દાનવીર કર્ણ - મારું મનપસંદ પૌરાણિક પાત્ર.
દાનવીર કર્ણ - મારું મનપસંદ પૌરાણિક પાત્ર.
સવાર સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું, વાતાવરણમાં એક અલગ જ પ્રકારની તાજગી પ્રસરી ગઈ હતી, સૂર્યનારાયણનાં કુમળાં કિરણો જમીન પર પડી રહ્યાં હતાં, પક્ષીઓનાં મધુર કલરવને લીધે વાતાવરણ એકદમ સુરીલું બની ગયેલ હતું.
બરાબર આ જ સમયે એક વ્યક્તિ નદીમાં ડૂબકીઓ લગાવીને સૂર્યનારાયણને પાણી ચડાવી રહ્યાં હતાં, અને સાથો સાથે મંત્રોચ્ચાર કરી રહ્યાં હતાં, તે વ્યક્તિનાં ચહેરા પર એક અલગ જ પ્રકારનું તે જ હતું, તેનું શરીર એકદમ મજબૂત અને ખડતલ હતું, તેની આંખોમાં શોર્યતા, ચહેરા પર અલગ સૂર્યની માફક ચમકૃતિ હતી.
એવામાં તેનાં સૈનિકો તેનાં માટે વસ્ત્રો અને કવચ લઈને આવી પહોંચે છે, લઈને આવી પહોંચે છે, ત્યારબાદ કર્ણ તે વસ્ત્રો ધારણ કરીને રથમાં બેસી જાય છે, સારથી રથ મહેલ બાજુ ચલાવવા લાગે છે. તે રથ ધૂળની ડમરીઓ ઉડાવતા ઉડાવતા ધીમે ધીમે મહેલ તરફ આગળ વધી રહ્યો હતો.
બરાબર એ જ સમયે કર્ણના કાને નાનકડાં બાળકનો રડવાનો અવાજ સંભળાય છે, આથી કર્ણ તેનાં સારથીને રથ રોકવાં માટે ઈશારો કરે છે, સૌ કોઈ પેલો અવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો તે તરફ પોત - પોતાનાં કાન ફેરવે છે, ત્યારબાદ કર્ણ પોતાનાં સૈનિકો સાથે પેલાં નાનકડાં બાળકનો જે દિશામાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો, તે બાજુ આગળ ધપે છે, થોડુંક આગળ ચાલતાની સાથે જ તે લોકોએ જે જોયું તે સાથે તેનાં મોઢામાંથી દુઃખને કીકીયારી નીકળી ગઈ, કારણ કે કોઈ નિર્દય અને ક્રૂર વ્યક્તિ પોતાની નાની ફૂલ જેવી બાળકીને એક હુંડલામાં (લાકડાની પટ્ટીઓમાંથી બનેલ એક તગારા જેવું પાત્ર) માં આવી રીતે ખેતરમાં છોડીને જતું રહ્યું હતું.
આ જોઈ કર્ણનાં ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો અને સૈનિકોને આદેશ આપતાં કર્ણ બોલ્યો.
"સૈનિકો ! આ ફૂલ જેવી બાળકીને આપણાં મહેલ પર લઈ લો...અને આ બાળકીને અહીં કોણ આવી રીતે ત્યજીને જતું રહ્યું છે, તે વિશે તાત્કાલિક તપાસ કરો…!" - આટલું બોલી કર્ણ પેલી બાળકીને પોતાની સાથે મહેલ પર લઈ જાય છે.
આ બાજુ કર્ણ પેલી ફૂલ જેવી સુંદર બાળકીને જોઈને વિચારોની વમળમાં ખોવાઈ જાય છે...કોણ હશે આ બાળકી..? આનાં માતા - પિતા કોણ હશે…? તેઓ શાં માટે આ બાળકીને અહીં ત્યજીને ચાલ્યાં ગયાં હશે..? એવી તો તેઓની શું મજબૂરી હશે કે આ સુંદર બાળકીને અહીં છોડી ગયાં હશે..? જો મને કોઈએ અપનાવ્યો નાં હોત તો હું પણ આ બાળકીની જેમ નિ:સહાય અને લાચાર હોત, આમ કર્ણને પેલી બાળકીમાં પોતાનું નાનપણ દેખાય રહ્યું હતું….આ જોઈ કર્ણની આંખોમાં પાણી આવી ગયું…એવામાં રથ મહેલમાં પ્રવેશે છે.
મહેલમાં પ્રવેશતાની સાથે જ સૌ કોઈની આંખો આશ્ચર્યને લીધે પહોળી થઈ જાય છે, આ બાળકી એટલી સુંદર હતી કે તેને જોઈને સૌ કોઈને તે બાળકીને રમાડવાની ઈચ્છા થઈ આવી હતી, પરંતુ રાજા કર્ણ પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં સૌ કોઈ ખચકાટ અનુભવી રહ્યાં હતાં.
ત્યારબાદ કર્ણ તે બાળકીને મહેલમાં રહેલ દાસીઓને સોંપતા કહે છે કે
"જ્યાં સુધી, આ બાળકીનાં માતા - પિતા આપણને નાં મળે ત્યાં સુધી આપણે જ તેનો ખ્યાલ રાખવાનો છે, અને ખૂબ જ લાડકોડથી ઉછેરવાની છે…!"
"જી ! મહારાજ !" - એક દાસી પેલી બાળકીને પોતાનાં હાથમાં તેડતા બોલે છે.
ત્યારબાદ કર્ણ પોતાનાં મહેલમાં રહેલ દેવી દેવતાની પૂજા કરવાં માટે જાય છે, અને ભક્તિભાવથી પોતાનાં ઈષ્ટ દેવની આરાધના કરે છે.
***
સમય - સવારનાં દસ કલાક.
સ્થળ - કર્ણનો રાજ મહેલ (દરબાર હોલ)
દરબાર હોલ અલગ અલગ મહાનુભાવોથી ભરાયેલ હતો, દરબાર હોલમાં રહેલ મહાનુભાવો કર્ણનાં મહેલની શોભા વધારી રહ્યાં હતાં, આ ઉપરાંત આજુબાજુના રાજ્યોનાં રાજાઓ કર્ણના દરબારમાં પોત - પોતાની રજૂઆતો લઈને આવેલ હતાં, કર્ણનાં વ્યક્તિત્વને શોભે એવો સિંહાસન દરવારહોલની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં, એમાંપણ ત્યાં હોલની છતમા લટકાવેલ કાંચના ઝૂંમરો મહેલની શોભામાં વધારો કરી રહ્યાં હતાં, સિંહાસનની બાજુમાં બે દાસીઓ મોટા મોટા પંખા લઈને ઉભેલ હતી.
"રાજાઓનાં રાજા, મહા પરાક્રમી, મહાન વીર, મહા તેજસ્વી, મહાન દાનવીર, મહાન તેજસ્વી, સૂર્યપુત્ર, પરમ તેજસ્વી, વિરોનાં વીર એવા મહાયોદ્ધા મહારાજા કર્ણ પધારી રહ્યાં છે…!" - દ્વારપાર પોતાનાં મોટા અવાજે બધાને સચેત કરતાં - કરતાં બોલે છે.
જ્યારે આ બાજુ કર્ણ પોતાનાં દરબાર હોલમાં પ્રવેશે છે, આજે કર્ણના ચહેરા પર એક અલગ જ પ્રકારનું તેજ અને ચમક હતી, તેનાં ચહેરા પર આનંદ અને ખુશીઓની રેખાઓ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી...રાજા કર્ણને પોતાનાં દરબારમાં આવતાં જોઈને તેને સન્માન આપવાં માટે સૌ કોઈ પોત - પોતાની ખુરશી પરથી ઊભાં થઈ જાય છે.
ત્યારબાદ કર્ણ પોતાનાં સિંહાસન તરફ આગળ વધે છે, સિંહાસન પાસે પહોંચ્યા બાદ કર્ણ બધાને પોતાનાં હાથનાં ઈશારા દ્વારા પોત - પોતાની ખુરશી પર બેસવા માટે ઈશારો કરે છે, અને પછી બધાં જ પોતાનું સ્થાન ગ્રહણ કરે છે.
કર્ણ એકપછી એક બધાની રજૂઆતો સાંભળે છે, અને પોતાની કુશળ અને વિવેક બુદ્ધિ દ્વારા તેમાં પોતાનો આખરી નિર્ણય સંભળાવે છે, અને જે લોકો દોષી હોય તેમને સજા ફરમાવે છે….
"મહારાજ ! જો તમારી આજ્ઞા હોય તો, હું છેલ્લાં દોષી વ્યક્તિને આપની સમક્ષ રજુ કરું…?" - વજીર કર્ણની સહમતી માટે પૂછે છે.
"જી ! જરૂર !" - કર્ણ પોતાનો હાથ ઊંચો કરતાં - કરતાં બોલે છે.
ત્યારબાદ વજીર સૈનિકોને પેલાં દોષી વ્યક્તિને દરબારમાં હાજર કરવાં માટે જણાવે છે, અને થોડીવારમાં સૈનિકો દોષી વ્યક્તિને દરબારમાં લઈને આવે છે.
"મહારાજ ! આ છે કેશવરામ…!" - વજીર પોતાની વાત શરૂ કરતાં બોલે છે.
"કોણ છે...આ કેશવરામ..? તેનો ગુનો શું છે..?" - કર્ણ વજીરની સામે જોઈને બોલે છે.
"જી ! મહારાજ ! વાસ્તવમાં આ તમારો જ ગુનેહગાર છે…..આજે સવારે તમને જે બાળકી મળી હતી...એ બાળકીનો બાપ છે આ….!" - વજીર ગુસ્સા સાથે ઊંચા અવાજે બોલે છે.
આ સાંભળી પળભર માટે કર્ણને પણ ગુસ્સો આવી ગયેલ હતો, પરંતુ કર્ણ એ બાબત પણ ખુબ સારી રીતે જાણતો હતો કે કોઈપણ ગુનેહગારની રજુઆત સાંભળ્યાં વગર જ તેને સજા ફરમાવવી એ ક્ષત્રિયધર્મની વિરુદ્ધ છે.
"તો ! કેશવરામ ! તમે મને આખી વિગતો સવિસ્તાર જણાવો…!" - કર્ણ આદેશ કરતાં બોલે છે.
"મહારાજા ! હું લાચાર હતો, મારી પણ અમુક મજબૂરીઓ હતી, બાકી કયો બાપ પોતાની ફૂલ જેવી દીકરીને આવી રીતે રસ્તા વચ્ચે તરછોડી દે…!" - કેશવરામ રડતાં અવાજે જણાવે છે.
"હા ! તો...તમારી એવી તે શી મજબૂરીઓ હતી..એ જણાવો…!" - કર્ણ કેશવરામની આંખોમાં આંખ પરોવીને બોલે છે.
"સાહેબ ! અમે નિમ્ન અને અછૂત જાતિનાં છીએ, અને ભગવાન કે ઈશ્વર પણ જાણે મારાથી રૂઢી ગયેલ હોય તેમ, મારા નસીબમાં સંતાન સુખ તો લખ્યું પણ મારી બધી જ સંતાનમાં દીકરી જ જન્મી, મારે ત્યાં એકપણ પુત્રનો જન્મ નાં થયો, આ બાળકી મારી ત્રીજી બાળકી હતી, જો મારે ત્યાં કોઈ દીકરો જન્મ્યો હોત, તો એ મારો કુળઉદ્ધારક બને, અને હું આ ત્રણ ત્રણ દીકરીઓને પરણાવી શકુ, ભણાવી અને ગણાવી શકુ એટલો સક્ષમ નથી….માટે મેં આવું પગલું ભરેલ છે...મને માફ કરશો…!" - કેશવરામ રડતાં - રડતાં પોતાની વ્યથા જણાવતાં બોલે છે.
આ સાંભળી દરબારમાં હાજર રહેલ સૌ કોઈને કેશવરામની બાબત યોગ્ય લાગી, પરંતુ તેમ છતાંપણ દીકરીને આવી રીતે રસ્તા પર ત્યજી દેવી એ યોગ્ય ના લાગ્યું….ખુદ કર્ણ પણ કેશવરામ દ્વારા જે ભુલ કે ગુનો થયેલ છે, તેની શું સજા આપવી તેના વિશે વિચારી રહ્યો હતો, લાંબો વિચાર કર્યા બાદ કર્ણ પોતાનાં સિંહાસન પરથી ઊભાં થઈને બોલે છે કે…
"કેશવરામ ! તમારી વ્યથા યથાયોગ્ય છે, પરંતુ દીકરીને આવી રીતે ત્યજવી યોગ્ય નથી માટે તમને સજા ચોક્કસ મળશે…!"
આ સાંભળીને કેશવરામનો જીવ તાળવે ચોંટી ગયો, અને દરબારમાં હાજર તમામ મહાનુભાવો વિચારોમાં ચડી ગયાં કે મહારાજા કેશવરામને શું સજા ફરમાવશે.
"તમારી સજા છે...આ ફૂલ જેવી દીકરીનો આમરણ છેલ્લા શ્વાસ સુધી ઉછેર કરવાની...રહી વાત તેના ભણવા, ગણવા અને લગ્ન માટેની તો એ રાજા કર્ણનાં ભાગે આવશે...એ બધો જ ખર્ચ હું ભોગવીશ…!" - પોતાનો અંતિમ નિર્ણય જણાવતાં કર્ણ બોલે છે.
આ સાંભળીને કેશવરામની આંખોમાં ખુશીઓનાં આંસુ આવી ગયાં, જાણે કર્ણનાં રૂપે ખુદ તેનાં ઈષ્ટદેવ આવ્યા હોય અને પોતાનાં બધાં જ દુઃખ હણી લીધાં હોય તેવું કેશવરામ અનુભવી રહ્યો હતો.
"મહાન દાનવીર કર્ણ મહારાજનો જય જય કાર હો…!" - કેશવરામ કર્ણના સિંહાસનની સામે દંડવત પ્રણામ કરતાં કરતાં બોલ્યો.
"જય હો જય હો...દાનવીર કર્ણ મહારાજની જય હો..જય હો…!" - એવા નાદથી કર્ણનો આખો દરબાર હોલ ગુંજી ઉઠ્યો.
