દાદાજીની વાર્તા - 2
દાદાજીની વાર્તા - 2
એક દિવસ દાદાજી અને પૌત્ર મયંક ઘરના ફળિયામાં બેઠા હતા. મયંક કંઈક લખી રહ્યો હતો.
દાદાજીએ પૂછયું, શું કરે છે, દીકરા ?
મયંક કહે, શાળાએથી આપેલું સ્વાધ્યાય કરું છું.
દાદાજીએ તો તરત જ સ્વાધ્યાય વિશે પોતાની વાણી વહેતી મૂકી દીધી.
દાદાજી કહે, જીવન તરફ જોવાનો જીવંત, પ્રાણમય દૃષ્ટિકોણ એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય એ ઔષધ નથી, અન્ન છે. ઔષધ તો કયારેક જ અને એય માંદા માણસોને જ લેવાનું હોય, પણ અન્ન તો સૌ માનવોએ નિત્ય લેવું પડે છે. એ જ પ્રમાણે જીવનમાં નિયમિત રીતે સ્વાધ્યાય થવો જોઈએ. સ્વાધ્યાય એ બુદ્ઘિનું સ્નાન છે. તેનાથી બુદ્ઘિ શુદ્ઘ બને, મન ચિંતનશીલ બને. સ્વાધ્યાય માનવને આત્મનિરીક્ષાણ માટે પ્રેરે છે. સ્વાધ્યાય દ્વારા ઋષિઓ, સંતો કે અવતારોએ આપેલા ગ્રંથોનું મનન થાય. એ ગ્રંથોના સ્વાધ્યાયથી જીવનના બધા જ કોયડા ઊકલી જાય છે અને સાચું સમાભાન પ્રાપ્ત થાય છે.
મયંક કહે, હા, દાદાજી ! અમારા સાહેબ પણ કહેતા હતા કે, સાચો સ્વાધ્યાયી પોતે સંસ્કારી બને અને બીજાને બનાવે છે. આપણામાં સમજણ નથી, કારણ કે આપણે સ્વાધ્યાય નથી કરતા. સ્વાધ્યાય પ્રવૃત્તિ ’સ્વ’ને જાણવા માટેની છે. સ્વાધ્યાય એ સંસ્કૃતિના નવઘડતરની પ્રક્રિયા છે.
દાદાજી કહે, વાહ, દીકરા ! તેં તો ખૂબ સારી વાત કરી. મને તો એમ કે, તું સ્વાધ્યાય વિશે જાણતો જ નહિ હો. પણ તારી પાસે પણ ઘણું જ્ઞાન છે. તો હવે સમય નથી બગાડવો અને તું તારું સ્વાધ્યાય કરવા લાગી જા. અને મયંક ધ્યાનપૂર્વક પોતાનું સ્વાધ્યાય કરવા લાગ્યો.
***
