દાદાજીની વાર્તા - 18
દાદાજીની વાર્તા - 18
પ્રાર્થના શું છે ? પ્રાર્થના થકી આપણે એક વિરાટ શક્તિ સાથે એકાકાર થઈએ છીએ. આત્મા એવા પ્રેમી-આત્મા સાથે જોડાય છે જે મહાન શક્તિ સૂરજ અને ધરતીનો સર્જનહાર છે. આજનાં હાઈપરસેન્સિટિવ બાળકોને પાંચ-દસ કે ત્રીસ મિનિટ નિરાંતે એક જગ્યાએ બેસીને શાંત રાખવાનો એક જ મફતિયો અને ચોટડૂક ઈલાજ છે પ્રાર્થના. પ્રાર્થના જ તોફાની બાળકોના મનને શાંત કરે છે અને શાંતિ દ્વારા જ બાળક પોતાની જાત સાથે વાત કરતાં શીખશે.
મયંક કહે, હા, દાદાજી ! માઈકલ નોવાર્ક નામના ઝેકોસ્લોવેકિયન પંડિતે કહેલું કે, પ્રાર્થના થકી તમારી સર્જનશક્તિ વધે છે. તમારી ન્યાયાન્યાયની અને તર્કની શક્તિ વધે છે. ફૂટબોલની વર્લ્ડકપ ટુર્નામેન્ટ જોઈ ? ત્યાં મેચ રમતાં પહેલાં રાષ્ટ્રગીત ગવાય છે. એ એક જાતની પ્રાર્થના જ છે, મનને શાંત કરવાની પ્રક્રિયા જ છે.
દાદાજી બોલ્યા, આર્ટિસ્ટો, રમતવીરો અને જાહેર સભામાં પ્રવચન આપતા ઘણા કથાકારોને મેં મનોમન કે જાહેરમાં ટૂંકી પ્રાર્થના કરતા જોયા છે. પ્રાર્થના થકી તંગ અવસ્થાવાળી વ્યક્તિ રિલેકસ થઈ જાય છે. પ્રાર્થના અને ધ્યાન આપણને દરેક ધર્મમાં વિદ્વાનો શીખવતા. એ સમયે માનવી અસહિષ્ણુ હતો, પણ આજે પ્રાર્થના લુપ્ત થતાં આપણે અસહિષ્ણુ અને ઘાંઘા થતા જઈએ છીએ.
મયંક કહે, મધર ટેરેસાનું સૂત્ર મને યાદ આવે છે : ’પ્રાર્થના મહાબીજ છે, એમાંથી અંતે ઓમ શાંતિ શાંતિ શાંતિ મળે છે.’
દાદાજી આગળ કહેવા લાગ્યા, જીવન શકટનો ભાર ખેંચતા માનવી માટે પ્રાર્થનાએ નવીન શક્તિ મેળવવા માટેનું અમોઘ સાધન છે. સંસારની જવાબદારીઓની ગંદી ગલીઓમાં અટવાયેલો માનવ પ્રાર્થનાથી પ્રકાશ મેળવે છે. ઘણી વખત જે કામનો ઉકેલ કયારેય ન આવે, તેનો ઉકેલ પ્રાર્થનાથી આવે. નરસિંહ મહેતાની ગૂંચ ભગવાને ઉકેલી હતી જ ને ? બીજું કોઈ ન કરી શકે એ પ્રાર્થના કરી શકે. પ્રાર્થના જીવન તમિસ્ત્રને વિદારીને દીપ પ્રગટાવે છે. પતિત જિંદગીને ઊધ્ર્વગામી બનાવે છે. એ નૈતિક શક્તિઓનો સંચય કરે છે, વિજય અપાવે છે. મનની શાંતિ અને આંનદ આપે છે, સુખ, સમૃદ્ઘિ અને સામર્થ્યના સ્વામી બનાવે છે. આધ્યાત્મિક વિકાસ કરાવીને આત્મ સાક્ષાત્કાર કરી આપીને જીવનને દિવ્ય-ઈરીયપૂર્ણતા આપે છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી મુક્તિ અપાવવી પ્રાર્થના માટે મુશ્કેલ નથી. એ સ્વયં પ્રકાશમય છે. પ્રાર્થનાના પાવન પંથ પર પગલાં માંડો, પ્રકાશ મેળવો. સીમાઓમાંથી મુકત બનો. જીવનના સ્વામી બનો. પૂર્ણ બનો.
(ક્રમશ:)
