દાદાજીની વાર્તા - 32
દાદાજીની વાર્તા - 32
યંત્ર : એક અનિષ્ટ
એક દિવસ શાળામાં વિજ્ઞાનમેળો હતો. દાદાજીના પ્યારા પૌત્ર મયંકે પણ તેમાં ભાગ લીધો હતો. તે ધરારથી દાદાજીને શાળાએ લઈ જાય છે. શાળાએ પહોંચીને શાળાના આચાર્ય સાથે દાદાજીનો પરિચય કરાવ્યો. શાળાના આચાર્યશ્રીએ સૌને સભાખંડમાં બેસાડયા અને દાદાજીને થોડી વાત કરવાનું કહ્યું.
દાદાજી ઊભા થાય છે. બોલવાની શરૂઆત કરે છે, વિજ્ઞાનમેળા પ્રસંગે આ વાત કહેવાની હિંમત કરું છું ’ યંત્ર એક અનિષ્ટ છે’. વિચિત્ર શીર્ષકથી ચોંકશો નહીં. સાંભળીને વિચારજો. પછી અભિપ્રાય બાંધજો.
આધુનિક યંત્રવાદે અખિલ વિશ્વને ઉન્નતિના ઊંબરે લાવીને મૂકયું છે. વૈજ્ઞાનિક સફળતાનાં નવાં અને આશ્ચર્યકારી શિખરોએ માનવ પહોંચ્યો છે. ગણતરી કરી કે તેવાં યંત્રો (કોમ્પ્યૂટરો) બનાવ્યાં છે. બાહ્યાવકાશની અગાધ ક્ષિતિજોમાં ડોકિયાં કરે એવાં સાધનો સર્જયાં છે. બૃહદ સમુદ્રોને ઓળંગવાના વિરાટ પુલો બંધાયા છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતાં પણ બુરઝ ખલીફા જેવી ઊંચી અને તોતિંગ ઈમારતો ચણાય છે. 'સેટર્ન-પ', 'એપોલો', 'વિનસ', 'ઝોન્ડ' અને 'સોયુઝ' જેવાં અવકાશયાનોએ વાતાવરણના સ્તરોમાંથી મહામાર્ગો કંડાર્યા છે. વિમાનોએ દુનિયાના અંતરને વામણું બનાવ્યું છે. યંત્રવાદે સમયને સાંકળે બાંધ્યો છે. 'જમ્બો જેટ' જેવાં તોતિંગ હવાઈ જહાજો વાતાવરણને ધ્રુજાવી રહ્યાં છે. 'જમ્બો જેટ' કરતાં પણ ઝડપી 'સુપર સોનિક', 'કોન્કોર્ડ' હવાઈ જહાજ વાતાવરણમાં તરતા મુકાયાં. પ્લાસ્ટીક સર્જરી હવે ભૂતકાળ બની ગઈ છે. કોલસાયુગ, પેટ્રોલયુગ, વરાળયુગ અને વિદ્યુતયુગ હવે જૂના લાગવા માંડયા છે. અણુશક્તિ હાથ લાગ્યા પછી માનવીની સર્જનશક્તિમાં અનેક ગણો વધારો થયો છે. અવકાશયુગનાં મંડાણ થઈ ચૂકયાં છે. માનવીએ ચંદ્રની ધરતીને ચૂમી છે. સૌરમંડળના મંગળ જેવા પીંડો તરફ માનવીએ મીટ માંડી છે. હવે તો સામાન્ય માનવી માટે પણ અવકાશયાત્રાનાં ચોઘડિયાં ગણાઈ રહ્યાં છે.
વચ્ચે એક વિદ્યાર્થીએ પૂછયું, પણ યંત્રો વિના દુનિયા રહી શકે ખરી ?
(ક્રમશ:)
