દાદાજીની વાર્તા - 49
દાદાજીની વાર્તા - 49
મયંક કહે, આને તો વિચારસરણીની ભિન્નતા કહેવાયને ?
દાદાજી કહે, હા. આજનું આઝાદ અને અતિ મહત્વાકાંક્ષી જીવન પણ આ સંયુકત કુટુંબ પ્રથાના મૂળમાં ઘા કરે છે. આપણે પશ્ચિમની પ્રજાનું આંધળું અનુકરણ કરતાં થયાં છીએ.
મયંક કહે, તેને લીધે શું થાય છે ?
દાદાજી કહે, આર્થિક સંજોગો પણ આ સંયુકત કુટુંબવ્યવસ્થાને તોડવાના નિમિત્તરૂપ બને છે. આપણી સંકુચિત મનોવૃત્તિઓ પણ કારણભૂત બને.
લગ્ન પછી પતિગૃહે જતી નવવધૂના મનમાં એવી આશંકાઓ ઊઠે છે કે, ત્યાં તેનો તિરસ્કાર થશે. સાસુ નહીં તો નણંદ, અવશ્ય એને તિરસ્કારથી જોશે. આવી શંકાઓ એના મનને ઝેરથી ભરી દે છે.
નવવધૂનું આશંકાભર્યું વર્તન સાસરે આવતાંવેંત જ કજિયાનું રૂપ લે છે. જૂજ ઘરો સિવાય બધાં જ ઘરોમાં સંયુકત કુટુંબોમાં કજિયો ઘર કરી ગયો હોય છે.
મયંક બોલ્યો, આ તો નુકસાનકર્તા કહેવાય.
દાદાજી કહે, સૌથી પહેલાં આ કજિયો મોટે ભાગે સ્ત્રીઓમાં જ મર્યાદિત રહે છે. કુટુંબનો પુરુષ-સમાજ આમાં ભાગ લેતો નથી. વહુને પણ સાસરા કરતાં સાસુ વિશે વધારે ફરિયાદ હોય છે. સાસુ પણ નાની નાની બાબતોમાં દીકરાનો પક્ષા લઈને વહુને અન્યાય કરે છે. જેઠાણી પણ દિયરને તો કંઈ નથી કહેતી, પણ દેરાણી માટે તે બળીને રાખ થઈ જાય છે. દેરાણી પણ જેઠની લાજ કાઢતી, પણ જેઠાણી સાથે તો દિવસમાં કેટલીયે વાર તુંકારે આવી જાય છે.
નણંદ પણ ભાઈ પર ખૂબ હેત રાખે છે અને ભાભી માટે તો એ કહેશે કે, 'કયાં આવી પનારે પડી ?' પછી વહુ પણ પોતાના પતિને કહેશે કે, 'આ તમારી બહેન છે કે આગની પૂતળી ?' અને સાથે સાથે સાસુ વિશે પણ ફરિયાદ કરી લેશે કે, 'તમારી બા જ એને આટલી બગાડે છે, ખોટા લાડ લડાવે છે.' ધીમે ધીમે આ ઝેર પુરુષોમાં પણ પ્રસરે છે. દેરાણી-જેઠાણી પણ સામસામા તુંકારે આવીને એ નાના કજિયાના છાંટા પોતાના પુરુષો ઉપર ઉડાડે છે. જેઠાણી બોલે, 'દુકાનનું બધું કામ તો એ જ કરે છે, તારો વર તો આખો દિવસ પડયો રહે છે.' દેરાણી વળી સામો ઉત્તર વાળે છે, 'હું તો એકલી, મારો ખર્ચ પણ શો હોય ! જેણે ઘણાં જણ્યાં હોય એને ચિંતા હોયને ?'
મયંક કહે, સમજણના અભાવને લીધે આવું બધું થતું હશેને ?
(ક્રમશ:)
