દાદાજીની વાર્તા - 16
દાદાજીની વાર્તા - 16
પ્રાર્થના શા માટે ?
સવારનો સમય હતો. દાદાજી આંખો બંધ કરીને કંઈક બોલી રહ્યા હતા. પૌત્ર મંયક ત્યાં બેઠો હતો. થોડીવાર પછી દાદાજીએ આંખો ખોલી. એટલે મયંકે પૂછયું, દાદાજી શું કરતા હતા ?
દાદાજી કહે, પ્રાર્થના. તને ખબર છે દીકરા! એક વખત ગાંધીજીને કોઈકે પૂછેલું કે ’’તમે તમારા જીવનનાં મહાન કાયોઁને પાર પાડવાની શક્તિ કયાંથી મેળવેલી ?’’ તેમણે ઉત્તર આપેલો, કે મને મારા જીવનના દરેક કાર્યની પ્રેરણા પ્રાર્થનામાંથી મળી છે.
મયંક કહે, શાળામાં એટલે જ પ્રાર્થના કરાતી હશે ?
દાદાજી કહેવા લાગ્યા, હા, પ્રાર્થના એ હૃદયનો ખોરાક છે. જેમ પૌષ્ટિક ખોરાક લેવાથી શારીરિક સંપતિમાં વધારો થાય છે, તેમ પ્રાર્થના આત્મિક શક્તિઓના વિકાસ માટેનું પ્રેરક બળ છે. મનુષ્યે જે સફળતાની સ્વપ્નમાં પણ કલ્પના ન કરી હોય એવી સફળતા પ્રાર્થનાથી તેને હાંસલ થાય છે.
મયંક કહે, વધારે પડતા લોકો સવારમાં જ પ્રાર્થના કરતા હોય છે. આવું કેમ ?
દાદાજી કહે, આપણે સવારના પહોરમાં પ્રાર્થના કરીએ કે, ’’મને કામ કરવાની સ્ફૂર્તિ મળજો.’’ એટલે જરૂર અંતરમાંથી એ સ્ફૂર્તિ મળશે. પણ હા, એટલું ધ્યાનમાં રાખવું, કે પ્રાર્થના માત્ર “ઈશ્વરની પ્રશંસા કરીને એમની પાસેથી માગવું’’ એ જ નથી, પણ પ્રાર્થના છે પોતાની જાતને પ્રભુને સમર્પિત કરવી એ છે. પ્રાર્થના એ આચાર-વિચાર, લાગણી અને જીવનનો એક પાવક પંથ. પ્રાર્થના એટલે ઈશ્વરનું સૌથી મોટું રહસ્યમય બળ. જીવને શિવ સાથે જોડનારી દિવ્ય સીડી, પ્રાણનો પરિમલ પાથરનાર આત્મધૂપ.
મયંક કહે, દાદાજી ! વળી કવિતા કયાં બોલવા લાગી ગયા ?
દાદાજી કહે, પ્રાર્થના એક એવી શક્તિ છે, કે જે એનો સ્વીકાર એનું સ્વાગત કરે, એને ઈશ્વર આશિષ અને મદદ આપવા સદા-સર્વદા તૈયાર રહે છે, એટલા માટે જ એના આશીર્વાદને ઝીલવા માટે આપણે સદા તૈયાર રહીએ. તો જીવનના-આરંભ-અંત-બન્ને છેડા પૂર્ણ બને. પ્રાર્થના કરતી વખતે એ ધ્યાનમાં રાખજો કે પ્રાર્થનામાં ઈશ્વર તમારી વકતૃત્વશક્તિ, એની લંબાઈ કે શબ્દ સંખ્યા અથવા તર્ક પ્રણાલી પર ધ્યાન નથી આપતો, પરંતુ તમારા હૃદયની નિર્મળતા પર જ ધ્યાન આપે છે. એક પશ્ચિમી વિદ્વાનનું આ કથન એ જ સૂચવે છે ને ! કે ’’હૃદય વગરના શબ્દો કરતાં શબ્દો વગરની પણ હૃદયની ભાવના વધારે મહત્વપૂર્ણ છે.’’
(ક્રમશ:)
