દાદાજીની વાર્તા - 56
દાદાજીની વાર્તા - 56
મયંક કહે, ચાલુ પરિસ્થિતિ સાથે બાંધછોડ કરવાનું એને પસંદ નથી. બરાબરને ?
દાદાજી કહે, હા, બરાબર. ફ્રાંસની રાજ્યક્રાંતિ આ હકીકતની સાક્ષી પૂરે છે. રૂસો, વોલ્ટરે કે દિદેરોએ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ફ્રાંસની પ્રજાના માનસને ઘડીને નવી પરિસ્થિતિ માટે તૈયાર કર્યું આ પછી રોબેસ્પીયર અને મીરાબો જેવાઓએ હથિયારો ઉઠાવ્યાં અને રાજકીય પલટો કર્યો. આમ વૈચારિક ક્રાંતિ બધી ક્રાંતિઓની પુરોગામી હોય છે. જ્યાં વૈચારિક ક્રાંતિ થતી નથી ત્યાં બીજી કોઈ ક્રાંતિ સફળ થતી નથી. કારણ કે, પલટાતી પરિસ્થિતિને ઝીલવા, સમજવા અને સ્વીકારવા પ્રજાનું માનસ જ્યાં સુધી પૂરેપૂરું તૈયાર ન હોય ત્યાં સુધી ક્રાંતિ સફળ થતી નથી.
મયંક કહે, આપણા દેશમાં આવું કયારે બન્યું ?
દાદાજી બોલ્યા, ૧૮પ૭માં ભારતની આઝાદી માટેની ક્રાંતિની નિષ્ફળતાના કેટલાંક કારણોમાં આ પણ એક કારણ હતું. રશિયાની બોલ્શીવિક ક્રાંતિ ઝારશાહીને ઉખેડી નાખવામાં સફળ થઈ. કારણ કે, લેનિન અને તેના સાથીઓએ રશિયન પ્રજાનો માનસપલટો કર્યો હતો.
બીજા વિશ્વયુદ્ઘ વખતે જર્મનીને પણ માનસિક રીતે યુદ્ઘપ્રિય બનાવવામાં 'નિત્શે' જેવાઓનો ફાળો હતો. ઈંગ્લેન્ડની પ્રજાનો માનસ પલટો કરવામાં ચર્ચિલનો ફાળો હતો. ગાંધીજી અને તેના અનુગામીઓએ ભારતીય પ્રજાના માનસને ઘડયું અને ભારત દેશ આઝાદ થયો. આમ, ક્રાંતિકારી પહેલા પ્રજાનો માનસપલટો કરે છે. પછી ક્રાંતિ માટેનાં હથિયાર ઊંચકાય છે. આમ, વૈચારિક ક્રાંતિ ક્રાંતિઓની પુરોગામી હોય છે. આમ, વિચાર એ ક્રાંતિનું દીવેલ છે, બળતણ છે. જો ક્રાંતિ લોકોના ભલા માટે થવાની હોય તો ક્રાંતિના દીપકમાં પૂરવાનું દીવેલ ચોરવું, છીનવવું કે ઉધાર-ઉછીનું લેવું એ અનર્થ નથી, બલ્કે પુણ્ય છે.
મયંકે પૂછયું, વળી આમાં પણ પાપ-પુણ્યની વાત ?
દાદાજી કહે, જે સમાજ ક્રાંતિના દીપકને હોલવે છે. એ અંધકારની સજાને પામે છે. વળી ક્રાંતિ બૌદ્ઘિક સમાજ જ કરતો હોય છે, એ સાચું, પણ ક્રાંતિનું લક્ષય માત્ર પ્રજાની બૌદ્ઘિક ભૂખનું શમન કરવું એ જ માત્ર નથી, પણ જ્યારે પેટની ભૂખ સાથે વિચારોની ભૂખ મળે, એટલે ક્રાંતિ જન્મ પામે છે. એકલા અન્નની ભૂખ તો ભીખ જન્માવે છે, પણ વિચારોની સાથે ભળેલી અન્નની ભૂખ સામ્રાજ્યનેય ભોંય ભેગાં કરે છે.
મયંક બોલ્યો, દાદાજી ! મને તો આ વાતોમાં મજા આવે છે.
(ક્રમશ:)
