STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy

4  

Kalpesh Patel

Drama Tragedy

ચમન

ચમન

8 mins
3.1K

થોડીવાર તો કંઈ જ ન સમજાતું હોય એમ એ યુવક દરવાજા તરફ તાકી રહ્યો હતો. પવનના ઝોંકે ઉઘાડવાસ થઈ રહેલા ઝરૂખાના દરવાજા જોઈ રહ્યો હતો. દરવાજાની ખંજરી જેવો રણકાર કરતી સાંકળ અને તેનો અવાજ હવે તે યુવકને કનડતો હતો. હજુ મેડીની સીડીપાસેની બારશાખના ગોખ નીચે ખડીથી ધોળેલી જગ્યા ઉપર કંકુના થાપા હતા, તેની ઉપર લાલ ચટક અક્ષરોએ લખ્યું હતું, લાભ-શુભ. યુવકની નજર ઊતરતી નીચે ભોંય પર પડી. હજુ થોડીક વાર પહેલા જોયેલા દિવાળીએ કરેલો ઑઇલ-પેઇન્ટનો સાથિયા ઉપર પડ્યો પણ ઘડીક પહેલાની તેમાં જોયેલી ચમક હવે તેને દેખાતી ન હતી.

એક છાનું ડુસકું તેના ગળામાંથી ઊઠ્યું. ઠાસરા ગામની શેરીમાં નજર નાખી ચારે કોરનો અમાસની રાતનો અંધકાર એને ગળી જવા ધસતો હોય તેમ લાગ્યું. હવે ક્યાં જાઉં… ઉપર ઝરૂખાના દરવાજાની પાછળ એની સોનેરી યાદો ભો-માં ગરકાવ થઈ રહી હતી. કોડીઓ રમી રહેલો સામો ખેલાડી હાથ ખંખેરી કોડીઓ ’ને ખિસ્સામાં મૂકી ઊભો થઈ જાય એમ ચંદાની ગ્રહસ્થિ મેડીએ આવેલા ઝરૂખા પાછળ એકાએક એકદમ મૂંગી બની ગઈ હતી.

અરે ઑ ભગવાન… એણે ચીસ પાડી. એણે હાથ ખડી કરેલી બાળશાખ ઉપર પટક્યો … ને હાથમાં પહેરેલ ચાંદીનું ભારેખમ કડું તેના કાંડામાં ઘૂસી ગયું, લોહીના ટસિયા ફૂટી નીકળ્યા પણ કોઈ ચીસ કે ઊંહકારો તેના મોમાથી ન હતો, એનો લોહી નીતરતો હાથ હજુ પણ જાણે બારશાખની દીવાલની આરપાર થઈ કોઈકને બોલાવતો હતો, કશુક ફંફોસતો હતો. તેના બંને હાથમાં હવે યુવકે ખાલી ચડી ગયેલી ભાળી અને આખરે તેણે કાળા ડિબાંગ નભમાં જોઈ મોટો મસ નિસાસો નાખ્યો.

 વાત એમ હતી કે, ચણવાઈ ગામની ચંદાએ, ઠાસરા ગામના ચમનની સાથે ફેરા ફર્યા ત્યારે તેનો ઉમંગ સાતમે આસમાને હતો, કેમ ના હોય ?, સાસુ, નણંદ અને પાછું સાસરીમાં ના મળે કોઈ દિયર કે જેઠ કે કોઈ ડખા વગરનું મેડા બંધી ઘર. ઘરમાં ફાંકડો ચમન, ચંદા અને ખાલી ચમનનો બાપ દેવસી, તે ઘણું ખરું વાડીએ રહેતો અને ક્યારેક વાર તહેવારે ઘરે આવતો. ચંદા પહેરે ઓઢે શોખીન,દરરોજ આંખે કાજળ આંજી, સજી ધજી સાંજ પડે ચમનની રાહ જોતી તૈયાર થઈને રહેતી. લગ્ન જીવનના પહેલા મહિના પછી ચમનનો અસલી મિજાજ તેના ચહેરા પરનો નકલી ભોળપનો નકાબ ઊતરતા, ચંદાને કઈક છેતરામણ થયું હોય તેવું કળાવા લાગ્યું. ચમને હવે વારે વારે ચંદાને ટપારીને પૂછવું ચાલુ કરેલ. એય ‘રોજ સજીધજીને, ઝરૂખે ચડીને કોની રાહ જુવે છે ? પહેલાં તો આ વાક્યને એણે મશ્કરી માની હંમેશા કહેતી ઓય ‘ચમન તું મારા મનનો બગીચો અને તુંજ મારો ‘ગુલાબ-મોગરો’ કહી ચમનની વાતને હસી નાખતી. પણ આમ ને આમ દિવસોને પછી મહિનાઓ વીતતાં ચંદા ચમનના વાક-બાણની વાત, ચૂંટલી – ચીમટાની સફર કાપી હવે ધોલ - ધપાટને ઓવારે આવી ઊભી હતી ત્યારે, આખરે ચંદાને ખબર પડી કે ચમન વહેમી હતો.

આજે ચમન વાડીએથી મોડો આવેલો પછી બંને જમ્યા. ચમને મહુડાના નશા અને વહેમના પરદા વચ્ચે બંનેએ થોડી વાતચીત કરી. ચમને, ચંદાની ચોલીની કસો ઢીલી કરી, ચંદાના લીસા-માસલ ખભે હાથ ફેરવતા હમેશની જેમ,ખાબે પડેલા આંઠ ખાડા વાળા ગોળ ચક્કરે ક્ષણિક અટકી કેટલાય વખતથી, ચંદાના મખમલી ખભે કોઈના કસદાર ભરેલા બચકાંના નિશાન ઉપર ચમનના બરછટ હાથ ફરતા વેત, તેના મગજમાં કીડા દોડતા, પણ દેહના આવેગ સામે આંખ આડા કાન કરતો, ઠીક આજે પણ એ સ્થિતિમાં,તેના દેહના આવેગને હજુ પોસવા જાય, બરાબર એ ટાંકણે, નીચે ઘરના બારણે સાંકળ ખખડી ચમને કટાણું મો કરી ચંદા તરફ જોયું. ને તેણે ચંદાને વેગળી કરી, અને ચંદાએ તેની ચોળીની કસો સરખી કરતાં નીચે જઇ ડેલીનું બારણું ખોલ્યુ.

ચમને જરૂખેથી ચોકમાં જોયું કોઈ ફિલિમના કલાકાર જેવો એક યુવાન ઊભો હતો. દરવાજો ખૂલતાં હવાના ઝોંકે તેણે છાંટેલા અત્તરના મનમોહક ખુશબુના પમરાટે ચમનના ચોકની નાળીની બદબૂ હટી ચૂકી હતી અને જરાક વારમાં છેક ઝરૂખા સુધીની હવા મહેકતી થઈ ગયેલી હતી. ચંદા હજુ હાંફતી છાતીએ બંધ કરેલા દરવાજે હતી, ત્યાં આવનાર, યુવક હાય મારી ચંદુ કરતો ચંદાને ભેટી પડ્યો,એણે ઠપકો આપતા સ્વરમાં પૂછ્યું, ‘ચંદા,શું તું અહીં રહે છે?’.ચંદાએ તેની નીચી ઢળેલી આંખે ઉપર ઝરૂખે ઉભેલા ચમન તરફ માર્મિક ઈશારો કર્યો,તે આવનાર યુવક માટે પૂરતો હોય તેમ,યુવકે હવે ચંદાને તેની આગોશથી અળગી કરી, તે ઝપાટાં ભેર એક સાથે ત્રણ ત્રણ પગથિયાં ચડી ઉપર પહોચ્યો ત્યાં સુધીમાં ચમન પણ તેની ખાટલી ઉપર અધડુંકો બેઠો-સૂતો હતો તે તરફ યુવકે જઇ,ચમનને ખભેથી પકડી ઊભો કરતાં બોલ્યો, ‘ઑ મારી ચંદાના ચંદ્રેશ’, હું ચમન, તમારા સસરાઈ ગામ ચણવાઈના મુખીનો દીકરો ‘ચમન’, ‘જીજાજી તમારું નામ’ ?

“ચમન”..., અરે હું તમારું નામ પૂછી રહ્યો છું ! અરે મારૂ નામ પણ ‘ચમન’ છે. ત્યાં સુધીમાં ઉપર આવી પહોચેલી ચંદાએ સ્વસ્થતા ધારણ કરી ચૂકી હતી. તે બંનેની વાતને ટૂંકાવતાં બોલી ચીનીયાં, “આ તારા જીજાનું નામ પણ ચમન છે”, આવડી રાતે, અને કઈ કહ્યા કીધા વગર, બધુ કુશળતો છે ને ?.

ચંદા, બોલ તારી કને આવવા માટે મારે કોને કહેવા પૂછવાનું હોય ?, આ તો બે વરસે હું મુંબઈથી આવ્યો અને દેવસીબાપાથી જાણ્યું કે તારા હાથ પીળા થઈ ગયેલા છે, અને તને ઠાસરા વળાવી છે ને બસ હું તને મળવા મારતી સાઈકલે આવી પૂગયો. જો તો ખરી, આ નખ રંગવાની શીશી, અને નેણની પેન અને આ મુંબઈની ફિલિમની નટીઓ “ચોલી નીચે પહેરે છે તે".. કહેતા એક નાનું ખોખુ ચંદાને થમાવ્યું.

ચમને આવનાર યુવકનું પાંગરેલું પ્રફુલ પૌરુષ જોઈ વહેમના કીડા ભરેલી આંખો અને કરમાતાં અંત:કરણ સાથે યુવક સાથે એકાંત પામવા હેતુ, ચંદાને આવનાર યુવક માટે કઈક ખાવાનું તૈયાર કરવા મોકલી. હવે તેઓ બંને ખાટલીએ બેઠા હતા. બે ઓશીકાને પોતાના ખોળામાં રાખી એના ઉપર હાથ રાખીને ચંદાનો ભરથાર બેઠો હતો અને સામે યુવક. ચમનને કંઈક પૂછવું હતું, છતાં એ પૂછી શકતો નહતો. અંતર ઊઘડ – ઊઘડ થતું હતું અને ચંદાનો ભરથાર તેને ઊઘાડવા અચકતો હતો.આખરે યુવક હવે ચમન પાસે વધારે ખસક્યો અને તેની એક આંગળીએથી પરસેવાની ઝરી ભરેલા કપાળેથી લટને સરખી કરતાં પૂછ્યું: ‘મારી ચંદાના ચંદ્રેશ’, ‘દિલ ન ખોલે તો તને આ રાતના સોગન. ચમને થોડી વાર મૌન રહીને અતિશય ધીરેથી કહ્યું: ‘આ તારાં ગામની ‘ચંદા,આમ તો સારી તેમજ ઘર રખ્ખું છે, સ્નેહાળ છે, હુશિયાર છે, ઉપરથી રૂપાળી પણ…’ કહીને ચમન અટકી ગયો. યુવકે વાત આગળ ચલાવતા કહ્યું: ‘પણ પછી શું ?’ અને ચમને કહ્યું: ‘પણ એ મારા પડખે આવે ત્યારે મને લાગે છે કે તેનું બદન કોઈકથી અભડયેલું હોય એવો આભાસ મને થયા જ કરે છે.

અરે મારી ચંદાના ચંદ્રેશ, નસીબવાળા હોય તેને આવી ગુલાબ જેવી નમણી નાર મળે, ક્યાં તું, અને ક્યાં આ ચંદા, ‘આ તો કાગડો આખો ગુલાબનો બગીચો તાણી લઈ... હજુ વાત પૂરી કરે ત્યાં.. જોયું તો ‘ચમન’ મહુડાના નશામાં જુકી ચૂક્યો હતો. અત્યંત પાસે બેઠેલા યુવકે જાણ્યું કે ચંદાનો ભરથાર મહુડાનાં દારૂથી ગંધાતો હતો. એક ધોલ ફટકારવાનું મન થઈ આવ્યું પણ બીજી પળે તેને ચંદા યાદ આવતા એને દયા આવી મન કાબૂમાં રાખી એને ખેંચીને સુવાડ્યો.

એટલામાં ચંદાએ હાંક પાડી, અને યુવક નીચે ગયો,ફાનસના ઉજાસ કરતાં ચંદાનો ચહેરો ઝ્ગારા મારતો હતો, ચંદા ચૂલા ઉપર તેના ગામથી આવેલા તેના વીરા માટે ખાવાનું બનાવતી હતી.

ચંદાએ આંબાના લીલા રંગના પાન જેવા,હથેળી જેવા જાડા,ગરમા ગરમ બાજરાના બે રોટલા ઘડયા,ટોયલી ભરી દેશી વલોણાનું ધી, દૂધના લોટા માથે ગોળનું એક મોટું દડબું, લીલી ડુંગળીનું શાક,અને લાલ ચટ્ટક લસણની ચટણી પૂરે ભાવે પરોણા ગણી હાંક પાડી બોલાવેલા તેના મો બોલા ભાઈને પૂરા ભાવથી પીરસ્યાં અને બોલી “વીરા હાલ, ખાઈ લે રાત મોડી વીતી ચૂકી છે. યુવકે એક અમીભરી નજર ચંદા તરફ કરી અને કોગળા કરી તથા હાથ પગ ધોઈ રસોડા પાસેની ઓસરીમાં જમવા બેઠો.

જમ્યા પછી ચંદાએ યુવક માટે ચોકમાં ઢોલિયો પાથરી આપ્યો અને હેતથી તેના પાલવડે વીંઝણો ઢાળતી રહેતા કહ્યું ‘વીરા, તું હવે નિરાંતે સૂઈ જા, સવારે વાત કરશું. થોડી વારે એને ઊંઘતો ધારીને ચંદા તેના ભરથાર ચમન પાસે ગઈ. ગામના ચોગાનમાં આવેલા મંદિરના પૂજારીએ પાંચ ડંકા ઘંટના વગાડ્યા ત્યારે, યુવકને ખબર પડી કે હવે સવાર પડ્યું છે. તેણે ચૂંચી આંખે જોયું તો ભરભાંખળું થયું હતું. અંધારું ઓસરતું હતું. અજવાળું આવતું હતું. ઉષા:કાળ હતો. ઉગમણી દિશાએથી આવતા પવને ફૂલોની સુગંધથી વાતાવરણ હર્યું-ભર્યું કરી દીધું હતું. પ્રભાતના પવનની લહેરોમાં યુવક આંખો મીંચીને તંદ્રામાં, તેના અતીત અને અંતરની યાદ સાથે મસ્ત હતો. તે હવે લગભગ દસેક વરસ પહેલાની તેના ગામની જન્માષ્ટમીની યાદે ચડી ચૂક્યો હતો.

.......ભિખા ભવઇની મંડળીએ કૃષ્ણ જ્ન્મનો ઉત્સવ આબેહૂબ ભજવેલ, અને ગોરધન માસ્તરે લલકારેલ આખ્યાનથી ચણવાઈ ગામનો આખોય પટેલ વાસ ભક્તિરંગથી રંગાઈ ચૂક્યો હતો. અને પોતે અને ચંદા, હવે પંચાજીરીના મુઠ્ઠા સાથે ભિખા ભવાઇની મંડળીએ બાંધેલા પરદા પાછળ હતા. પંચાજીરીનો ફાકડો મોમાં મારી,પોતે માથે હજુ કરંડિયામાં પડેલા કપડાથી બનાવેલ કાનુડા સમેત ટોપલો ઉપાડી ઊભો થાય ત્યાં પાછળ શેષ નાગનો તાજ લાકડીના ટેકે લટકાવેલ ઊભી રહેલી ચંદા એકાએક નાના કેરોસીનના દુગદુગીયાના ( સિગારેટ ના જૂના ડબ્બા ઉપર કાણું પાડી દિવેટ ખોશી બનવેલ કેરોસીન નો દીવો) ઉજાસથી ઉમટી રહેલ પડછાયાથી દૂર થઈ. ચણવાઈ ગામના દીકરા ‘ચમને, જોયું તો ચંદા નીચે ફસડાઈ ચૂકી હતી અને દર્દથી કણસતી હતી., એણે કરંડિયો કોરાણે મૂકી, ચંદાને ઊભી કરવા તેનો ચોટલો પકડ્યો, એને લાગ્યું..અરે ઇનો ચોટલો એકાએક મોટો કેમ થઈ ગયો.... જોયું તો તેના હાથમાં ચોટલો નહીં, પણ ચાર હાથ લાંબો કાળો ડીબાંગ ભોરિંગ હતો, એકજ પળમાં જોખમનો ખ્યાલ આવતા તેને તે ભોરિંગનો પાછળ ઝાડીમાં રાડ પાડી છૂટ્ટો ઘા કર્યો. પરદા પાછળ થઈ રહેલા આ શોરબકોરમાં ભિખો અને તેની મંડળીના કલાકારો પેટ્રોમેક્ષ લઈ તરત આવી ચૂક્યા હતા, અને પેટ્રોમેક્ષના ઉજાસમાં તેઓએ જોયું તો ચંદા ઊંહકારા લેતી જમીન ઉપર તરફડતી હતી. ભિખાએ રાડ પાડી કોઈ વૈદને બોલાવ કહ્યું. આ છોડીને કારોતરો ડસ્યો લાગ્યો છે, જુવો તો ખરા, આ માસૂમના ખભેથી લોહી વહે છે. ચંદાની આંખ ઘેરાતી હતી.. અને યુવક પોતે ઉદાસ હતો.. કાશ તેને ચંદાને બોલાવી ના હોત તો.. પણ હવે શું ? એકાએક ગોરધન માસ્તરના આખ્યાનમાં સાંભળેલું યાદ આવ્યું, કે એક વેળાએ વનમાં વિહાર કરી રહેલા કાનુડાએ ઝેર ચૂસી તેના મિત્રની જિંદગી બચાવેલી. તે ફટ કરતાં ઊભો થયો અને ચંદાના ખભે વળગી, સાપ કરડેલો એ જગ્યાએ એક ઊંડું બચકું ભરી દીધેલું. પણ ત્યાં સુધીમાં ગામનો વૈદ આપી ગયો હતો તેને ચંદાની નાડી જોઈ અને બોલ્યો, ચાલો બધા છૂટા થાવ હવા આવવા દો, છોડીને કશું નથી થયું, સાપ ઝેરી નથી લાગતો, આ છોરી બી ગઈ છે.

.......ત્યાં અચાનક ઉપરની મેડીએ ઉમટેલી બુમરાણથી યુવકની વિચાર યાત્રામાં ભંગ પડ્યો અને તે, ચોંકી ઊઠ્યો. એ ચંદાનો પોકાર હતો. જઈને જોઉં છું તો ઓરડીની ખાટલી ઉપર ચમન પડ્યો છે. ચંદા કકળી રહી હતી. યુવકે પૂછ્યું ત્યારે ખબર પડી કે ચમનને સાપ ડસ્યો છે. યુવકે તરત જ તેની સાઇકલ પાડોશીને આપીને ડૉક્ટરને બોલાવવા મોકલ્યો. આજુબાજુના પાડોશીઓ આવી પહોંચ્યાં. પણ ચંદા ચૂપ રહે ખરી ! એ તો સત્વરે નીચી વળી, માતાનું નામ દીધું અને ચમનના પગે જ્યાં સાપ ડસ્યો હતો ત્યાં જોરથી બચકું ભરી પગે આખો લોથડો ઉખાડી લીધો અને તેમાંથી લોહી ચૂસવા મંડી. લોહી ચૂસતી જાય ને બહાર થૂંકતી જાય. આમ લોહી ચૂસતાં ચૂસતાં આખરે તેની ગતિ અને જોમ ધીરૂ પડ્યું અને થોડીજ વારમાં ચક્કર ખાઈને તે ધરતી પર ઢળી પડી. તેના હોઠ હવે લીલા થવા માંડ્યા હતા, બરાબર દસ વરસ પહેલાની ઘટના યાદ આવી, યુવક સાથે ઊભેલી એક ડોશી બબડી, બાઈયું કોઈ સિંદુર લાવો, આ ચમનીયાની ચંદાતો હાચે-હાચ સતી થઈ.

યુવકે જોયું તો તે બાઈ સાચું કહેતી હતી ચંદાએ ઝેર ચૂસ્યું તેની અસર તેના શરીર ઉપર થઈ રહી હતી. ત્યાં બીજી બાજુ હવે ચમનની આંખો ઊઘડવા માંડી હતી. ચમને પાસે રહેલા ચંદાના નિશ્ચેતન થઈ રહેલા બદનને જોઈને મહામહેનતે એ બેઠો થયો. ઢસડાઈને પાસે જતો હતો ત્યાં યુવકે તેને ઊંચકીને ચંદા પાસે બેસાડ્યો. ચમન સ્વગત બબડ્યો “ ફટ રે ચમન તેં તો તારુજ નામ બોરયું”. આખરે ચમનની આંખો પૂરી ઊઘડી ત્યારે ચંદાની આંખયું સંપૂર્ણ બિડાતી જતી હતી ગઈ. ચમનની ઘેનઘેરી આંખોમાંથી આંસુની ધારા નીકળી ચૂકી હતી.

દિવસ ચડ્યો ત્યારે સરકારી દવાખાનેથી ડૉક્ટર આવી પહોંચ્યા. હજુ સુધી ચમનના ખોળામાં પડેલી ચંદાને ફેરવતા અનાયાસે પાછો ચમનનો હાથ ઢીલી ચોલી નીચે દેખાઈ રહેલા ચંદાના ખભે ક્ષણિક અટક્યો, ત્યારેઉ ચંદાને ઢળી રહેલી આંખે પહેલા ચણવાઈ ગામના યુવક સામે આભારવસ અંતિમ સામાની નજરે જોયું, અને ચમન સામે અનિમેષ નજરે જોતી હતી, તેને કઈ તેના ભરથરને કઈ કહેવું હતું, પણ તે બોલી ન શકી. ડોકટરે ચંદાની નાડી જોઈને તેને ફટાફટ ઇંજેક્શન આપ્યું પણ મોતની પાસે માણસ શું કરે ! થોડી જ વારમાં રહ્યા સહ્યા ચંદાના હૃદયના ધબકાર પણ બંધ થઈ ચૂક્યા. એની છાતી પર માથું મૂકીને ચમન તૂટી પડ્યો ત્યારે તેના મનનો મેલ તેની આંખમાંથી વહી રહ્યો હતો, જ્યારે મુખીના દીકરાનું નહીં પણ આખાય ચણવાઈ ગામનું ચમન વિખરાઈ ચૂક્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama