STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Inspirational

3  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 48

દાદાજીની વાર્તા - 48

2 mins
268

આપણાં કુટુંબો કયે રસ્તે ?

પૌત્ર મયંક રમીને ઘેર આવ્યો. તેણે દાદાજીની આંખોમાં આંસુ જોયાં. મયંકે પૂછયું તો દાદાજી કહેવા લાગ્યા, ભારતીય સંસ્કૃતિ જેને માટે ગૌરવ લે છે, ભારતીય સમાજની જે આધારશીલા છે તે અવિભકત કુટુંબો તૂટતાં જાય છે, એવી સર્વત્ર ફરિયાદ ઊઠે છે. પણ એનો વિચાર કરવાની ભાગ્યે જ કોઈને ફુરસદ છે. અવિભકત કુટુંબની હિમાયત કરનારા આર્યવીરો પણ જ્યારે પોતા વિશે વિચાર કરવાનો સમય આવે છે, ત્યારે સંમિલિત કુટુંબનું વિભાજન કરવાનું પાપ વહોરી બેસે છે.

મયંક કહે, દાદાજી ! સમજાય એવું કહોને !

દાદાજી બોલ્યે જતા હતા, ભારતીય સમાજનો પાયો જ સંયુકત કુટુંબ છે. એના ફાયદા સમજાવવાની ભાગ્યે જ જરૂર હોય, પણ અફસોસની વાત છે કે આજે દીવા જેવી સ્પષ્ટ વાત દલીલોથી સમજાવવી પડે છે. એકતંત્રી સરકાર અને સમવાયતંત્રી સરકારના જેમ ફાયદા-ગેરફાયદા છે, તેમ સંયુકત કુટુંબ અને વિભકત કુટુંબના પણ ફાયદા-ગેરફાયદા છે. પણ જે વસ્તુ વધુ સારી અને ઓછી ખરાબ તે સારી ગણાય. કારણ કે તે વધુ પ્રમાણમાં સારી છે. જ્યારે જે વસ્તુ વધુ ખરાબ અને ઓછી સારી તે ખરાબ ગણાય. કારણ કે તે વધારે પ્રમાણમાં ખરાબ છે.

મયંક કહે, જો આવા જ માપદંડથી આપણી કૌટુંબિક વ્યવસ્થાને મૂલવવામાં આવે તો સરવાળે સંયુકત કુટુંબવ્યવસ્થા સારી સાબિત થશે. મારું માનવું આવું છે.

દાદાજી બોલ્યા, આધુનિક અને જૂનવાણી વિચારસરણીઓનું ઘર્ષણ જ સંયુકત કુટુંબ વ્યવસ્થામાં સુરંગ ચાંપે છે. નવી જુવાનીને સમજવાની કોશિશ વૃદ્ઘત્વમાં નથી. ગઈકાલના વૃદ્ઘત્વને હજુય ગઈકાલ સાચવી રાખવી છે. જે આજના યુવાન વર્ગને મંજૂર નથી. ભૂતકાળમાં વ્યક્તિ-સમૂહ આજની યુવાનીને ઉપેક્ષાથી જુએ છે. અને એ જ રીતે આજની આછકલી જુવાની અનુભવના ભંડાર સમાન અને ડહાપણના ખજાના સમાન વૃદ્ઘત્વની ઉપેક્ષા કરે છે. જ્યાં સુધી આ બંને ધ્રુવોના આચાર-વિચારનો મેળ ન બેસે ત્યાં સુધી સંયુકત કુટુંબ વ્યવસ્થા ટકાવવી મુશ્કેલ બનશે. આપણા જૂના વડીલવર્ગે એ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે, શિયાળાનાં કપડાં ઉનાળામાં પહેરવાથી નુકસાન થાય છે, તેમ આપણે પણ આપણી ઓલાદની લાયકાતની કદર કરીએ. માત્ર લોહીના સંબંધથી અને ઉંમરથી જ પ્રાપ્ત થયેલું વડીલપણું એ આધુનિક યુવાનવર્ગ ઉપર પરાણે લાદેલો બોજો છે. એ બોજો આધુનિક યુવાનો હવે વધુ વખત ઉઠાવવા તૈયાર પણ નથી. એનાથી ઊલટું જ્યારે યુવાનો પોતપોતાની જાતને એટલા લાયક સમજે છે કે વડીલોને સમજવાનો બિલકુલ પ્રયત્ન જ નથી કરતાં ત્યારે પણ વિચિત્ર પરિસ્થિતિ પેદા થાય છે.

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract