આભાસ
આભાસ


સેતુ અને આભાસ બંન્ને કોલેજમાં સાથે હતાં. બંન્ને એક જ ગામનાં અને એક જ નાતનાં. બંને ખાસ મિત્રો , એકબીજાને અભ્યાસમાં મદદ કરે. બન્ને એ બી.સી.એ. પૂર્ણ કર્યુ. આભાસને બોમ્બે સારી કંપનીમાં જોબ મળી ગઈ. સેતુને આગળ માસ્ટર કરવાની ઈચ્છા હતી પરંતું તેનાં ઘરે આર્થિક સ્થિતિ સારી ન હોઈ તેણે આગળ અભ્યાસ કરવાનો વિચાર માંડી વાળ્યો અને પોતાને મનપસંદ બ્યુટીપાર્લરનો કોર્સ કરવાનું શરૂ કર્યું.
સેતુ અને આભાસ દરરોજ મોબાઈલથી એકબીજાના સંપર્કમાં રહેતાં. મનોમન એકબીજાને પસંદ પણ કરતાં પરંતું બીજાં જુવાનિયાઓની જેમ મરતે દમ તક સાથે રહેવાનાં વચનો નહોતાં આપ્યાં કે લગ્ન માટેના સ્વપ્નો પણ સેવ્યા. બંનેનો એકદમ સાલસ સ્વભાવ અને સરખા વિચારો. સેતુ છ મહિનામાં તો સરસ કામ કરતા શીખી ગઈ અને તેને જ્યાં સુધી જોબ ન મળે ત્યાં સુધી પોતાનું પાર્લર ઘરમાં જ શરુ કર્યુ. તેને સારી એવી આવક થતી હતી. ઘરમાં પણ પૈસે ટકે મદદ કરે, પોતાનો સામાન પણ લાવે અને પોતાનાં મોજશોખ પણ પૂરા કરે.
સેતુના મમ્મી પપ્પાએ હવે દિકરી માટે સારો મુરતિયો શોધવાનું શરૂ કર્યું. એ જ અરસામાં આભાસનાં માતા પિતા પણ ઘરમાં ગુણીયલ અને સંસ્કારી વહુ લાવવાની વાત કરવા લાગ્યાં. અભાસના માતા પિતાએ આ વાત આભાસને પણ કરી કે, 'બેટા, તને જો કોઈ છોકરી ધ્યાનમાં હોય કે પસંદ હોય તો જણાવજે. આભાસે માતા પિતાને સેતુની વાત કરી. સેતુ અને તેનાં પરિવારને આભાસનાં માતા પિતા એક જ સમાજનાં હોઈ ખૂબ જ સારી રીતે ઓળખતાં હતાં. સેતુ એક સંસ્કારી પરિવારની અને ભણેલી ગણેલી છોકરી હતી. આભાસને સેતુ પસંદ હોઈ, આભાસનાં માતા પિતાએ સેતુના માતા પિતા પાસે જઈને એમની દિકરીનો હાથ માંગ્યો. સેતુને તો આભાસ પસંદ હતો જ. સેતુના મમ્મી પપ્પાને પણ આ માંગુ ગમ્યું અને માંગુ આવ્યું એવું જ વધાવી લીધું. એકબીજાનું મોં મીઠું કરાવીને સેતુ અને આભાસની સગાઈ કરી.
આભાસ બોમ્બે એકલો રહેતો હોવાથી ત્યાં જમવાની તકલીફ હોઈ ચાર જ મહિનામાં લગ્ન ગોઠવાઈ ગયાં. લગ્ન પછી સેતુ પણ બોમ્બે ગઈ. બોમ્બેમાં સેતુ જોબ ન મળે ત્યાં સુધી પાર્લરનું કામ કરવા લાગી. બંનેનું સહજીવન આનંદથી પસાર થવા લાગ્યું. આભાસ ખૂબ જ મહેનતુ હોઈ ઝડપથી તેને આસિસ્ટન્ટ મેનેજરનું પ્રમોશન મળ્યું. પ્રમોશનની વિક એન્ડ પાર્ટીનું આયોજન આભાસે કર્યુ હતુ. રવિવારની રાત્રે પાર્ટી હતી. આભાસ અને તેનાં મિત્રો ખુશ હતાં. આભાસને તેનાં મિત્રોએ ખૂબ જ આગ્રહ કરીને વિસ્કી પીવડાવી. તેનાં મિત્રોની સાથે આભાસે બેહોશીમાં ફૂલ ડ્રીંકસ કરેલું.
રાત્રે બાર વાગે પાર્ટી પૂરી થઈ. સેતુ આભાસની રાહ જોઈને ટી. વી. જોતી હતી. સેતુને ખબર હતી કે સાડા બાર સુધીમાં આભાસ આવી જશે. પણ આ શું ? આભાસના આવવાનાં બદલે તેનાં મિત્ર પ્રકાશનો કૉલ આવ્યો કે, 'સેતુ આભાસની બાઈકને એક કાર ટક્કર મારીને ફાસ્ટ દોડી ગઈ અને અત્યારે આભાસની ડેડ બોડીને પોલીસ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ છે !'