STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Inspirational

3  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 26

દાદાજીની વાર્તા - 26

2 mins
237

શિક્ષક

રવિવારનો દિવસ હતો. પૌત્ર મયંક દાદાજીના ખોળામાં માથું રાખીને સૂતો હતો. થોડીવાર પછી તે બોલ્યો, દાદાજી ! આવતીકાલે શિક્ષકદિન છે અને હું અમારા વર્ગમાં શિક્ષક બનવાનો છું. હું કાલે ભણાવવાનો છું.

તો દાદાજી કહે, તું સાચો શિક્ષક એટલે શું એ જાણે છે ?

મયંક કહે, હું તો નાનો છું. એટલી બધી કયાંથી ખબર હોય. તમે કહો !

દાદાજી બોલ્યા, સાચા શિક્ષકની વ્યાખ્યા બાંધવાનો મારો અધિકાર નથી. શિક્ષકની વ્યાખ્યા શબ્દોથી નહીં, જીવનથી બંધાય. એ ભૂમિતિનું પ્રમેય કે ગણિતનો કૂટપ્રશ્ન નથી, પણ જીવનનું પ્રમેય છે. શિક્ષકને શબ્દદેહે કંડારવો લગભગ અશકય છે. છતાંય બહુચર્ચિત વ્યાખ્યા કહું તો, શિક્ષક નામના બંધારણમાં જ એનું હાર્દ સમાયેલું છે. ’’શિ’’ એટલે શિસ્ત. શિક્ષક એ શિસ્તનો હિમાયતી છે. આચાર અને વિચારમાં કયાંય પણ અશિસ્તને ધિક્કારે છે. શિસ્ત એટલે જીવનનો અંકુશ, અને શિસ્તબદ્ઘ શિક્ષક એટલે સમાજ પરનો અંકુશ. શિસ્ત વિહોણો સમાજ ગતિહીન-લક્ષયહીન બને છે. એટલે સમાજને શિસ્ત દ્વારા શિષ્ટ બનાવે છે, શિક્ષક. એ તો સમાજના અવગુણોનો શિસ્તબદ્ઘ શિકારી છે. સદ્ગુણો અને દુર્ગુણો જે બિંદુ પર એક બીજાને કાપે છે, તે બિંદુ પર બ્રાહ્મણધર્મી શિસ્તબદ્ઘ શિક્ષકોની ચોકી જે દિવસે બંધ થશે, ત્યારે સમાજનું નખ્ખોદ નીકળી જશે. પણ ધાક-ધમકીથી લદાયેલ શિસ્ત માનવ-માનસને વિકૃત કરે છે. એ ક્ષમાયુકત હોવી જોઈએ.

મયંક કહે, તો પછી ’’ક્ષ’’નો અર્થ શો થાય ?

દાદાજી કહે, ’’ક્ષ’’ નો અર્થ થાય છે, ક્ષમા. શિક્ષક એટલે ક્ષમાની મૂર્તિ. પણ શિક્ષકની ક્ષમા એ મજબૂરી નથી, પણ અધિકાર છે. શિક્ષકમાં ક્ષમાની હાજરી એને લશ્કરી સૈનિકથી જુદો પાડે છે. શિક્ષક સૈનિકની જેમ શિસ્તનો આગ્રહી ખરો, પણ એ એવી જડ શિસ્ત નથી કે જેનો ભંગ કરનારને પ્રાયશ્ચિત કરવાનો હક નથી. ક્ષમા દ્વારા એ શિસ્તમાં માનવતાનું તત્વ ઊમેરીને એને સુગંધયુકત બનાવે છે. શિક્ષકની ક્ષમાવૃત્તિને મજબૂરી સમજીને સમાજે એનું જે અવમૂલ્યન કર્યું છે. એનાં માઠાં પરિણામો સમાજે ભોગવવા જ પડશે. સંસ્કારવાંચ્છુ, સંસ્કારી અને ક્ષમાશીલ શિક્ષકની બદદુવા સમાજ માટે આત્મઘાતક બનશે. જે સમાજ શિક્ષકનું-ગુરુનું સ્વમાન સાચવી શકતો નથી, એ પોતાના નાશને નોતરે છે. ઇતિહાસ આ હકીકતનો સાક્ષી છે. રાખમાં તબદિલ થનારા સગરના સાઢ હજાર પુત્રો તપસ્વી ગુરુના પ્રકોપનો જ શિકાર બનેલા. શિક્ષકમાં માનુ હૃદય અને બાપની આંખ બન્ને હોવાં જોઈએ. કુંભાર જ્યારે કોઈ વાસણને ઘડે છે, ત્યારે બહારથી ટપલું મારે છે અને અંદર એ હાથ રાખે છે. શિક્ષક પણ લાલ આંખ કરે ત્યારે એનો રોષ પણ ક્ષમાશીલ હોય છે.

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract