દાદાજીની વાર્તા - 44
દાદાજીની વાર્તા - 44
મયંક કહે, આવા લોકોને તો સલામ કરવી પડે.
દાદાજીએ વાતને આગળ વધારી, ભારતનો એક નાગરિક જો એક તોલો અનાજનો બગાડ કરે તો અનાજ ખાનાર ૧૩૦ કરોડ લોકો દ્વારા કેટલું અનાજ બગડે ? આ તો એક જ દિવસની વાત થઈ. એનાથી ઊલટું જો રોજ થોડી કરકસર થાય તો ટનબંધ અનાજ બચી શકે. જીવન-જરૂરિયાતના પ્રત્યેક ક્ષેત્રોમાં કરકસર એ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરે છે.
મયંક કહે, અન્નનો બગાડ તો ન જ થવો જોઈએ.
દાદાજી કહે, શિસ્ત અને દેશપ્રેમ એ સિક્કાની બે બાજુ જેવાં છે. મજબૂત સંગઠન ધરાવતી વતનપ્રેમી પ્રજા વર્ષો સુધી શું ? સદીઓ સુધી પોતાના દુશ્મનને હંફાવે છે. વામન વિયેતનામે અમેરિકાને આ ન્યાયે જ હંફાવ્યું. અંતે થાકીને અમેરિકાએ વિયેતનામ છોડવું પડયું. બંદૂકની નાળ કે તલવારની અણીથી વતનપ્રેમી પ્રજા નમતી નથી. આ હકીકતનું સમર્થન ઇતિહાસની અનેક ઘટનાઓ દ્વારા થાય છે.
મયંક કહે, મેં એક કવિતા સાંભળી છે :
''જગતના સર્વદેશોમાં અમારો ખેશ સારો છે,
ભલે ભૂલો કરે તોયે અમારો દેશ સારો છે.''
દાદાજી કહે, અતૂટ દેશભક્તિ ધરાવતા નાગરિકો હંમેશાં વિજયને વરે છે. ડ્રફાલ્ગરની લડાઈમાં નેપોલિયન બોનાપાર્ટ સામેનો નેલ્સનનો વિજય એનું ઉદાહરણ છે. ગ્રીસનાં બે યુદ્ઘો થર્મોપોલીનું યુદ્ઘ અને સાલેમીસની લડાઈ દેશભક્તિ અને સંગઠનના ઉત્તમ દાખલાઓ છે. ભારતે પણ અતૂટ એકતા દાખવી. પાકિસ્તાન સામેનું યુદ્ઘ બે સપ્તાહ ચાલ્યું, પણ સૌ નાગરિકો એક મતે સરકારનું સમર્થન કરતા રહ્યા. વિરોધ પક્ષાોએ કે લઘુમતિ કોમોએ વિરોધનો એક હરફ પણ ન ઉચાર્યો. આ એકતા સ્પૃહણીય છે.
મયંક બોલ્યો, યુદ્ઘકીય પરિસ્થિતિ દરમિયાન લશ્કર સરહદ સાચવતું હોય ત્યારે ગ્રારક્ષાક દળ, એન.સી.સી., રાજ્યપોલીસ દેશની આંતરિક સલામતી સાચવે અને આમજનતા આગળ ચર્ચા કરી તેમ દેશની આર્થિક વ્યવસ્થાને સાચવે. આ થઈ સંરક્ષણની બીજી હરોળ. બરાબરને દાદાજી ?
ને હવે ફરી મયંક રમવામાં લાગી ગયો.
***
