ નહીં, પણ ગાયત્રી પરિવાર, સ્વામિ નારાયણ સંપ્રદાય, જૈન સંપ્રદાય,દાદા ભગવાન, આર્ટ ઓફ લિવિંગ, તાવરિયાજી, બ્રહ્મા કુમારી વગેરે અનેક જગ્યાઓ ફર્યા અને જ્ઞાન પ્રાપ્ત કર્યુ. ગીતાજી, ભાગવત, ઉપનિષદો,બાઈબલ, કુરાન,જૈન સાહિત્યો , બૌદ્ધ સાહિત્યો તેમજ અન્ય અનેક આધ્યાત્મિક પુસ્તકો અને મેગેઝિન વાંચ્યા. દરેક જગ્યાએથી કંઇક નવીન અને મનને/ આત્માને ગમે તેવું જાણ્યું. શીખ્યા.
બસ એક જ શોધ !
ઈશ્વરની શોધ !
અનેક મંત્રજાપ, અનુષ્ઠાન અને પુરષચરણ કર્યા. વૈરાગી તમને હજુ પણ કંઈક ખૂટે છે , એમ સતત થયાં કરે !
એક દિવસ તારી એક બાળપણની મિત્ર અનિત્યા મળી. તારી આ ભૂખ અને પ્રશ્નોને જાણ્યા.
અનિત્યા કહે, ‘ વૈરાગી તારા તમામ પ્રશ્નોના ઉકેલ તને અહીં મળી જશે. ‘
અનિત્યા અને વૈરાગી બંને વિપશ્યના સાધના કરવા ગયાં. થોડીક કઠિન સાધના હતી , છતાં એક ભૂખ પણ હતી જ , જે સંતોષવી હતી.
વૈરાગી, દશ દિવસના આર્યમૌન અને સાધના પછી તમારામાં અદભૂત પરિવર્તન આવ્યું. હવે તમને સ્વમાં સ્થિત થવું ગમે છે. એકાંત ગમે છે - એકાંત ઈચ્છો છો, મૌન રહેવું ગમે છે, જેની શોધ હતી તે તરફ જવાનો સાચો માર્ગ મળી આવ્યો છે, સત્યનું જ્ઞાન થયું છે, જગતનું ભાન થયું છે.
વૈરાગી ! ક્યાં ગઈ તમારી એ શોધ ?
શું કહેવુ છે હવે ?
છે કંઈ પ્રશ્નો ?
વૈરાગી સ્વગત: બોલે છે : “હવે તો તારી શોધમાં જ અનોખો આનંદ છે. એની શોધમાં જે આનંદ મળ્યો છે તે ગુમાવવો નથી. હે પ્રભુ! તારી શોધમાં જ આનન્દ છે. તને પામ્યા પછી શું કરીશ ? તને શોધતાં શોધતાં હું મને મળી, તને શોધતા હું ખુદને પામી. હવે આત્માનંદ અને પરમાનંદના મહાસાગરમાં ભીંજાવાની એક મઝા છે, આનન્દ છે તે બીજે ક્યાંય નથી.”
આ જ ભાવદશામાં આધ્યાત્મિક લોકો જીવતાં હોય છે.