રમત.
રમત.
રમત.
મેક્સિકોના યુકાતાન પ્રદેશના એક જૂના નગરમાં, પથ્થરથી બનેલી સાંકડી ગલીઓ વચ્ચે એક નાનકડું ટૅરો કાર્ડ પાર્લર હતું. દરવાજા ઉપર લાકડાના બોર્ડ પર લખેલું હતું— **"લા જોબા મિસ્ટિકા."**
તેની માલિક હતી ચોવીસ વર્ષની યુવતી, ** જોબા ક્રૂઝ**.
શહેરના લોકો માનતા હતા કે તે માત્ર ટૅરો કાર્ડ વાંચીને લોકોના જીવન વિશે માર્ગદર્શનની રમત રમે છે. કોઈ પ્રેમ વિશે પૂછતું, કોઈ વ્યવસાય વિશે, તો કોઈ સંતાનના ભવિષ્ય વિશે. પરંતુ કોઈને ખબર નહોતી કે જોબાની સૌથી મોટી તાકાત તેના માટે સૌથી મોટો શાપ બનવાની હતી.
જ્યારે પણ તે કાર્ડ શફલ કરતી, ક્યારેક કાર્ડ માત્ર સંકેત આપતાં નહોતાં. જોબા ની આંખો સામે , સામે બેસેલાનું ભવિષ્ય જીવંત થઈ જતું હતું .
ચીસો...
લોહી...
ધુમાડો...
અને મૃત્યુ.
આ દૃશ્યો એટલા સ્પષ્ટ રહેતાં કે જાણે તે ઘટના સ્થળે હાજર હોય.
એક બપોરે એક વૃદ્ધ મહિલા પાર્લરમાં આવી.
"જોબા , મારી દીકરી ત્રણ દિવસથી ગુમ છે. તે જીવતી હશે?"
જોબાએ કાર્ડ ગોઠવ્યાં.
પહેલો કાર્ડ— **ધ મૂન.**
બીજો— **ધ ટાવર.**
ત્રીજો— **ડેથ.**
કાર્ડ ખુલતાં જ તેની આંખો સામે દૃશ્ય ઝબકી ઊઠ્યું.
જૂનો લાલ પુલ...
કાળી વાન...
અને મદદ માટે ચીસો પાડતી એક યુવતી.
જોબા એ તરત પોલીસને જાણ કરવાની સલાહ આપી.
ચાર કલાક પછી પોલીસે એ જ સ્થળેથી યુવતીને જીવતી બચાવી લીધી.
સમાચાર આખા યુકાતાનમાં ફેલાઈ ગયા.
કોઈ તેને દેવી કહેતો, કોઈ છેતરપિંડી કરનારી.
પરંતુ ડિટેક્ટિવ મારિઓ મેન્ડોઝા માટે આ એક રહસ્ય હતું.
"જોબા ,તું આ બધું પહેલાંથી કેવી રીતે જાણે છે?"
તેના સવાલનો જવાબ જોબા પાસે પણ નહોતો.
થોડા દિવસ પછી મારિઓ ફરી આવ્યો.
"જો ખરેખર તને ભવિષ્ય દેખાય છે, તો મને બતાવ... આગળ શું થવાનું છે?"
જોબા એ ફરી કાર્ડ શફલ કર્યા.
આ વખતે સામે આવ્યા—
**ધ ડેવિલ.**
**જસ્ટિસ.**
**ધ ફૂલ.**
અને તેની આંખો સામે ભયાનક દૃશ્ય ખુલ્યું.
એક જૂનું ચર્ચ.
અંધાધૂંધ ગોળીબાર.
ચીસો.
અને લોહીમાં તરબોળ જમીન.
અંતે એક કાળા માસ્કવાળો માણસ ઉભો હતો.
ધીમે ધીમે તેણે માસ્ક ઉતાર્યો.
જોબા નો શ્વાસ અટકી ગયો.
એ ચહેરો...
ખુદ મારિઓનો હતો.
જોબા ગભરાઈ ગઈ.
જો તે આ વાત કહેશે તો કદાચ કોઈ વિશ્વાસ નહીં કરે.
અને જો નહીં કહે...
તો અનેક લોકો મરી જશે.
આગામી દિવસોમાં તેણે ચર્ચ પર નજર રાખી.
દરમિયાન તેને એક નાની પરંતુ અગત્યની વાત ધ્યાનમાં આવી.
દરેક ગુનાના સ્થળે એક જ પ્રકારનું કાળું ગુલાબ પડેલું મળતું હતું.
તેણે જૂના અખબારો અને પોલીસના જાહેર રેકોર્ડ તપાસ્યા.
દસ વર્ષ પહેલાં મેક્સિકોમાં કાર્યરત એક ગુપ્ત અપરાધી સંગઠન પોતાના સભ્યોને ઓળખાવવા માટે આવું જ કાળું ગુલાબ છોડતું હતું.
અને તે કેસનો મુખ્ય તપાસ અધિકારી કોણ હતો?
મારિઓ મેન્ડોઝા.
જોબા ને હવે સમજાયું.
તેના દૃશ્યનો અર્થ એ નહોતો કે મારિઓ હત્યારો હતો.
પણ તે ખુદ આગામી નિશાન બનવાનો હતો.
સાતમા દિવસે રાત્રે ચર્ચમાં વિશેષ પ્રાર્થના યોજાઈ.
જોબા દોડતી ત્યાં પહોંચી.
તેની નજર તરત જ બાલ્કની પર ગઈ.
એક સ્નાઇપર મારિઓ પર નિશાન સાધીને બેઠો હતો.
"મારિઑ ... નીચે વળી જા!"
તેની બૂમ સાંભળતા જ મારિઓ જમીન પર ઢળી પડ્યો.
એ જ ક્ષણે ગોળી તેના માથા ઉપરથી પસાર થઈ ગઈ.
પોલીસે તરત સ્નાઇપરને ઘેરી લીધો.
તેની ધરપકડ થઈ.
પુછપરછમાં ખુલ્યું કે તે દસ વર્ષ જૂના અપરાધી સંગઠનનો છેલ્લો જીવતો સભ્ય હતો, જે મારિઓ પાસે રહેલા ગુપ્ત પુરાવા નષ્ટ કરવા માંગતો હતો.
મારિઓએ પહેલીવાર જોબાની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું,
"તું ભવિષ્ય જોવાની રમત નથી કરતી ...
તું એવી નાની-નાની નિશાનીઓ વાંચી લે છે, જેને આખી દુનિયા અવગણે છે."
જોબા માત્ર મંદ સ્મિત કરી.
તે ન તો હા બોલી, ન ના.
કારણ કે તેને પોતાને પણ ખબર નહોતી કે તે ખરેખર ભવિષ્ય જોતી હતી... કે પછી નસીબ તેની આંખો દ્વારા પોતાનો ખેલ રમતું હતું.
મારિઓ ચાલ્યો ગયો.
પાર્લરમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ.
બહાર વરસાદ શરૂ થયો.
જોબાએ ટૅરોના પત્તાં લાકડાના બોક્સમાં મૂકવા હાથ લંબાવ્યો, એટલામાં આખા પેકેટમાંથી એક પત્તો જાણે કોઈ અદૃશ્ય શક્તિએ ધીમેથી બહાર સરકાવ્યો.
ધ વર્લ્ડ.
જોબાના કપાળ પર પરસેવાના ટીપાં ઝળહળી ઊઠ્યા.
ધીમે ધીમે તેણે પત્તો ઊંધો ફેરવ્યો.
પાછળ લાલ શાહીથી માત્ર એક જ વાક્ય લખાયેલું હતું—
"દરેક રહસ્યનો અંત નથી હોતો... કેટલાક રહસ્યો તો માત્ર નવી રમતની શરૂઆત હોય છે."
જોબાએ તરત જ બારી તરફ નજર કરી.
સામેના રસ્તા પર કાળા કોટમાં ઊભેલો એક અજાણ્યો માણસ તેની તરફ જોઈને સ્મિત કરી રહ્યો હતો.
પલકારો મારતાં જ તે અચાનક ગાયબ થઈ ગયો.
જોબાએ ફરી પોતાના હાથમાં રહેલા કાર્ડ તરફ નજર કરી.
આ વખતે કાર્ડ પરનું ચિત્ર બદલાઈ ચૂક્યું હતું.
અને તેના હોઠમાંથી ધીમેથી માત્ર એક જ શબ્દ નીકળ્યો—
"રમત..."
