Kalpesh Patel

Drama

5.0  

Kalpesh Patel

Drama

ડંખ

ડંખ

8 mins
1.5K


શીર્ષક પંક્તિ:- ભૂલ કરે તેને માણસ કહેવાય, ભૂલ સૂધારે તેને મોટો માણસ કહેવાય અને જે ભૂલ સ્વીકારી લે તેને ભગવાનનો માણસ કહેવાય.

શ્રાવણી ચોમાસા જેવી લક્ષ્મીચંદની હાલત હતી, ઝાપટુ વરસી ગયા પછી પણ આકાશ ખૂલે નહીં, તેવી રીતે વરસો વીતે મનમાં રહેલો 'ડંખ' તેમનો કેડો મૂકતો નહતો. ભર પૂનમ જેવી જિંદગીની સાહ્યબીમાં ક્યારેક ભૂતકાળની કાળી વાદળી સુખના ચંદ્રને આવરી લેતી, તો ક્યારેક આંખે આંસુઓના સરવાળિયા વરસે તેમ વરસી પાછી ધુમ્મસ જેવો ડંખ સુખના ચંદ્ર આડે ફરી વળી એને – વારે વારે ઢાંકી દેતાં.

શાંત ચૂપકીભરી અને ગંભીર એવી શિયાળાની રાત હતી. તોય લક્ષ્મીચંદને ઊંઘ ન આવી – એનું એને આજે તેને દુઃખ ન થયું ! પણ કયારેય નહીં અને આજે એ જિંદગીનો હિસાબ ગણવા બેઠા હતાં : ગણતરી કરતાં એ ઉશ્કેરાઈ ગયા. એમનું મન એમના કાબૂ બહાર ચાલ્યું ગયું. ખુદ પોતાનાજ વિચારોએ એને આબાદ ફસાવી દીધા હતાં.

લક્ષ્મીચંદ એ કોઈથી ફસાય, અંજાય અથવા દબાય એવી વ્યક્તિ નહોતી – એ હતાં એક ડોક્ટર અને તેમને મન પુરુષ - કે સ્ત્રી, એક દર્દી – કે ઓબ્જેક્ટ, હાડ-માસનું અન્ય બીજા જેવું પ્રાણી, તેના વ્યક્તિત્વમાં લોઢા જેવું કાળજું અને કાબેલ નજર, એકવાર જે જુએ અને જિંદગીભર યાદ રાખે !

આજે એ તેની મેડિકલ ઈન્ટરશીપના દિવસોની યાદે ગોટે ચડેલો. ડોક્ટર લક્ષ્મીચંદ એટલે ડોક્ટર વિનાયકનો બગડતાં બચી, ડોક્ટર બનેલો. સ્કૂલ-કોલેજના દિવસોમાં બાપની બેસુમાર વગ અને આવકમાં જિંદગીના બધાજ રંગો અને ફાગ ખેલી, બાપના ધક્કે અને પૈસાના જોરે  તે આરામથી ડોક્ટર બની શકેલો. આજે શહેરમાં બાપની હોસ્પિટલની ગાદી સાંભળી બાપના ખેડેલા ખતરે  અત્યારે પાક લણતા હતા. એમની ગણતરી આગળ ચાલી :

…બાપની વગથી એ ડોક્ટર બન્યા – એ તો જાણે ઠીક ! પણ એમ. બી. બી. એસ પછી ઈન્ટરશીપના દિવસોમાં દહેરાદૂનમાં તેનું પોસ્ટિંગ હતું, અને અહી હોસ્પિટલની નર્સ લાજવંતી ગ્રોવર સાથે તેમની આંખ મળી ગઈ. જોતજોતામાં લાજવંતી ગ્રોવર હવે તેમના માટે લાજુ હતી. લાજવંતીનો બાપ મરકીને વખતે મરી ગયો હતો. અને તાબડતોબ એના ઘર પર જપતી આવેલી. એ બાપનું કરજ ન જ ચૂકવી શકી. એનાં બાપના ખેતર અને ખોરડાં જપતીમાં તણાઈ ગયાં. તે સરકારી છાત્રાલયમાં ભણી, નર્સ બનેલી.

લક્ષ્મીચંદે લાજુને તેના વીસમાં વરસે પહેલી વાર દારૂ પીવરાવ્યો, રંગ રાગ ખેલી અને લાજુને હાથતાળી આપી આબાદ છટકી ગયા. વરસ પછી લક્ષ્મીચંદનું ઠેકાણું મેળવી પહેલીવાર લાજુ તેની નવજાત છોકરીને બાપનું નામ અપાવવા ગઈ, કરગરવા લાગેલી, પણ લક્ષ્મીચંદે તેના ખોળામાં લાજુએ મૂકેલી ગુલાબના ફૂલ જેવી સુંદર બાળકીને હડસેલી તરત લાજુને પાછી આપેલી. તેની કાબેલ નજરે બાળકીને જોયેલી, સુંદર બાળકી અને કપાળે જન્મ જાત લાલ રંગનું લાખું જોયેલું. ત્યારે લાજુને પોતાનું સરનામું આપવા બદલ પોતની જાત અનહદ તિરસ્કાર ઊપજ્યો હતો. ચડતી જુવાનીનો નશો અને આભને બાથ ભરવાના અભરખાના કેફમાં કોરી આંખના ખમતીધર લક્ષ્મીચંદે નામક્કર જઈ, લાજુને કાઢી મેડેલી. ત્યાર પછી થોડાકજ વરસોમાં ડોક્ટર વિનાયકનું અવસાન થયેલું. અને ડોક્ટર લક્ષ્મીચંદે, બાપની ધિકતી પ્રેક્ટિસ પૂરેપુરી સંભળી લીધી. આજે ચોવીસ વરસ નીકળી ગયાં એ વાતને ! લક્ષ્મીચંદના લગ્ન થયેલા પણ લગ્નજીવનનું સુખ નહતું. "આશિષ"ને તેમના ખોળે મૂકી તેમની પતિ પારાયણ પત્ની ગુજારી  ગઈ. આજે એમનો છોકરો આશિષ વીસેક વરસનો ખરો થયો, પણ જન્મજાત લકવાથી પીડિત. દિવંગત પિતા ડોક્ટર વિનાયકની શાખને રોકડી કરતાં, લક્ષ્મીચંદે લખલૂટ ખર્ચો કરી, તબીબી જગતનો કોઈ છેડો, આશિષના ઈલાજ માટે બાકી નહતો મૂક્યો. પણ કોઈ ફર્ક ન પડ્યો, તે હવે આજીવન પથારીએ રહેવાનો હતો.

. . . . . રાત્રીનો એક વાગી રહ્યો હતો અને. . . લક્ષ્મીચંદે આખરે તેના મનના બારણાંને 'ખાલી' આંકડો મારી દીધો, પણ વાત આટલેથી થોડી અટકવાની હતી. 'ખાલી, એટલા માટે કે વળી કોઈ દિવસ તો એ ખોલવો પડશે ને?. જે બેસુમાર આવક અને બેન્ક બેલેન્સનું ગર્વ હતું તે અડધી રાતે અત્યારે ઉતરી રહ્યું હતું.  

દરેક વ્યકિતના જીવનમાં સુખ દુખની આવન જાવન રહે છે. ભલે કોઈ કેટલોપણ સમજદાર કેમ ન હોય. . એક વખત તેની સમજદારી તેને દગો દે છે. આવે વખતે ખાસ કોઈ એવી વ્યક્તિની જરૂર પડે છે જે એને સાંભળે, સંભાળે અને જીવનના ડગલાં માંડતા ફરીથી શિખડાવે …. . ડોક્ટર લક્ષ્મીચંદ પણ આવી જ એક દ્વિધામાં ફસાઈ ગયા હતાં. જુવાનીમાં કરેલા કુકર્મોએ તેઓને ભાંગી નાખ્યા હતાં ત્યારે એમને એક આજકાલની છોકરી મળી, કે જેણે ફરીથી ડોક્ટરની મુલાકાત જિંદગી સાથે કરાવી.

વાત એમ હતી કે લક્ષ્મીચંદ ડોક્ટરના દવાખાને જ્યારથી નવી હાઉસ ડોક્ટર જ્યોતિ શુક્લ નોકરીએ આવી છે ત્યારથી, લક્ષ્મીચંદની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ખાસ તો તેની કાબેલ નજરે જોયેલ ડોક્ટર જ્યોતિના કપાળે રહેલું લાલચટાક ટીલડું પૂરતું હતું.

આજકાલ કરતાં ત્રણ મહિના વીતી ગયેલા, અને તે હાઉસ ડોક્ટર જ્યોતિ શુકલે ક્લિનિકના સંચાલન સાથે સાથે, ડોક્ટર લક્ષ્મીચંદના દિલમાં પણ જ્ગ્યા બનાવી દીધેલી હતી. ડોક્ટર લક્ષ્મીચંદ પાસે તે નર્સના એકેડેમીક રેકોર્ડથી વધારે કશું હતું નહીં. આખરે તેઓએ રિક્યૂટમેંટ એજન્સીનો સંપર્ક સાધી જાણ્યું કે આ યુવતી દહેરાદૂનના સદભાવ આશ્રમમાં ઉછરેલી અને ભણેલી હતી.

"પ્રાણ અને પ્રકૃતિ લાકડે જાય" લક્ષ્મીચંદના સૂતેલા મનમાં કીડા સળવળવાના ચાલુ થયા, જો પેલી લાજુડીને દેહરાદૂનથી તેડી લાવુંં તો, મારે તે ચોવીસે કલાક બખ્ખાં, લાજુડી આશિષને જુવે અને હું. . . તેને ! ! !, તો આ તેની દીકરી દવાખાનું. આ તો માળું એક દાણે ત્રણ ચણશે. ડોકટરનું મગજ વાયરસ કરતાં તેજ ગતિએ દોડતું હોઈ, સવારે દવાખાને સમાચાર મોકલ્યા, મોટા ડોક્ટર બે ત્રણ દિવસ ક્લિનિક નહીં આવે, અને પોતે એકલા સેલ્ફ ડ્રાઈવ કરી ઉપડયા દેહેરાદૂન. દિલ્હીથી દેહરાદૂનની સફર દરમ્યાન લક્ષ્મીચંદ ડોક્ટરે કઈક હવાઈ કિલ્લાઓ ચણી નાખ્યા અને કઈક કિલ્લાઓ પાડી પણ નાખ્યા. આખરે તેઓ સદભાવ આશ્રમમાં સુખરૂપ પહોચી ગયા ત્યારે રાત પડી હતી. લાંબી લચક ગાડીનો પ્રભાવ કે ડોક્ટરની આભા આ બંનેના પ્રભાવે કે આશ્રમના નામ પ્રમાણે "ભાવ"ના પ્રભાવે, પણ લક્ષ્મીચંદ ડોક્ટરને રહેવાની જગ્યા મળી ગઈ, ત્યારે તેમનો ધનવાન હોવાનો ઈગો મહદ અંશે જળવાયેલો હોઈ ખૂબ આનંદમાં હતાં. રાત્રે જમ્યા પછી ક્યુરેટરને આપેલી વિસ્કીની બોટલે બાકી કામ આસન કરી દીધુ. વિસ્કીની બોટલનો છેલ્લા બુંદ સુધીનો નિતાર, અને એક ૫૫૫ સિગારેટથી સંમોહિત થઈ, ક્યુરેટરે આખાય સદભાવ આશ્રમની કુંડળી ખોલી નાખી. 'સદભાવ આશ્રમ' એ શુક્લ પરિવાર દ્વારા ચાલતી સખાવત છે, અને આશ્રમના સ્થાપક અમોલભાઈના અવસાન પછી તેમના ધર્મપત્ની આશ્રમનું સંચાલન કરે છે, આમ લક્ષ્મીચંદ ડોક્ટરને જોઈતી પ્રારંભિક વિગત મળી હતી.

ઘણા વરસો પછી લક્ષ્મીચંદ ડોક્ટરને આશ્રમને ખાટલે સરસ ઊંઘ આવી હતી, મોડી સવારે આશ્રમનો સફાઈ કર્મચારી આવ્યો અને ઉઠાડયા ત્યારે તેઓ ઉઠ્યા. સૂરજ માથે ચડેલો જોઈ, રાતે વધારે પીવાઈ ગયું તેનો રંજ કરતાં, ઝટપટ તૈયાર થયા અને ચ્હા નાસ્તો પતાવી આશ્રમની ઓફિસે પહોચે છે, ત્યારે હજુ મિસીસ શુક્લ હજુ આવ્યા નહતાં. ઓફિસની પાછળની દીવાલે ક્રોમિયમ ફ્રેમમાં જડેલા યુગલ ફોટોમાં લાજવંતીને જોઈ ઊભો થયેલો ઉદવેદ સમે ત્યાં.. . . . એક આધેડ બહેન ઓફિસમાં આવ્યા…એમણે ગુલાબી રંગની સાડી અને ઉપર સફેદ શાલ ઓડેલી હતી …'ન…. મ…સ્તે…. ! ! હું અહીં ઓફિસનું તથા આશ્રમની દેખ-ભાળનું કામ કરૂં છું. . બાનુએ બે હાથ જોડી નમ્રતાપૂર્વક નમસ્કાર કરતા કહ્યું.

ઊભા થઈ લક્ષ્મીચંદ ડોક્ટરે પણ અભિવાદનમા બે હાથ જોડ્યાં. . પણ તેના હાથ જોડેલ જ રહી ગયા તેમનું હૃદય બમણા જોરથી ધબકવા લાગ્યું…ધક… ધક… ધક… ધક… ધક… ! ! !'બે…. સો… !' ટેબલ પાછળ ગોઠવાયેલ ખુરશીમાં તે બહેને દૂરના ચશ્મા કાઢી વાંચવાના ચશ્મા ચડાવતા ગોઠવાયા.

લક્ષ્મીચંદ ડોક્ટર પોતે શું જોઈ રહ્યા હતાં તેનો ખ્યાન નહતો, ઓફિસના ચાલતા એર કન્ડિશનમાં પણ તેમના કપાળે પરસેવો 'ઝરી' બની ચમકતો હતો.

 'બો…. . લો. . ભાઈ શું કામ પડ્યું…. ? આશ્રમનું…? !' ટેબલ પરના પડેલ ટપાલોને સોર્ટિંગ કરતાં એ બહેન બોલ્યા, 'આપને આશ્રમની કોઈ માહિતી જોઈએ છે…. ? કોઈ વૃદ્ધને આશ્રમમાં મૂકવા હોય તો…. '

ડોક્ટર લક્ષ્મીચંદ અવાક બની ગયા તેમના …નિઃશ્બ્દ…. ! ! શબ્દો જાણે હવા થઈ જતાં લાગ્યા, વાચા હણાઈ ગઈ હોય તેવો ઘાટ હતો.

'જુઓ ભાઈ તમારી ભાવનાઓને હું સમજુ છું પણ હાલમાં અહીં જગ્યા નથી. એજ છટા. . એજ વ્યક્તિત્વ. . અને એજ ચપળતા. . અને હા અલબત્ત એજ સોહામણું હાસ્ય જોઈ  લક્ષ્મીચંદ હેબતાઈ ગયા, ઉમ્મરની થપાટ છતાં ચહેરાપરની ગુલાબી અને રોનક યથાવત હતી, હા તે ચહેરા પર થોડી કરચલીઓ જરૂર પડી ગઈ છે…. ! પણ એ કરચલીઓ સાથે બોલ્ડ કટ માથાના વાળની થોડી સફેદ લટોના સમૂહ લાજવંતીના વ્યક્તિતવ્યને વધારે પ્રભાવશાળી બનાવતુ હતું.

 ઓહ…આતો લાજુ જ છે !, પણ એ અહીં ક્યાંથી… એણે મને કેમના ના ઓળખ્યો ? હા, ક્યાંથી ઓળખે, તેને ક્યાંથી ખ્યાલ આવે કે દિલ્હીથી આટલે વરસે લક્ષ્મી તેની પાસે આવવાનો છે. ડોક્ટરના ચહેરા ઉપર પણ કાબેલ ડોક્ટર દ્વારા કરાવેલ કોસ્મેટિક સર્જરી તેનો પ્રભાવ પૂરેપૂરો દર્શાવતી હતી. ડોક્ટર લક્ષ્મીચંદ હતાં તેનાથી દસ વર્ષ નાના લાગતા હતાં, માટે લાજુ, તેના પહેલા પ્રેમ લક્ષ્મીને ઓળખે પણ કેવી રીતે ? આ દહેરાદૂનની પર્વત માળાની તળેટીએ આવેલા આશ્રમની ઓફિસમાં તે આવે તેવી ધારણા પણ લાજુને ક્યાંથી હોય, તેનો વાંક નથી.

પ્રશ્નોની ધાણી લક્ષ્મીચંદ ડોક્ટરના મનમાં અવિરત ફૂટી રહી હતી. . તેના કાન પાછળથી પરસેવાના રેલા ઉતરી રહ્યાં હતાં …શરીર પાણી પાણી થઈ ગયું હતું…. તો લાજવંતી ગ્રોવર, હવે મિસીસ શુક્લ, લાગે છે તેને લગ્ન કરી દીધા લાગે છે. આંતરમન ડોક્ટર લક્ષ્મીચંદને ડંખ મારી કનડી રહ્યું હતું.   

'આપને કંઈ થાય છે…લાજુએ કાગળમાં માથું રાખી પૂછ્યું ?''ના…ના. . ! ! આઈ એમ ઓકે… ! !' કહેતા ડોક્ટરે ટેબલ પર પડેલી મિનરલ વોટરની બોટલ ઉપાડી અને એકી ઘૂંટે તેને ખાલી કરી. ખુરશી પરથી પોતાના કપાળનો પરસેવો લૂછતા ટટાર ઊભાં રહી મૃદુતાથી બોલ્યા, 'મને ન ઓળખ્યો નહીં, હું તારો લક્ષ્મી છું, લાજુ. '

પરિચિત અવાજ સાંભળીને ચમકેલી લાજુએ, ડોક્ટર ઉપર નજર નાંખી, પણ કોઈ ઉત્તર આવ્યો નહીં એટલે, ડોક્ટરે ટેબલ પાસે નમી લાજુના નજીકના ચશ્મા તેના નાક ઉપરથી કાઢ્યા અને દૂરના ચશ્મા ટેબલ ઉપરથી લઈ તેને પહેરાવ્યા.

હવે ચમકવાનો વારો હતો લાજુનો હતો, 'અરે લક્ષ્મી તું, તે પણ અહીં ? ઓ ભગવાન આ હું શું જોઈ રહી છું, આજે "નદી દરિયો બની તરસ્યા પાસે આવી ગયો છે ને કઈ" ?, "લક્ષ્મી, આ મારૂ સપનું છે કે હકીકત" ?'

 ડોક્ટર લક્ષ્મીચંદ વધુ કંઈ સમજે તે પહેલાં તો લાજુએ આગળ વધી, અને ડોક્ટરની આંખમાં આસું જોઈ તેણે ધ્રૂસકે ચઢેલા ડોકટરને. …સહેજ સંકોચથી તેમના વાંસે હાથ ફેરવ્યો, અને બોલી ઊઠી, લક્ષ્મી તું તો હતો "દોલતનો ધણી", તારી તો દુનિયા પણ અલગ હતી, તો "અહી સામાન્ય માનવ મહેરામણની ભીડમાં ક્યાંથી ?"

લાજુ, પ્લીજ બસ કર, મને સમયે પહેલેથીજ જરૂરથી વધારે "ડંખ" મરેલા છે, સવારે ભૂલો પડેલો સાંજે પાછો ઘેર આવે તે ભૂલો પડ્યો ગણાતો નથી, પરંતુ તું લાજવંતી ગ્રોવરથી. . . મિસીસ શુક્લ તેની પહેલા વાત કરીશ ?. .

કોઈજ જવાબ આપ્યા વગર, વ્યથિત થયેલા ડોક્ટરને, લાજુએ ખુરશી પર બેસાડી … એની બાજુની ખુરશી પર લાજુ બેઠી, હજુ ય લક્ષ્મીચંદ ડોક્ટર માની નહતાં જ શકતા નહતાં, કે તે લાજુની લગોલગ બેઠેલા છે.

જો સાંભળ લક્ષ્મી કુદરતની દુનિયા અજીબ છે, એક દરવાજો બંધ થાય ત્યારે બીજા અનેક દરવાજા ખુલતા હોય છે. ઈન્ટરશીપની મારી ઉમરગત ભૂલ પછી, તારી પાસે હું આશરા માટે આવી ત્યારે, તું "દોલતના ડંખના" નશે બંને હાથે આભના તારલાઓ બટોરતો હતો, અને મને અને તારા ખુદના લોહીની દીકરી, બંનેને નિર્દય બની તરછોડી દીધા હતાં, ત્યારે આ અફાટ દુનિયામાં, એક શુક્લજી એવા હતાં, જેઓ તેમના બંને હાથ, આંખ અને કાનથી, આ દુનિયામાં વેરાયેલા મોતીઓને લોકોની હડફેટ, કે હડડેલાથી બચાવતા હતાં. અને તેઓએ મને અને તારી છોકરીને નામ અને ઈજ્જત આપી આ દુનિયામાં પ્રસ્થાપિત કર્યા હતાં. તારી લાજુ આજે પણ પવિત્ર છે, આમોલ એક અલગજ વ્યક્તિ હતો, દુનિયા અને સરકારી દફતરોએ ભલે એ મારો પતિ હતો પણ જીવ્યો ત્યાં સુધી એને એક ભાઈનો વિશુધ્ધ પ્રેમ આપી, માં દીકરીને પાળેલા.

અને હા હવે બોલ તારે અહી કેમ આવવુંં પડ્યું ?, લાજુ, હું તારો કર્જદાર છું, મારી. . . આપણી છોકરીને તે ડોકટર બનાવી, એ મારી, તે મોટી સેવા કરી છે. હું તેનું કર્જ ઉતારવા તારી પાસે આવ્યો છું. તું મારા જીવનની સંધ્યાએ મારી સાથે ચાલ. આ આશ્રમ માટે કોઈ સારો સંચાલક રાખી લઈશું,  'મને ખાતરી છે …. ! ! મને શ્રધ્ધા છે, તું મારી સાથે આવશે…. જરૂર આવશે…જ, રડતા રડતા ભીની થયેલી આંખે લાજુની સામે જોઈ રહેલ લક્ષ્મીચંદ ડોકટર માયૂસ લાગતા હતાં.

લક્ષ્મી તારો આભાર, આપણી જ્યોતિને તું ઓળખી ગયો, તે મારા માટે મોટી વાત છે ! તેથી મારૂ જીવ્યું સાર્થક થયું હોય તેવુંં અનુભવુંં છું. હું જાણું છું, તું તારા લકવાગ્રસ્ત છોકરાથી દુ:ખી છે. પરંતું ના, લક્ષ્મી, "મારે હવે કોઈ નવો એકડો ઘૂંટવોજ નથી", પણ હા જો તું હવે તારી "દોલતની દોટ"થી મુક્ત થયો હોય, તો અહી આશ્રમમાં અકિંચન બની, તારા "તન અને મને" ઝીલેલા ડંખનો કાયાકલ્પ કરાવવા આવી શકે છે. . અને હા આ જગતના સર્વે સંતાનોને "સદભાવ" પોતાના ગણે છે, તો તું આશિષને પણ સાથે લાવી શકે છે".  


Rate this content
Log in

Similar gujarati story from Drama