દાદાજીની વાર્તા - 38
દાદાજીની વાર્તા - 38
મયંક કહે, આમાં આપણા દેશ ભારતનું કેવું યોગદાન છે ?
દાદાજી કહે, ભારત પણ એમાં શામિલ થઈ ગયો છે. ચંદ્રની અછૂત ધરતી પર વિરાટ પગલાંઓ પાડી રહ્યો છે. એક દિવસ જરૂર એવો ઊગશે કે જ્યારે પૃથ્વી અને ચંદ્રની વચ્ચે 'શટલયાન' દોડતાં હશે. માનવીની ગાડી ચંદ્રની સપાટી પર ફકત વ્હીસલ મારવા પૂરતી ઊભી રહેશે. પછી પૃથ્વી પુન: વજનવિહીન બનીને સૂર્યમાળાના ગુરુત્વાકર્ષણની ક્ષિતિજો પણ વટાવી જશે. સમયને થીજાવીને વસુધાનો પુત્ર અનંત, બૃહદ, અફાટ બ્રહ્માંડમાં નિર્વિરોધ રખડતો હશે. અવકાશમાં તરતી પ્રયોગશાળાઓ સ્થાપવાનો સમય હવે દૂર નથી- સ્થપાઈ ચૂકી છે.
મયંક કહે, અવકાશમાં પ્રયોગશાળા હોય ?
દાદાજી કહે, હા, આ 'અવકાશદ્વીપો'માં વૈજ્ઞાનિકો પ્રયોગશાળાઓ અને અનંતયાત્રામાં જવાનાં પ્લેફોર્મ બાંધશે. જેથી પૃથ્વી પરથી છટકવા માટે કામે લગાડાતી વિરાટ તાકાતમાં ઘટાતો કરી શકાય. આનાથી અવકાશી વાહનવ્યવહાર ઝડપી બનશે. સંચાર વ્યવસ્થા પણ ઝડપી બનશે. લશ્કરી હિલચાલો પર પણ નજર રાખી શકાશે.
મયંક કહે, આ તો માત્ર માનવીય વિજ્ઞાનની અવકાશી સિદ્ઘિઓના ભવિષ્યની વાત થઈ. જેમ અવકાશક્ષેત્રે, એમ સંદેશાવ્યવહારના ક્ષેત્રે અજબ પરિવર્તનો આવી રહ્યાં છે. રેડિયો દ્વારા અવાજને, ટેલિવિઝન દ્વારા તસ્વીરને પ્રસારિત કરવાનું આપણને સામાન્ય લાગે છે, પણ હવે એ દિવસો દૂર નથી જ્યારે અવાજ અને તસ્વીરની જેમ સ્વાદ અને સુગંધને પણ 'બ્રોડકાસ્ટ' કરી શકાશે. આવું બનશેને દાદાજી ?
દાદાજીએ વાતને આગળ વધારી, ચંદ્ર પર ગોઠવાયેલાં 'લાસર રિફલેકટર' દ્વારા પૃથ્વીથી કિરણો છોડીને ચંદ્ર સુધી પહોંચાડીને પાછા લાવવાનું કામ માત્ર સવા સેકન્ડમાં થાય છે. ધરતીકંપની હવે આગાહીઓ થઈ શકશે.
અવકાશી વિજ્ઞાન અને સંદેશાનું વિજ્ઞાન જો પ્રગતિ કરતું હોય તો તબીબી વિજ્ઞાન શા માટે પાછળ રહે ? જીવન વિજ્ઞાન ક્ષેત્રે પણ વિજ્ઞાનનો ફાળો નોંધપાત્ર છે. પહેલા એમ મનાતું કે સડતાં શબો, સડતી વનસ્પતિ અને પાણીનાં ખાબોચિયાંમાં આપોઆપ જીવનસૃષ્ટિ નિર્માય છે. પરંતુ માનવીને વિજ્ઞાને 'માઈક્રોસ્કોપ'ની આંખ આપી પછી માનવે જીવનરસથી માંડીને અનેક બારીક જીવાણુંઓનો અભ્યાસ કરીને નક્કર સત્યો રજૂ કર્યાં. નરી આંખે ન દેખાનારાં ખતરનાક જીવાણુંને માનવે વિજ્ઞાનની આંખે નિહાળ્યાં. એને મારી નાખવા માટેનાં ઔષધો શોધાયાં. અનેક પ્રકારના જીવલેણ-અસાધ્ય દર્દો સામે વિજ્ઞાને ઝઝૂમીને અત્યારે તો લગભગ પ્રત્યેક દર્દ સામે નિર્ભિક બનાવ્યો છે. કેન્સર અને પોલિયો જેવાં દર્દો ભાગીભાગીને કેટલેક જશે ? ડાૅ. ખુરાનાની ક્રાંતિકારી શોધ અને બીજાં અનેક વૈજ્ઞાનિકોનાં ભેજાઓની પ્રતિભા એને નહીં છોડે. હૃદય જેવી નાજુક વસ્તુ સાથે આજનું વિજ્ઞાન ચેડાં કરે છે, એની અદલાબદલી કરે છે. એ ભવિષ્યમાં શું નહીં કરે ? હવે એ દિવસો દૂર નથી, જ્યારે અન્ય યંત્રોના ભાગોની જેમ માનવશરીરના પણ ગમે તે ભાગ તબીબી વિજ્ઞાન શરીરમાં આબેહૂબ બેસાડી દેશે. કેટલાંક અંગોને તો બેસાડી શકયો છે. પશુઓ, પક્ષીઓ, જળચરો અને માનવીની શરીરરચનાનું વિજ્ઞાન તો હવે પુરાણો ભૂતકાળ બની ગયું છે. પ્લાસ્ટીકસર્જરીથી પણ હવે લોકોને આશ્ચર્ય કયાં થાય છે ?
(ક્રમશ:)
