એક વૃક્ષની આત્મકથા
એક વૃક્ષની આત્મકથા


હું એક પીપળાનું વૃક્ષ. મારો જન્મ એક ઘનઘોર જંગલમાં થયો હતો. મારા જન્મદાતા વિશે હું કાંઈ નથી જાણતો. નાનપણથી જ હું ભગવાન ભરોસે મોટું થયું.
એકવાર એવું બન્યું કે, રાતનો સમય હતો. એક મોટું ટ્રેકટર લઇને ચાર પાંચ માણસો આવ્યા અને મારી આસપાસનાં વૃક્ષો કાપવા લાગ્યાં. શાંત અરણ્ય કોલાહલ વાળું બની ગયું. વૃક્ષોનાં આક્રંદ અને વૃક્ષો ઉપર માળામાં પોતાનાં પરિવાર સાથે રહેતાં પક્ષીઓની ચિચિયારીઓ સાંભળીને હું ખૂબ ડરી ગયો. મિનિટોમાં લગભગ અડધું જંગલ વઢાઈ ગયું. હું તે સમયે થરથર ધ્રુજતુ હતું કે હમણાં મને કોઈ કુહાડી મારશે. મને એ ન સમજાયું કે, ‘મને શા માટે ન કાપ્યું ?’ સવારે અજવાળામાં મેં જોયું તો વેરાન વન કેટલું ડરામણું જણાતું હતું ! હું કપાયેલાં વૃક્ષોને જોઈને રડી રહ્યો હતો. સતત મારી આંખો આગળ રાતના દ્રશ્યો દેખાતાં હતાં. હું ગમે તેટલું ભૂલવા મથુ પણ કેવી રીતે ભૂલાય ? પંખીઓ અને વૃક્ષો વિના હવે મને પણ અહીં ગમતું ન હતું. પણ જાઉં તો ક્યાં જાઉં ?
થોડા દિવસ ખૂબ ઉદાસી રહી. એક દિવસ એક સાધુ જંગલમાં આવ્યા. મારા ઝાડ નીચે બેઠાં, ઝોળીમાંથી થોડાં ફળો અને પાણી પીધું. ઘડીક આરામ કર્યો. મને એમ હતું કે સાંજ સુધીમાં કે એકાદ દિવસ પછી અહીંથી જતાં રહેશે, પણ આ સાધુએ તો આજુબાજુથી લાકડાં અને પાંદડા લાવીને ખુલ્લી જગ્યામાં એક નાની સરખી ઝુંપડી બનાવી. થોડા દિવસોમાં તો જંગલ નંદનવન બની ગયું. જંગલમાં મંગલ ! મને હવે સારું લાગવા માંડ્યું. આ સાધુ રોજ સવારે વહેલાં ઊઠીને સ્નાનાદિ પરવારી સૂર્ય નારાયણને અર્ધ્ય આપી એક તાંબાનો લોટો જળ ભરી મારા મૂળમાં અભિષેક કરી મને ચંદનનું તિલક કરી પગે લાગે. મારા ઝાડ નીચે આસન જમાવી સાધના કરવા બેસી જાય. આ સવારનો દૈનિક નિત્ય ક્રમ. વાતાવરણ ખૂબ જ પવિત્ર અને આનંદદાયક બની ગયું. હવે આ જંગલ જાણે અભયારણ્ય બન્યું. પશુ પંખીઓની સાથે સાથે માણસોની અવર જવર વધવા લાગી. લોકો સાધુ સાથે સત્સંગ કરવા અને આશીર્વાદ મેળવવા આવવા લાગ્યાં. લોકોનાં દુઃખો પણ દૂર થતાં જણાયાં.
એકવાર એક ભાઈ આ સાધુ પાસે આવ્યા અને ખૂબ જ રડ્યાં. સાધુએ આ ભાઈને શાંત કરી પાણી આપ્યું અને શું વાત છે તે જણાવવા કહ્યું. આ ભાઈએ કહ્યું કે, “હે મહાત્મા! મને ક્ષમા કરો. આ જંગલને વૃક્ષો વિનાનું કરવામાં મારો પણ ફાળો હતો. હું મારા મિત્રોની સાથે અહીં રાત્રે આવીને વૃક્ષો કાપી નાંખ્યા હતા અને તે વૃક્ષોનાં લાકડાં વેચીને કમાણી કરી હતી. જ્યારથી આ કમાણી મારા ઘરમાં આવી છે ત્યારથી હું ખૂબ જ મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ ગયો છું. જીવનમાં પહેલીવાર આ કૃત્ય કરીને દુઃખી દુઃખી થઈ ગયો છું. મને આ પાપમાંથી મુક્ત કરો પ્રભુ ! “
સાધુએ આ ભાઈને શાંત કરતાં કહ્યું કે, ‘પ્રાયશ્ચિત જ પાપો ધોવાનું એકમાત્ર સાધન છે. હવે દુઃખી થયાં વિના હું કહું તે સંભાળો. આ પીપળાનું વૃક્ષ છે. ખૂબ જ પવિત્ર ગણાય છે. ગીતાજીમાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, “વૃક્ષોમાં હું પીપળો છું.“ આ પીપળો એ બ્રાહ્મણ કહેવાય. આ વૃક્ષ હવે મોટું થઈ ગયું છે. તેના યજ્ઞોપવિત સંસ્કાર કરવાના છે. જો તમને હૃદયથી પશ્ચાતાપ થયો હતો તો મને આ પુણ્ય કાર્યમાં સહયોગ આપો અને પાપમાંથી મુક્ત થાઓ. ‘
હું તો સાધુ અને માણસની વાતો સાંભળી નવાઈ પામ્યો. મને ત્યારે જ ખબર પડી કે, હું પીપળો છું. મારામાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ છે ! તે દિવસે મને ખબર નહોતી પડી કે શા માટે મને આ લોકોએ કુહાડી મારી નહોતી.
સાધુના કહેવાથી આ માણસે ભવ્ય આયોજન કર્યુ. મારા આંગણે મોટો માંડવો બંધાવ્યો. આગલા દિવસે રાત્રે ભજન સંધ્યામાં ભજનો ગવાયાં. શરણાઈઓ અને ઢોલ નગારાંથી આખું વન ગૂંજી ઉઠ્યું. બીજા દિવસે મારા યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. ઘણાં બધાં બ્રાહ્મણો આવ્યા હતાં. મોટું હવન કરવામાં આવ્યું હતું. મને ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું હતુ. મને તિલક, પુષ્પો અને નૈવૈદ્ય ધરાવ્યાં. ગંગાજળથી અભિષેક કરવામાં આવ્યો. મને સૂતરના તાર વીંટી યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યું. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મારું પૂજન અર્ચન કરવામાં આવ્યું. અહીં ઘણાં બધાં લોકો આવ્યા હતાં. આવેલા બધાં જ લોકોએ મારી પૂજા કરી અભિષેક કર્યો અને મારી આસપાસ પ્રદક્ષિણા કરી મને વંદન કર્યા. અમુક લોકો તો મારા નીચે બેસીને આંખો બંધ કરીને ઘ્યાન ધર્યું. કેટલાંક લોકોએ મને તેઓનાં દુઃખો જણાવ્યા અને તે દૂર કરવાં પ્રાર્થના કરી. કેટલાંક લોકોએ મારા નીચે બેસીને ધાર્યા કામ પૂર્ણ કરવાના સંકલ્પો લીધાં. પધારેલ તમામ સજ્જનોએ પોતપોતાની શ્રદ્ધા ભક્તિ મુજબ વૃક્ષ વંદના કરી.