Jagruti Pandya

Others

4  

Jagruti Pandya

Others

આત્મ સાક્ષાત્કાર

આત્મ સાક્ષાત્કાર

3 mins
383


એક ગામમાં એક સંત રહે. ગામને પાદર એક મંદિર. આખો દિવસ મંદિરમાં પૂજા પાઠ કરે અને ભગવાનની સેવા કરે. પોતાનાં કામ જાતે કરે. જે કંઈ સીધું પાણી મળે તેમાંથી રસોઈ બનાવી ગુજરાન ચલાવે. જે મળે જેટલું મળે તેમાં સંતોષ. ખૂબ ભલા ભોળાં. નવરાશના સમયે ઠાકોરજીના ભજનો અને કીર્તનો ગાય. બાબા હાર્મોનિયમ ખૂબ જ સુંદર વગાડે. શાસ્ત્રીય સંગીતના જાણકાર હતાં. જ્યારે  સંત હાર્મોનિયમ પર વિવિધ રાગો વગાડે ત્યારે સમગ્ર સૃષ્ટિ જાણે થંભી જાય ! એક અલગ જ પ્રકારનો સન્નાટો છવાઈ જાય. આ બાબા પ્રહર મુજબ વિવિધ શાસ્ત્રીય રાગો વગાડે. બાબાનાં મલ્હાર રાગ પર તો વરસાદ અવશ્ય આવે આવે અને આવે જ, એવો રાગ છેડે કે બારે મેઘ ખાંગા ! 

એક્વાર એવું બન્યું કે, પાસેના ગામમાં વરસાદ પડ્યો નહીં. જાણે દુકાળ જ. પીવા પાણી ન મળે અને ખાવા અન્ન ખૂટી ગયા. પંખીઓ અને પ્રાણીઓ ટપોટપ મૃત્યુ પામ્યા. લોકો બિચારા ત્રાહિમામ પોકારી ગયા. અચાનક જ ગામનાં એક મુરબ્બીને આ સંતની વાત યાદ આવી ગઈ. તેમણે ગામનાં લોકોને ભેગાં કર્યાં અને જણાવ્યું કે, બાજુના ગામમાં એક સંત રહે છે તેઓ એવું સરસ સંગીત વગાડે છે તો વરસાદ પડે છે. ગામનાં લોકો ભેગાં થઈને આ સંત પાસે ગયા અને વિનંતી કરી કે, " હે મહાત્મા, અમારાં ગામમાં આ વર્ષે બિલકુલ વરસાદ થયો નથી. આપ અમારાં ગામમાં પધારો અને સંગીતનો રાગ છેડો તો વરુણદેવતા અમારાં પર રીઝે." બાબાએ સૌને જણાવ્યું કે હું કોઈ ચમત્કાર કરતો નથી. બસ મારી ખુશી માટે હું સંગીત વગાડું છું. અને જો મારા રાગથી તમારાં ગામ પર વરુણદેવ પ્રસન્ન થાય તો મારા માટે પણ એક પરોપકાર કર્યાની ખુશી હશે. સંત હિંદી ભાષી હતાં. આટલું બોલી સંત મહાત્મા પોતાની પાસેનું હાર્મોનિયમ લઈને તૈયાર થઈ ગયા. ગામ લોકો સાથે પાસેના ગામમાં ગયાં અને એક મંદિરનાં ઓટલે બેઠાં. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને છેડ્યો મલ્હાર ! આખો દિવસ પૂર્ણ થયો. વરસાદનાં કોઈ જ એંધાણ વર્તાતા નથી. ગામનાં લોકો નિરાશ થયાં. બાબા તો પોતાનાં રાગ સાથે મશગુલ. આંખો બંધ કરીને મલ્હાર રાગ ગાય. ન તો બાબાએ વચ્ચે પાણી માંગ્યું કે ન તો ખાવાનું. બાબાનું અન્ન અને જળ એટલે સંગીત. બાબા દેહનું ભાન પણ ભૂલી ગયા હતા. પોતાનાંમાં જ મસ્ત. આજે ત્રીજો દિવસ પૂરો થવાને આરે છે. લોકો થાકીને પોતપોતાને ઘરે ગયાં. બાબા એકલાં જ રાત દિવસ મલ્હાર રાગ સાથે. 

સંધ્યા ટાણે અચાનક જ કાળા વાદળો બંધાયા, વાદળોનાં ગડગડાટ સંભળાયા અને ઠંડો ઠંડો પવન વાવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં ધમધોકાર વરસાદ વરસ્યો. વરસ્યો તો એવો વરસ્યો કે ભૂતકાળમાં કદી આવો વરસ્યો નહોતો. લોકો ખુશ ખુશ થઈ ગયાં. દોડતાં દોડતાં મંદિરે આવ્યાં અને જોયું તો બાબા બંધ આંખે મલ્હાર છેડી રહ્યાં હતાં અને તેમનું અડધું શરીર પાણીમાં હતું એનું પણ બાબાને ભાન નહોતું. લોકોએ આવી અને બાબાની સમાધિ ભંગ કરી. ગામનાં લોકો ખુશ હતાં અને બાબા પણ. બાબાનું પણ સૌ પ્રથમ વખત આ સૃષ્ટિના સર્જનહાર સાથે મિલન થયું. બાબા માટે આ અનોખી ઘડી હતી, આશરે બોત્તેર કલાકની સંગીતની આરાધનાનાં અંતે આત્મ સાક્ષાત્કાર થયો. એક બાજુ મેહુલો વરસે, ગામ લોકોની સાથે બાબાની આંખો પણ ચોધાર વરસે ! કેવો અનોખો સંયોગ ! 


Rate this content
Log in