STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy Classics

4  

Kalpesh Patel

Drama Tragedy Classics

બે ઘોડાની સવારી.

બે ઘોડાની સવારી.

4 mins
0

બે ઘોડાની સવારી

રાજકોટના અંબાવાડીના એક જૂની , પણ હવેલીમાં માવાણી પરિવાર વર્ષોથી રહેતો હતો. બહારથી જોનારને આ ઘર કોઈ પણ આદર્શ સંયુક્ત પરિવાર જેવું જ લાગતું. સવારની ચા સાથે હાસ્ય, સાંજે દિવસભરની વાતો, રવિવારે સૌ સાથે બેસીને જમવાનું અને દરેક તહેવારની ઉજવણી—આ બધું જોઈને પાડોશીઓ વારંવાર કહેતા,

“માવાણી પરિવાર જેવો સુખી પરિવાર આજકાલ ક્યાં જોવા મળે!”

પણ દરેક ઘરની જેમ આ ઘરમાં પણ બે સત્ય વસતા હતા.

એક સત્ય એવું, જે દુનિયાને દેખાતું હતું.

અને બીજું એવું, જે ઘરના દરેક સભ્યના મનમાં ચૂપચાપ જીવતું હતું.

બાપુજીને લાગતું હતું કે સમય બદલાઈ રહ્યો છે અને સંતાનો હવે ધીમે ધીમે પરિવારથી દૂર થઈ રહ્યા છે. તેઓ હસતા ઘણાં, પણ અંદરથી એક અજાણ્યો ભય સતત તેમની સાથે રહેતો.

માતાજીના મનમાં બીજી જ પીડા હતી. લગ્ન સમયે પિયરેથી મળેલા મોટા કરિયાવરમાં  તેમના બાપુએ આપેલીઆ હવેલી હજુ પણ તેમની અંદર જીવતી હતી. તેમને લાગતું કે આખું જીવન તેમને સને તેમના પીયારીયા એ આ ઘર માટે આપ્યું, પરંતુ તેમના ત્યાગનું મૂલ્ય કોઈને સમજાતું નથી.

મોટો દીકરો નેહલ જવાબદાર અને સમજુ હતો. ઘરના દરેક નિર્ણયમાં તે બાપુજીની સાથે ઊભો રહેતો. છતાં તેના મનમાં એક ખૂણો એવો હતો જ્યાં તેને લાગતું કે તેની પોતાની ઈચ્છાઓ અને સપનાઓ પરિવારની જવાબદારીઓમાં ક્યાંક ખોવાઈ ગયા છે.

નાનો દીકરો હર્ષ સ્વભાવથી શાંત હતો. ઓછું બોલતો, વધુ વિચારતો. તેને વારંવાર લાગતું કે ઘરમાં સૌ તેની શાંતિને, સૌ મૂક સંમતિ સમજે છે, જ્યારે હકીકતમાં તેની અંદર અસંખ્ય પ્રશ્નો ઉકળતા રહેતા.

આ ચારેય સત્ય ક્યારેય એકબીજાની સામે આવ્યા નહોતા.

ઘરમાં હાસ્ય ચાલતું હતું.

વાતો ચાલતી હતી.ધંધો રોજગાર સાથે. અને સવાર સાંજ ભોજન પણ સાથે જ થતું હતું.

પણ દરેક વ્યક્તિ પોતાના મનના એક અલગ સત્ય સાથે એકલો જીવતો હતો.

આજે ગુરુ પૂર્ણિમા હતી,
મોસાળથી સ્વામીજી પધાર્યા.ભોજન દરમિયાન તેમણે સહજ રીતે કહ્યું,

“ઘરમાં રોજ થોડો સમય ગૃહસભા માટે રાખતાં રહેજો . પરિવાર સાથે બેસીને ખુલ્લા મનથી વાત કરશો તો અડધી સમસ્યાઓ જન્મતાં પહેલાં જ સમાપ્ત થઈ જશે.”

સૂચન સરળ હતું, પણ અસર ઊંડી હતી.

બીજે જ દિવસે સાંજે સૌ પ્રથમ વખત ગૃહસભામાં એકસાથે બેઠા.

થોડી સામાન્ય વાતો પછી અચાનક હર્ષ ઊભો થયો.

તેનો અવાજ ધીમો હતો, પણ શબ્દો ઘરમાં ગાજતા હતા.

“મારે એક વાત કહેવી છે... હું હેમાંગી શાહ સાથે લગ્ન કરવા માંગું છું. અને લગ્ન પછી હું મુંબઈ જઈને તેના પરિવાર સાથે ઘરજમાઈ તરીકે રહેવા માંગું છું. મને લાગે છે કે મારું ભવિષ્ય ત્યાં છે.”

પળવારમાં આખું ઘર મૌન થઈ ગયું.

બાપુજીના ચહેરા પરથી હાસ્ય ઓસરી ગયું. તેમને લાગ્યું કે વર્ષોથી સાચવેલો સંયુક્ત પરિવાર આજે વિખેરાઈ જશે.

માતાજીના મનમાં બીજો જ વિચાર દોડ્યો. નાત બહાર લગ્ન થશે તો સમાજ શું કહેશે? પછી મોટા દીકરા નેહલ માટે યોગ્ય સંબંધ મળશે કે નહીં?

નેહલના મનમાં પણ વંટોળ ઊઠ્યો.

'નાનાએ ક્યારેય વિચાર્યું પણ નહીં કે આ નિર્ણયથી પરિવાર પર શું અસર પડશે!'

પહેલી વખત હર્ષે પોતાના મનનું સત્ય ખુલ્લેઆમ કહી દીધું હતું.

તે રાતે ઘરમાં કોઈ ઝઘડો થયો નહીં.

કોઈએ ઊંચા અવાજે બોલ્યું પણ નહીં.

પણ દરેક પોતાના રૂમમાં જઈ પોતાના મનના સત્ય સામે પહેલીવાર ઊભો રહ્યો.

---

બીજે દિવસે ફરી ગૃહસભા મળી.

થોડા સમયના મૌન પછી બાપુજી બોલ્યા,

“બેટા હર્ષ, પરિવાર બંધન નથી, આધાર છે. જો તને મુંબઈમાં તારું ભવિષ્ય દેખાતું હોય, તો અમારો આશીર્વાદ તારી સાથે છે. પરંતુ પટેલના દીકરાએ ઘરજમાઈ બનવું... એ વાત અમારા સંસ્કારો માટે સ્વીકારવી સરળ નથી.”

હર્ષ તરત તાડુક્યો, બાપુજી, કમસે કમ તમારે તો આ વાત કરવી ને જોઈએ...

માતાજીની આંખો ભીની થઈ ગઈ. તેમણે હર્ષને વધારે બોલતા અટકાવી પોતાના હાથમાં લઈ લીધો.

હર્ષ થોડો સમય ચૂપ રહ્યો.

પછી ધીમેથી બોલ્યો,

“મારે એક વાત વધુ કહેવાની છે. હું વડીલોએ ઊભી કરેલી મિલકતમાં મારા હક્કનો ભાગ પણ ઇચ્છું છું. પછી હું મુંબઈમાં મારું જીવન મારી રીતે જીવવા માગું છું.”

આ શબ્દોએ ઘરમાં ફરી એકવાર મૌન પાથરી દીધું.

હવે પ્રશ્ન માત્ર લગ્નનો નહોતો.

પ્રશ્ન હતો સંબંધો, જવાબદારીઓ, અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેનું સંતુલન શોધવાનો.

લાંબા મૌન પછી બાપુજીએ ઊંડો શ્વાસ લીધો.

“બેટા,” તેઓ બોલ્યા, “જીવનમાં સૌથી મુશ્કેલ સવારી ઘોડાની નથી હોતી. સૌથી મુશ્કેલ સવારી બે ઘોડાની હોય છે. એક ઘોડો પરિવારનો છે, જે સૌને સાથે રાખવા માંગે છે. બીજો ઘોડો સપનાઓનો છે, જે દરેકને પોતાની દિશામાં દોડવા પ્રેરે છે. જે માણસ આ બંનેની લગામ સમજીને પકડી શકે, એ જ સાચી રીતે જીવન જીવી શકે.”

ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ.

આ શાંતિ હાર કે સમર્પણની નહોતી.

આ શાંતિ એ તોફાન પછીનું મૌન હતું.

કોઈએ કોઈની સામે દલીલ કરી નહીં. કોઈએ આંસુ પણ દેખાડ્યાં નહીં. છતાં એ દિવસે દરેકના મનમાં કંઈક કાયમ માટે તૂટી ગયું.

થોડા મહિનાઓ પછી મિલકતના કાગળો તૈયાર થયા.

હવેલીના આંગણામાં, જ્યાં વર્ષો સુધી એક જ ચૂલાનો ધુમાડો ઊઠતો હતો, ત્યાં હવે દીવાલો ઊભી થવા લાગી.

હર્ષ મુંબઈ જતો રહ્યો.

નેહલ માતા-પિતા સાથે રહી ગયો.

હવેલી એ જ હતી, પણ ઘર હવે પહેલું રહ્યું નહોતું.

બાપુજી ઘણીવાર ઓટલે બેઠા રહેતા. સામે ખાલી પડેલો હીંચકો જોઈને તેઓ ધીમેથી બોલતા,

"સંયુક્ત પરિવાર તૂટતો એક દિવસમાં નથી... વર્ષો સુધી મૌન રહેલા સત્ય જ્યારે એકસાથે બોલવા લાગે છે, ત્યારે ઘર પોતે જ બે ભાગમાં વહેંચાઈ જાય છે."

માતાજીની આંખો હવેલીની દીવાલો પર ફરી વળતી.

પિયરમાંથી કરિયાવરમાં મળેલી હવેલી આજે પણ તેમની હતી, પણ હવે તેમાં પહેલાની જેમ પરિવારનો શ્વાસ સંભળાતો નહોતો.

લોકો કહેતા,

"માવાણી પરિવારનો ભાગ પડી ગયો."

પરંતુ સાચું કહીએ તો ભાગ માત્ર મિલકતનો પડ્યો હતો.

સંબંધો તો એ દિવસે જ તૂટી ગયા હતા, જ્યારે દરેક પોતાનું સત્ય લઈને એકલો ઊભો રહી ગયો હતો.

જીવન ખરેખર બે ઘોડાની સવારી છે.

દરેક માણસ બંને ઘોડા પર લાંબો સમય ટકી શકતો નથી.

ક્યારેક પરિવાર જીતે છે.

ક્યારેક સપનાઓ.

અને ક્યારેક...

બંને હારી જાય છે.

તૂટી ની બુટી નહીં, એક મગ અને બે ફાડ.

જોતજોતામાં એક સંયુક્ત પરિવાર ઇતિહાસ બની ગયો..



વિનંતિ ~
વાર્તા પૂરી થઈ, પરંતુ તેની છાયા હજી માવાણી પરિવાર ની હવેલીની દીવાલ પર જીવતી છે.

હવેલી હવે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે,
પરંતુ તેની દીવાલો પર લખાયેલા સત્ય હજી મૌન નથી.
કહો—કયું સત્ય તમને વધુ હચમચાવી ગયું?
તમારો પ્રતિભાવ જરૂર લખો. 
કારણ કે ક્યારેક વાચકનો અવાજ જ તૂટેલા ઘરમાં છેલ્લો દીવો બની જઇ શકે !!!.



Rate this content
Log in

Similar gujarati story from Drama