દાદાજીની વાર્તા - 51
દાદાજીની વાર્તા - 51
વ્યાયામ અને શારીરિક શિક્ષણ
રવિવારની સવાર હતી. પૌત્ર મયંક કસરતના દાવ કરવા લાગ્યો. દાદાજીએ તે જોયું. આનંદ થયો.
બોલ્યા, અરે, વાહ ! આજ તો મારો દીકરો કસરત કરવા લાગ્યો !
મયંક કહે, પણ દાદાજી ! ભણવામાં આવો વિષય કેમ રાખ્યો હશે ?
દાદાજી કહે, શાળાઓમાં જેવી રીતે બૌદ્ઘિક અને માનસિક કેળવણી અપાય છે. તેવી જ રીતે શારીરિક શિક્ષણ પણ ખૂબ જ મહત્વનું છે. પણ આપણે જોઈએ છીએ કે આજના વિદ્યાર્થીઓમાં સુંવાળપ વધી ગઈ છે. પુરુષત્વની ભાવના જાણે મરી પરવારી છે. એમનું સત્ત્યવ જાણે નિચોવાઈ ગયું છે. પલ્લવગ્રાહી પાંડિત્યને જ સર્વસ્વ ગણનાર છાત્ર શારીરિક સંપત્તિમાં કેટલો કંગાળ હોય છે ? છતાંય એને તેમાં નાનપ નથી લાગતી. નાનપ અને શરમ લાગે છે સમૂહમાં ઊભા રહીને કસરત કરવામાં. એમને ખબર નથી કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત આત્મા વસે છે. આપણે એમ જ સમજી બેઠા છીએ કે, શારીરિક શિક્ષણ એટલે માનસિક રીતે થાકયા પછીની માત્ર રમતગમત. પણ એ વિચાર ખોટો છે. શારીરિક શિક્ષણ એ માત્ર શારીરિક થાક મેળવવા માટે નથી, એનાથી ઘણા ફાયદા થાય છે.
મયંક કહે, પણ તમે આવું અઘરું-અઘરું શું કહેવા લાગ્યા ?
દાદાજી બોલ્યા, શારીરિક શિક્ષણ એ સર્વ રોગની રામબાણ દવા છે. એ પણ ખરેખર દવા નથી. પણ દવા લેવી પડે એવી પરિસ્થિતિ ઊભી કરે તેવી દવાની પણ દવા છે. શરીર રોગથી ઘેરાઈ જાય છે ત્યારે શારીરિક શિક્ષણ મદદરૂપ થતું નથી. એટલે વ્યાયામ રોગ દૂર ન કરી શકે. પણ રોગ ન આવે તેવી સ્થિતિ ઊભી કરે છે. વ્યાયામ રોગ મટાડી શકે નહીં, પણ રોગ સામેની પ્રતિકારશક્તિ પ્રદાન કરે છે. શારીરિક શિક્ષણ એટલે માત્ર મહેનત કરવા કે પસીનો પાડવો જ નહીં, માત્ર લેફટ-રાઈટ, બાંયે રુખ- દાહિને રુખ કે એક, દો, તીન, ચારની કસરત તે શારીરિક કેળવણી નથી.
મયંકે પૂછયું, તો વળી શારીરિક કેળવણી કઈ ?
(ક્રમશ:)
