દાદાજીની વાર્તા - 10
દાદાજીની વાર્તા - 10
બુદ્ઘિ અને શ્રદ્ઘા
એક દિવસ દાદાજી અને પૌત્ર મયંક બગીચામાં ગયા. મયંક તો ત્યાં જઈને હીંચકા ખાવા લાગ્યો. દાદાજી એક બાંકડો પકડીને બેસી ગયા. મયંક હીંચકા ખાતો હતો ત્યારે ત્યાં એક છાપું દેખાયું. તેમાં બૌદ્ઘિક વિજ્ઞાન જેવો શબ્દ વંચાયો. મયંક તો તાલાવેલીવાળો હતો જ. એટલે હીંચકો બંધ કરીને તેના વિશે દાદાજીને પૂછવા લાગ્યો.
મયંકના પ્રશ્નનો જવાબ આપવા માટે દાદાજી બોલવા લાગ્યા, બૌદ્ઘિક વિજ્ઞાન એટલે, કુદરતનાં રહસ્યોને પામવાં અને પછી આપણા જીવનને તે મુજબ ગોઠવવું. આપણા જીવનને સગવડ ભર્યું કરવા માટે કુદરત આપણને કઈ રીતે ઉપયોગી છે ? કુદરતનો વધુમાં વધુ ફાયદો કઈ રીતે લઈ શકાય ? કાયદા-કુદરતના કાયદાથી અજ્ઞાનતા અનેક અનર્થો સર્જે છે.
મયંક કહે, પણ મને આમાં કંઈ સમજાયું નહિ.
દાદાજી કહે, બીમારી, ઓછું ઉત્પાદન, અગવડભર્યું જીવન એ બધું બૌદ્ઘિક વિજ્ઞાનનું જ્ઞાન નથી, અગર તો ઓછું છે એને કારણે છે. અને ધાર્મિક શ્રદ્ઘા ? એ તો આત્માનો, હ્રદયનો, મનનો ભાવનાનો વિષય છે. શ્રદ્ઘા એ અદૃશ્યમાંથી ઊભી થયેલી માનવ માન્યતા, કે જે માનવની આત્મિક, હાર્દિક, અને માનસિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર-ષડરિપુ-વગેરે જેવા દુર્ગુણોના અંધારા ધાર્મિક શ્રદ્ઘા વડે દૂર કરી શકાય. શ્રદ્ઘા મોટી ચીજ છે. એને આંધળી કહીને એની ઉપેક્ષા ન કરાય. ક્ષણવારમાં સમગ્ર જગતને અજવાળવાનું સામર્થ્ય રાખતું બૌદ્ઘિક-ભૌતિક વિજ્ઞાન આત્મામાં અજવાળું તો શું, પણ કોડિયું પેટાવી શકતું નથી.
મયંક કહે, વિજ્ઞાનની વાત તો હું જાણું છું. ધોમધખતા રણમાં દમાસ્કસથી બગદાદના રણ રસ્તે આજનું વિજ્ઞાન બસ દોડાવી શકે છે. કલાકના પચ્ચીસ હજાર માઈલની ઝડપે વાતવિહીન અને ગુરુત્વાકર્ષણ વિહીન અવસ્થામાંથી પણ પસાર થઈને ચંદ્રને આંબી શકે છે. એક પળમાં દુનિયાને કોઈ પણ છેડે વાતને-સંદેશાને પહોંચાડી શકે છે, આંખના પલકારામાં સર્વનાશ નોતરી શકે છે.
હવે દાદાજીએ આગળ ચલાવ્યું, પણ નાનકડી આત્મિક સિદ્ઘિ પણ વિજ્ઞાન દ્વારા હાંસલ કરી શકાતી નથી. જ્યારે શ્રદ્ઘા અને ભક્તિનો મહિમા ઘણો ઊંચો છે. જેના વડે ’’અષ્ટસિદ્ઘિ’’જેવી મહાન સિદ્ઘિઓ પ્રાપ્ત થઈ શકે છે. જગતનો ભૌતિક વિકાસ જેમ જરૂરી છે, એમ આત્મિક વિકાસ પણ એટલો જ જરૂરી છે. મગજ વિકસે એમ હ્રદય પણ વિકસવું જોઈએ. શ્રદ્ઘામય-વિવેકશૂન્ય માનવીના હાથમાં બૌદ્ઘિક વિજ્ઞાન દ્વારા સંશોધિત ભયાનક શસ્ત્રો હાથમાં આવે તો પરિણામ શું આવે ? જગતે બે વિશ્વયુદ્ઘો જોયાં છે. એટલે જ માત્ર બૌદ્ઘિક પ્રગતિને રોકીને પણ આત્મિક કંગાલિયત દૂર કરવાનો સમય હવે આવી ગયો છે.
(ક્રમશ)
