દાદાજીની વાર્તા - 22
દાદાજીની વાર્તા - 22
દાદાજી બોલ્યે જતા હતા, કળા વિશે આપણે થોડુંક વધારે વિચારીએ. કળા એ જીવનનો ઉકેલ છે. ધર્મ, સાહિત્ય અને તત્વજ્ઞાનની માફક કળા પાસે પણ જીવનની સમસ્યા ઉકેલવાની શક્તિ છે. કળા ગાતું ઝરણું છે, તેમ જલશીકરો ઉડાડતો અને ઈન્દ્ર ધનુષ્ય રચતો ધોધ પણ છે. કળા એ એવો અદૃશ્ય પદાર્થ છે, જેનો આકાર કેવળ હૃદય જ કલ્પી શકે, એનો અવાજ કેવળ આત્મા સાંભળી શકે. સંસ્કારે તે કળા-કળામાં સંસ્કારી આત્મા અને સમાજનું પ્રતિબિંબ ઝીલ્યું હોય છે. જે નેત્રને-હૃદયને કળાનો પરિચય થાય છે એને મન આ સંસારનાં પદાર્થો, પ્રાણીઓ, માનવીઓ, દૃશ્યો એ વિવિધ પ્રસંગોનાં મૂલ્યો ફરી જાય છે. કલાકાર પોતાની કલાકૃતિના સદ્ગુણો વડે જગતના અપૂર્વ ઐર્યનો ભોકતા બને છે. યુદ્ઘના ભીષણ અનુભવો, દુષ્કાળના કટુ અનુભવો મોંઘવારી અને ગરીબીના વિષચક્રની ભીંસ તથા મૃત્યુના મનહૂસ પડછાયાને વિસારવા માનવી કળાનું શરણું શોધે છે. જ્યારે કોઈ માનવી હાથપગથી કામ કરે છે એ મજૂર છે, બુદ્ઘિથી કામ કરે છે તે વેપારી છે અને હાથપગ અને બુદ્ઘિ અને હૃદયથી કામ કરે તે કળાકાર છે. જ્યારે જ્યારે મનુષ્ય આવી રીતે મન લગાડીને પ્રેમથી અને આદરથી કોઈ ક્રિયા કે વિધાન કરે છે, ત્યારે તેનો વ્યવહાર અને કૃતિ કળાના રૂપને પામે છે. પછી તે કાવ્ય, ગદ્યખંડ, શિલ્પ, મીનાકારી, ચિત્ર, સંગીત, નૃત્ય કે અન્ય કોઈ પણ હોઈ શકે. આવી કૃતિઓ માનવીની લાગણીઓને હૂંફ આપે છે, જીવને પૂર્વના અનુભવોનું સ્મરણ કરાવે છે. ગમ, દર્દ, વ્યથા, બેચેની, આંસુઓ અને આંનદની અનુભૂતિ કરાવે છે.
મયંક કહે, વાહ ! અહીં તો ઝાઝા બધા કલાકારો આવી ગયા.
દાદાજી કહે, કળાકાર એ પાંજરામાં પુરાયેલો પોપટ નથી, પણ મુકત આત્માનો માલિક છે. એની પોતાની આગવી દુનિયાને હંમેશાં સાથે જ રાખે છે, છતાંય કળાકારને મન ’કળા વ્યક્તિગત એકાંતિક આનંદની વસ્તુ ન હોવી જોઈએ.’ એમ પ્રસિદ્ઘ સ્વીડીશ સાહિત્યકાર આલ્બેરકામુએ કહ્યું છે. તેઓ કહેતા કે, ’’ કળા એ માનવીના હર્ષ અને શોખની સર્વ સામાન્ય અનુભૂતિઓને એમના વિશિષ્ટ રૂપે પ્રતિબિંબ કરી, વિશાળતમ જનસમુદાયના અંતર તમને હચમચાવી મૂકે તેવું એક સમર્થ સાધન છે.’’ સાચી કળા માનવતાભરી જ હોય છે. દુનિયાનું કોઈ દુ:ખ તેનાથી જોયું જતુંં નથી; કોઈપણ અન્યાય તેનાથી સહન થઈ શકતો નથી. જીવનના સૌંદર્યનો જેઓ વિનાશ કરે છે તેના પ્રત્યે કળાકારને ધૃણા ઊપજે છે. કલાકાર પોતે ભલે ગમે તે દેશમાં જન્મ્યો હોય, પણ એની કળા તો આલમના અંતર ઉપર પ્રેરણાનો પંખો ઢોળે છે. આવા કલાકારો જો દુનિયામાં પક્ષકારો થવાનું પસંદ કરે તો એમણે કોઈ એવી સમાજ રચનામાં રહેવું જોઈએ કે જ્યાં ન્યાયધીશ સર્જકને આધીન હોય.
મયંક કહે, આવા કલાકારની સોબત જે સમાજને સાંપડે એ સમાજમાં શી મણા રહે ?
અને દાદાજી ફરી મૌન થઈ ગયા.
***
