જંગલમાં લાગી આગ
જંગલમાં લાગી આગ


એક મોટું જંગલ. જંગલનો રાજા સિંહ. વનરાજ સિંહ સપરિવાર રહે. ખૂબ લાંબો પહોળો પરિવાર છે. રાજા વનરાજસિંહ પણ ખૂબ પ્રતિષ્ઠાવાન અને રૂઆબદાર. જંગલમાં તેઓનું માનપાન વધુ. રાજ્યમાં કોઈ દુઃખી નહીં એવો વનરાજસિંહનો વહીવટ. એક દિવસની વાત છે. રાત્રે વનરાજસિંહ પરિવાર જંગલની વિશાળ ગુફાઓમાં સૂતા હતા. અચાનક જ જંગલમાંથી વાઘ, વરું ચિત્તો, દીપડો, હાથી, સસલાં અને વાંદરાઓનું ટોળું રાત્રે બાર વાગ્યા પછી વનરાજ સિંહની ગુફાઓ આગળ આવે છે. નાના નાના પ્રાણીઓ ગભરાયેલા જણાય છે. વાંદરાઓનાં બચ્ચાઓએ તો આખું વન ગજવી નાંખ્યું.
જંગલમાં આગ લાગી,
દોડો રે ભાઈ દોડો,
જલ્દી દોડો - જલ્દી દોડો,
આગળ દોડો - બહાર નીકળો,
આગ લાગી - આગ લાગી.
જંગલમાં આગ લાગી,
દોડો રે ભાઈ દોડો.
જંગલના રાજા વનરાજસિંહ તો સફાળા જાગ્યા. શું થયું ? આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા. ચિંતિત ચિત્તાએ વાત કરી, “ રાજાજી આપણાં જંગલમાં આગ લાગી છે. જંગલનો પાછળનો ભાગ આખો બળી ગયો. આતો હાથી પરિવારે પાસેના તળાવમાંથી સૂંઢ વડે ખુબ પાણી છાંટ્યું , તો થોડી આગ શમી છે. ” આ નાના નાના પ્રાણીઓ રાત્રે મોડા સુધી મોબાઈલમાં ગેમ રમતાં હતાં તો ખબર પડી. વનરાજસિંહે કહ્યું, “ ગભરાશો નહીં. હું તપાસ કરાવું છું. “ ત્યાં વાઘજી બોલ્યા, “ રાજાજી, બાળકોએ બૂમો પાડી ત્યારે અચાનક મારી આંખ ખુલી ગઈ અને જોયું તો આકાશમાંથી એક નાની સળગતી લાકડી જેવું કંઈક આવ્યું અને સીધું જ સૂકા પાનના ઢગલાં પર પડ્યું અને તરત જ જંગલ ભડકે બળ્યું. “ વનરાજસિંહે સૂકા પાનના ઢગલાઓ છે ત્યાં ગયા. અંધારું હતું છતાં પણ મોબાઈલમાં ટોર્ચ કરીને જોવા લાગ્યાં. ચારેય બાજુથી તપાસ કર્યા પછી એક નાની લાકડી મળી જે રંગીન ચળકતાં કાગળોથી શોભતી હતી. લાકડીનો આગળનો ભાગ શંકુ આકાર જેવો હતો જે અડધો સળગેલો જણાયો. વનરાજ સિંહે જોયું. હાથમાં પકડીને જોયું. પછી કહ્યું, “ અરે ! આ તો આતશબાજી કરવા માટેની હવાઈ છે. બાજુના ગામમાં રહેતા લોકો દિવાળીનો તહેવાર ઉજવે છે. જેને લીધે આપણાં જંગલમાં સળગતી હવાઈ પડી અને તે પણ સૂકા પાંદડાઓમાં. બધાં જ પાંદડાઓ ભડ ભડ સળગવા લાગ્યાં. રાજાએ એકદમ સરળતાથી વાત કરી તો બધાં નવાઈ પામ્યાં. એટલામાં હરણનાં બચ્ચાં કૂદતાં અને દોડતાં આગળ આવીને પૂછવા લાગ્યાં, ‘હેં રાજાજી આ આગ લાગી છે તે દિવાળીની આતશબાજીથી! શું હોય દિવાળીમાં ? કેમ આગ લાગી ? ‘
વનરાજસિંહે જંગલનાં બધાં જ બચ્ચાઓને ભેગા કર્યા અને દિવાળીનું મહત્ત્વ સમજાવતાં કહ્યું, સંભાળો મારા વ્હાલાં બચ્ચાઓ, “ દિવાળી એ એક મોટો તહેવાર છે. આ તહેવાર હિન્દુ કેલેન્ડર અનુસાર, આસો મહિનાની અમાસના દિવસે આવે છે, જે વર્ષની સૌથી કાળી રાત હોય છે. દિવાળીના તહેવારો કુલ પાંચ દિવસ સુધી ચાલે છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. દિવાળી આધ્યાત્મિક રીતે 'અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારાની અને અજ્ઞાનતા પર જ્ઞાન'નું પ્રતીક છે. દંતકથાઓ અનુસાર, અયોધ્યાના રાજા ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ લંકાના રાજા રાવણને હરાવ્યા બાદ પત્ની સીતા આને ભાઈ લક્ષ્મણ સાથે દિવાળીના શુભ અવસરે અયોધ્યા પાછા ફર્યા હતા. તેમના પરત ફરવાની ખુશીમાં અયોધ્યાના લોકોએ અયોધ્યાની ગલીઓ અને દરેક ઘરને દીવાઓ પ્રગટાવીને ઉજવણી કરી હતી. આ પરંપરા આજ સુધી ચાલી રહી છે અને તેને ઉજાસ પર્વ (લાઇટ્સ ફેસ્ટિવલ) તરીકે ઉજવવામાં આવે છે. જોકે, હિંદુઓ દિવાળી ઉજવે છે તેની પાછળ અલગ-અલગ કારણો છે. આ તહેવાર સાથે દેશના સાંસ્કૃતિક વારસાની પણ ઉજવણી થાય છે. અન્ય દેશોમાં વસતા ભારતીયો પણ આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. દિવાળીનો તહેવાર વર્ષનો એકમાત્ર એવો સમય છે, જ્યારે બધા પરિવારો ભેગા થાય છે. દિવાળીએ અંધકાર પર પ્રકાશની જીતનું પણ પ્રતીક છે. આ તહેવાર દરમિયાન ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે.”
બધાંને દિવાળી પર્વની વાત જાણવાની મઝા પડી. વાનરબાળે કહ્યું, ‘ પણ આ રોકેટ અને મોટાં બોમ્બ શા માટે ફોડે છે ? અમે ઘણી વખત બોમ્બ ફૂટવાથી ડરીને એક ઝાડ પરથી બીજાં ઝાડ પર કૂદાકૂદ કરીએ છીએ. બધાં ભેગાં થઈ જઈએ છીએ અને અમને લાગે કે મોટો ધડાકો થયો હવે કંઇક થશે તો ! અમે બધા ભેગાં થઈ જઇએ ડરી જઈએ છીએ. બધાં બચ્ચાઓ એક સાથે બોલ્યાં કે, ‘ આ બોમ્બ અને હવાઈ ફોડવા પર પ્રતિબંધ શા માટે નથી લાવતાં ? લોકોને ઘણું નુકશાન થાય છે. ઠેકઠેકાણે આગ પણ લાગે છે ! ‘ વનરાજસિંહે કહ્યું, ‘ પરદેશમાં અમૂક જગ્યાએ પ્રતિબંધ છે જ. અમેરિકામાં તો ત્યાંની સરકાર પાસેથી પરમિશન લેવી પડે છે. ’ બધાં જ બચ્ચાઓ એક સાથે બોલી ઊઠયાં, ‘ અહીં આપણાં દેશમાં એવું થઈ જાય તો કેવું સારું !!! ‘
વનરાજસિંહ બોલ્યાં, મારાં વ્હાલાં બચ્ચાઓ , “ આપણું રક્ષણ આપણી જાતે જ કરવું પડશે. આપણે આસપાસના સૂકા પાદડાં, ઘાસ અને તણખલાંને દિવાળી આવતાં પહેલાં સળગાવી દેવા જોઈએ. ખરુંને ? આગ ન લાગે અને આગથી બચવા માટે. નાના મોટાં સૌએ આજથી નક્કી કર્યું. બધાંને દિવાળી પર્વની વાત સાંભળવી ખૂબ ગમી.