ચિઠ્ઠીનું ચક્કર.
ચિઠ્ઠીનું ચક્કર.
ચિઠ્ઠીનું ચક્કર
સોમવારની સવારેસાડા આંઠે , અમદાવાદની એકલવ્ય સ્કૂલના ધોરણ 8-બીમાં કંઈક અજુગતું લાગતું હતું.
સામાન્ય રીતે તો 8:05 વાગ્યા સુધીમાં જીતુની પેનની નીબ તૂટી જાય,પહેલા પિરિયડ પહેલા,રસીલાનું ટિફિન ખૂલી જાય, ચમન પેટ પકડીને કહે, "મોનિટર , આજે તો બહુ માથું દુખે છે... હોમવર્ક કરવાનું જ ભૂલી ગયો છું !" અને આખો ક્લાસ હાસ્યથી ગુંજી ઊઠે.
પણ આજે...
આખો ક્લાસ અસામાન્ય રીતે શાંત હતો.
કારણ?
ક્લાસના દરવાજા નીચે કોઈએ એક અજાણી ચિઠ્ઠી સરકાવી હતી.
ચિઠ્ઠી પર માત્ર એક જ વાક્ય લખેલું હતું—
"આ ક્લાસમાં એક છુપી અને ભાવિ મોટી હીરોઈન છે... એને શોધો!"
બસ!
પછી તો આખા 8-બીમાં એવી દોડધામ મચી કે જાણે કોઈ વિશ્વ સુંદરીની શોધ શરૂ થઈ હોય.
---
શંકા નંબર – ૧ : શારદા
પોનીટેલ સરખી કરી, યુનિફોર્મનો કોલર અને ટાઈ સીdhib કરરી અને શારદા ગર્વથી ઊભી થઈ.
"હીરોઈન તો હું જ!
ગઈકાલે મારા વિડિયોને બાર લાઈક અને ફોટાને ચોવીસ લાઈક મળ્યા છે."
આખો ક્લાસ તેની સામે જોઈ રહ્યો.
જીતુ ધીમેથી બોલ્યો,
"એટલા લાઈકથી હીરોઈન બની જવાત, તો આપણા પી.ટી. સરની પણ ફિલ્મ આખા વડોદરા માં ચાલતી હોત!"
આખો ક્લાસ ખડખડાટ હસી પડ્યો.
---
શંકા નંબર – ૨ : રસીલા
રસીલાએ ગળું સાફ કર્યું .
"હીરોઈન તો હું જ!
આખું વર્ષ મેં મારું વજન એક કિલો પણ વધવા દીધું નથી."
ચમન તરત બોલી ઊઠ્યો,
"એ તો મેડમના નાસ્તા ના ડબ્બા ચેક કરવાની બીક છે તેથી !"
ફરી એકવાર હાસ્યનો ફુવારો છૂટી ગયો.
---
શંકા નંબર – ૩ : નેહા
નેહાએ વાળ પર હાથ ફેરવ્યો.
"મારી હેરસ્ટાઇલ આખા ક્લાસમાં સૌથી અલગ છે.
કોઈ મારી નકલ કરી જ શકે નહીં."
જીતુ તરત બોલ્યો,
"હા... કારણ કે દર સોમવારે તારી ચોટલીની નવી જ સ્ટાઇલ હોય છે!"
નેહા પણ હસી પડી.
---
શંકા નંબર – ૪ : ક્લાસ મોનિટર રૂપા
રૂપા સીધી શિક્ષકના ટેબલ પાસે પહોંચી.
"હીરોઈન તો હું જ!
આખું વર્ષ મેં ક્લાસમાં શિસ્ત જાળવી છે."
ચમન બોલ્યો,
"હા... તું 'શાંતિ રાખો' બોલે એટલે બધાને યાદ આવી જાય કે, તું હોમવર્ક ચેક કરવા આવવાની છું જે અમે ક્યારેક કરતા નથી!"
હવે તો રૂપા પણ હાસ્ય રોકી ન શકી.
---
એટલામાં...
ક્લાસ ટીચર સવીતા મેમ અંદર આવ્યા.
બધા તરત પોતાની જગ્યાએ બેસી ગયા.
મેડમે ચશ્માં થોડાં નીચે સરકાવ્યાં, દરવાજે ચોંટેલી ચિઠ્ઠી વાંચી અને સ્મિત સાથે બોલ્યાં,
"ઓ હો...આ ચિઠ્ઠી તો મેં જ લખી હતી."
"શું...?" મેમ તમે....આખો ક્લાસ એકસાથે બોલી ઊઠ્યો.
"હા," મેડમ હસ્યાં.
તો કોણ છે છુપી હિરોઈન....
સવીતા મેમ બોલ્યા:
" મારી નજરે તો આ ક્લાસની બધી દીકરીઓ હીરોઈન છે અને બધા દીકરાઓ હીરો."
એક ક્ષણ માટે આખો ક્લાસ ગર્વથી ચમકી ઊઠ્યો.
પછી મેડમે આગળ ઉમેર્યું,
"પણ...
જે દિવસે તમે બધા હોમવર્ક કરીને,સમયસર આવો તો ,
એ દિવસે તમે બધા સુપરસ્ટાર બની જાવ!"
ત્રણ સેકન્ડ...
આખો ક્લાસ એકદમ ચૂપ.
પછી રૂપા ઊભી થઈને બોલી,
"મેડમ...
આજે તો આખા ક્લાસમાંથી કોઈએ હોમવર્ક કર્યું જ નથી!"
મેડમ હસીને બોલ્યાં,
"તો આજે...રાત્રે
આકાશમાં ઘણા તારા હશે,
પણ આપણા ક્લાસમાં એક પણ સુપરસ્ટાર નથી!"
આખો ક્લાસ ખડખડાટ હસી પડ્યો.
---
બીજે દિવસે ચિઠ્ઠીનું રહસ્ય તો ખુલ્યું, પણ એક નવો લખ્યા વગર નો નિયમ પણ બની ગયો.
ક્લાસના બ્લેકબોર્ડ પર જીતુએ મોટા અક્ષરે લખ્યું—
"અજાણી ચિઠ્ઠી વાંચતાં પહેલાં પોતાનું હોમવર્ક ચેક કરવું!"
ત્યારથી 8-બીમાં ઘણી ચિઠ્ઠીઓ આવી...
પણ હોમવર્કમાં અધૂરાશ ઓછી થઇ ગઈ .કારણ કે હવે બધાને સમજાઈ ગયું હતું—
હીરો કે હીરોઈન બનવું સહેલું હોઈ શકે ...
પણ હોમવર્ક વગર પરીક્ષા પાસ ના થાય. દરેકને સુપરસ્ટાર બનવા માટે મહેનત કરવી જ પડે!
અને આખરે ...સવીતા મેમે ચલાવેલ
"ચિઠ્ઠીનું ચક્કર" કામ કરી ગયું !"
અને
" એકલવ્ય સ્કૂલના 8B ક્લાસમાં હાસ્ય પણ ટોપ માર્ક્સ લાવે અને શરારત પણ હાજરી પૂરી કરવા લાગી .”
