દાદાજીની વાર્તા 20
દાદાજીની વાર્તા 20
કળા-યુક્તિ અને કલાકાર
સવારનું ખુશનુમા વાતાવરણ હતું. પરંતુ દાદાજી આજે કંઈક ચિંતામાં હોય એવું લાગ્યું. ત્યાં પૌત્ર મયંક રમતો-રમતો ત્યાં આવ્યો. તે દાદાજીના મોં સામે જુએ છે. તેને થયું કે દાદાજી આમ કેમ બેઠા હશે! તે દાદાજીને પૂછે છે.
તો દાદાજી એ જ દશામાં બોલવા લાગ્યા, 'ખીસું કાપવું એ પણ એક કળા છે. બેંકમાંથી ચીલ ઝડપે હિંમતભરી લૂંટ કરવી એ પણ એક કળા છે. આવું કહીને આપણે કળાનું અપમાન કરીએ છીએ. આવાં કાયોઁની સિદ્ઘિ એ કળા નથી, પણ યુક્તિ છે. કળા ફકત એને જ કહી શકાય કે જે માનવને સંસ્કારયુકત બનાવે; યુક્તિસભર બુદ્ઘિ ધરાવનાર માનવી બધે વખતે કલાકાર બની શકતો નથી.'
મયંક કહે, 'દાદાજી તમે આવું કેમ બોલો છો ?'
દાદાજી કહે, 'કળાનો જન્મ હ્રદયમાંથી થાય છે, જ્યારે બુદ્ઘિયુકત યુક્તિ દિમાગની પેદાશ છે. મોગલ સમ્રાટ અકબરનું એક કથન યાદ આવે છે કે ’’કલાકારો ઈશ્વરની સમીપ જઈ શકે છે.’’ કુદરતનું અનુપમ સૌંદર્ય પાન કરવાની દૃષ્ટિ કેવળ કલાકારને જ સાંપડે છે. યુક્તિનો આંનદ ભૌતિક, ક્ષણિક અને મર્યાદિત છે, જ્યારે કળાનો આત્મિક, શાત અને અમર્યાદ છે. ચિરંજીવ આંનદ આપતી કળા સમગ્ર જીવનને સંસ્કારે છે. જીવનને પૂર્વના અનુભવો વ્યથા કે આંનદનો સાક્ષાત્કાર કરાવી આપે એવી કોઈપણ કૃતિને કળા કહી શકાય. પછી તે સંગીત, ચિત્ર, નૃત્ય કે અન્ય કોઈપણ પ્રકારની કૃતિ હોઈ શકે.'
મયંક કહે, 'દાદાજી! મને તો કંઈ સમજાતું નથી.'
દાદાજીએ આગળ ચલાવ્યું, 'યુક્તિને માટે બુદ્ઘિની સાથે સાધનો અનિવાર્યપણે જોઈએ છીએ. જ્યારે કળામાં જોઈએ છીએ ઊર્મિઓનો સંચય. પ્રબળ વિચારસૃષ્ટિ એ કળાની જન્મદાત્રિ છે અને પછી કલાકાર માનવીના હૈયામાંથી આપમેળે જ કળા-કૃતિનો જન્મ થાય છે. હાથને અને આંખને તો માનવીનું મગજ પણ આદેશ આપે છે અને દિલ પણ આદેશ આપે છે. જ્યારે મગજ આદેશ આપે છે, ત્યારે યુક્તિ જન્મે છે અને આત્માના આદેશથી કળાનો જન્મ થાય છે. યુક્તિનો પંથ એટલો કઠિન નથી જેટલો કલાપંથ છે.'
(ક્રમશ:)
