દાદાજીની વાર્તા - 11
દાદાજીની વાર્તા - 11
મયંક કહે, હા, અને આ બાબતમાં વધુ વહેલી તકે નહીં વિચારાય તો આપણો સામૂહિક સર્વનાશ દૂર નથી એ બરાબરને ?
દાદાજી કહે, બુદ્ઘિયુકત યંત્રપ્રધાન વૈજ્ઞાનિક યુગે આપણને એટલા બધા બહિર્મુખ બનાવી દીધા છે કે આપણી આંતરિક દુનિયા વિશે જાણે વિચારવાની આપણને ફુરસદ જ નથી મળતી. ચીન- ભારત-પાક યુદ્ઘની કડીબદ્ઘ વિગતોની સૌને જાણ છે. વિયેતનામ પર ઝીંકાતા બોમ્બમારાથી આપણે ચિંતિત છીએ, પણ આપણા જ હૃદયમાં ખેલાતા સદ્વૃત્તિઓ અને દુવૃત્તિઓના તુમુલ સંઘર્ષની આપણે કયારેય ચિંતા કરી છે ખરી ? આંતરિક સત-અસતની લડાઈ એ શ્રદ્ઘાનો વિષય છે. બુદ્ઘિના પ્રતાપે માનવજાતિ અસાધારણ ગતિએ એક બીજાની પાસે આવતી જાય છે. જેટલી ઝડપથી શરીર-મગજ નજીક આવ્યાં એટલી ઝડપથી મન, હૃદય પાસે આવતાં નથી. બુદ્ઘિના બળે આપણે આપણી ભૌગોલિક પરિસીમાને વિસ્તારી છે, પણ હાર્દિક પરિસીમાને વિસ્તારી નથી. પૃથ્વીથી ચંદ્ર સુધીનો માર્ગ કંડારાઈ ચૂકયો છે, પણ એક હૈયાથી બીજા હૈયા સુધી કયારે પહોંચાશે ? આ કામ શ્રદ્ઘાનું છે. શ્રદ્ઘા જ માનવ હૃદયમાં રહેલા પારસ્પરિક પૂર્વગ્રહો, અવિશ્વાસને દૂર કરીને એકબીજાની નજીક લાવે છે. બુદ્ઘિનું બાળક વિજ્ઞાન અને શ્રદ્ઘાનો દીપક ધર્મ : બન્નેનો સમુચિત સમન્વય જ્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી આ જગતપ્રશ્નોની પરંપરામાં જ રહેવાનું, કારણ કે ધર્મ વિનાનું વિજ્ઞાન બહેરું છે, નિરંકુશ ઘોડા જેવું છે. તેવી જ રીતે વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે.
મયંક કહે, હા, દાદાજી ! રામકૃષ્ણ પરમહંસે દેશના સનાતનીઓને એક જગ્યાએ કહ્યું છે કે, ’’ આપણો ધર્મ રસોડામાં અને પાણિયારામાં જ સમાઈ ગયો છે. આપણે માત્ર ’અડશો નહીં’ એવું કહેનારા જ બની ગયા છીએ.
દાદાજીએ મયંકની વાતમાં સૂર પૂર્યો અને બોલ્યા, આવું જો એકાદ સૈકા સુધી ચાલશે તો આપણામાંના ઘણાને ગાંડાની હોસ્પિટલમાં પુરાવું પડશે.’’ આપણા શ્રદ્ઘાયુકત સનાતન ધર્મમાં બુદ્ઘિયુકત વિજ્ઞાનની ગેરહાજરીનો આનાથી મોટો બીજો પુરાવો કયો હોઈ શકે ? માનવીની વૈજ્ઞાનિક પ્રગતિ એટલે માનવીની સંહારક શક્તિમાં અસાધારણ વૃદ્ઘિ જ કે બીજું કાંઈ ? ’જગતનો એક માનવી અન્ન, વસ્ત્ર અને આશરાવિહીન હોય ત્યારે માનવ જાત ચંદ્રવિજયનું ગૌરવ કેવી રીતે માણી શકે ? પાણી વગરની નદી કેવી લાગે ? એવી જ રીતે ધાર્મિક શ્રદ્ઘા અને બૌદ્ઘિક વિજ્ઞાનનો સમન્વય કરીને વૈજ્ઞાનિક ધર્મ અને ધાર્મિક વિજ્ઞાન બનાવવાની તાતી જરૂર છે.
(ક્રમશ)
