STORYMIRROR

Kalpesh Patel

Drama Thriller

4  

Kalpesh Patel

Drama Thriller

ધુંધ

ધુંધ

3 mins
0

ધુંધ. 

ખોટી ફરિયાદનો અંજામ

ટી-ટાઈમ નવલિકા

લંડનની સેન્ટ્રલ કોર્ટરૂમમાં આજે અજીબ શાંતિ હતી.

જજ મેકઆર્થર પોતાના ચશ્માં નીચાં સરકાવીને વિટનેસ બોક્સમાં નીચી મૂંડી ઊભેલા સ્કોટલેન્ડ યાર્ડના ચીફ સર હેનરી વોલેસને જોઈ રહ્યા હતા.

વોલેસ એવો માણસ હતો, જે કાયદાને ધર્મ અને ભૂલને પાપ માનતો હતો.

કોર્ટમાં હાજર દરેકને ખબર હતી કે આજે દેશ માટે શરમનો દિવસ હતો.

રોયલ મેઈલની 2.5 મિલિયન પાઉન્ડની લૂંટ... અને કાબેલ પોલીસની ચૂક.

જજનો અવાજ ધીમો, પણ કડક હતો.

"ચીફ વોલેસ... ફરિયાદ મળી હતી, છતાં તમે કાર્યવાહી કેમ ન કરી?"

વોલેસનો સ્વર કંપી ઊઠ્યો.

તેને ઘણું કહેવું હતું, પરંતુ શબ્દો ગળામાં અટકી ગયા.

કોર્ટરૂમની હવા ભારે થઈ ગઈ.

અને એ જ ક્ષણે વોલેસના મનમાં તે ગોઝારી રાતનું ધુમ્મસ ફરી જીવંત થઈ ઊઠ્યું...

---

તે રાત...

અગિયાર વાગ્યાના સુમારે સ્કોટલેન્ડ યાર્ડમાં એક અજાણ્યા માણસનો ફોન આવ્યો.

કંપતો અવાજ... તૂટતા શબ્દો...

"ચેતજો... આજે રાત્રે રોયલ મેઈલની ગોલ્ડ ટ્રેનને લૂંટવાની સંપૂર્ણ યોજના તૈયાર છે..."

ફોન ચીફ વોલેસે જ ઉપાડ્યો હતો.

પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી સતત મળતી ખોટી ફરિયાદો, મજાકિયા ફોન, ખોટા એલાર્મ, ખોટી ચિઠ્ઠીઓ અને ઉપરથી રાજકીય દબાણે તેના મનને કઠોર બનાવી દીધું હતું.

રોજ દોડધામ... અને પરિણામ શૂન્ય.

તાજેતરમાં સરકારનો પણ આદેશ આવ્યો હતો—

"ખોટા એલાર્મને રોકો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરો."

થાકેલા વોલેસે એ રાત્રે નિર્ણય લીધો...

"આ પણ ખોટી ફરિયાદ જ હશે."

અને એ એક નિર્ણય દેશના ઇતિહાસ પર કલંક બની ગયો.

---

કોર્ટરૂમમાં ઊભેલા વોલેસની આંખો ધુમ્મસમાં ખોવાઈ ગઈ.

તેને યાદ આવ્યું...

કેવી રીતે તેની ટીમો ગામોમાં, શહેરોમાં અને બંદરોમાં દોડી રહી હતી—ખોટી ફરિયાદ કરનારને શોધવા.

કોઈને પકડી પૂછપરછ...

કોઈને શંકાના આધારે આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડવો...

મિડિયાની હેડલાઇન હતી—

"સ્કોટલેન્ડ યાર્ડ ખોટી ફરિયાદ કરનાર સામે કડક કાર્યવાહી કરશે."

દેશ પોલીસની પ્રશંસા કરી રહ્યો હતો.

અને એ જ સમયે...

યોર્કશાયર નજીક રોયલ મેઈલની ટ્રેનની ગતિ એક ચતુર યુક્તિથી ધીમી કરવામાં આવી રહી હતી.

જંગલમાં ધુમ્મસ એટલું ઘેરું હતું કે ટ્રેનનો હેડલેમ્પ પણ જાણે હારી ગયો હતો.

થોડી જ પળોમાં ટ્રેન અટકી ગઈ.

ધુમ્મસને ચીરીને બહાર આવી...

ધ ગોલ્ડન ફોક્સ ગેંગ.

એડગર મેકલેન—બરફ જેવી ઠંડી આંખો અને ઘડિયાળ જેવી ચોક્કસ બુદ્ધિ.

તેનું માનવું હતું—

"ગુના માટે હથિયાર કરતાં બુદ્ધિ વધુ ખતરનાક હોય છે."

મહિનાઓના આયોજન પછી આખરે એ રાત આવી પહોંચી હતી.

તેના સાથીઓએ એન્જિન ડ્રાઇવર અને ગાર્ડ્સને બેભાન કરી દીધા.

એલિઝાએ લોકરનો કોડ તોડી નાખ્યો અને ચેસ્ટ વાનનો દરવાજો ખોલી નાખ્યો.

સોનાના બાર અને રોકડથી ભરેલા થેલાઓ ટોર્ચના પ્રકાશમાં ઝળહળી ઊઠ્યા.

માત્ર સાડા છ મિનિટમાં 2.5 મિલિયન પાઉન્ડ ગાયબ થઈ ગયા.

ટ્રેન નિર્જીવ બની ઊભી રહી.

મુસાફરોને લાગ્યું કે આ તો સામાન્ય રોકાણ હશે.

અને...

સ્કોટલેન્ડ યાર્ડ?

હજી પણ ખોટી ફરિયાદ કરનારને શોધવામાં વ્યસ્ત હતું.

---

કોર્ટરૂમમાં જજનો અવાજ ફરી ગુંજ્યો.

"ચીફ વોલેસ... ફરિયાદની તપાસ કરવાને બદલે ફરિયાદીને શોધવામાં તમે એટલા વ્યસ્ત કેમ રહ્યા?"

વોલેસે ધીમેથી જવાબ આપ્યો—

"કારણ કે સતત મળતી ખોટી ફરિયાદોએ અમને સાચી ફરિયાદ પર પણ વિશ્વાસ ન રહેવા દીધો હતો."

કોર્ટરૂમમાં બેઠેલા જ્યુરી સભ્યો, પત્રકારો અને પ્રેક્ષકોના ચહેરા પર કોઈ ભાવ નહોતો.

માત્ર શરમનું ભારણ હતું.

જજ મેકઆર્થરે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો.

"અને ફરિયાદ અંગે શું કાર્યવાહી કરી?"

વોલેસે આંખો બંધ કરી.

ત્રણ દિવસ પછી એક જૂના બંદર પાસે એક મૃતદેહ મળ્યો હતો.

તે જ માણસ...

જેણે ફોન કરીને ચેતવણી આપી હતી.

તેના ખિસ્સામાંથી એક નોટ મળી—

«"મેં તો સત્ય જ કહ્યું હતું...
પણ સત્યને ખોટું માનનારોથી હું હારી ગયો."»

પછી તપાસમાં બહાર આવ્યું કે તે માણસ એલિઝાનો સાથી હતો.

ગેંગના દગાથી કંટાળીને તે પોલીસને સાચી માહિતી આપવા આવ્યો હતો.

પણ ખોટી ફરિયાદો સામે કડક બનવાની નીતિ એટલી અંધ બની ગઈ હતી કે...

સાચી ચેતવણીને પણ ખોટી માની લેવામાં આવી.

---

કોર્ટરૂમમાં વોલેસની આંખોમાં આંસુ આવી ગયા.

જજ ધીમેથી બોલ્યા—

"ચીફ વોલેસ... ખોટી ફરિયાદનો અંજામ હંમેશા ખોટું બોલનારને જ ભોગવવો પડે એવું નથી. ઘણીવાર સત્યને અવગણનારને તેની સૌથી મોટી કિંમત ચૂકવવી પડે છે."

કોર્ટરૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ.

ધુમ્મસ છટાઈ ગયું હતું...

પણ સત્યની છાયા બ્રિટનના ઇતિહાસ પર હજી પણ લટકતી રહી.

---

ડિસ્ક્લેમર

આ નવલિકા માત્ર મનોરંજન માટે રચાયેલી કલ્પિત કૃતિ છે. તેમાં દર્શાવાયેલા કેટલાક સ્થળો, સંસ્થાઓ અથવા ઐતિહાસિક ઘટનાઓમાંથી પ્રેરણા લેવામાં આવી હોઈ શકે છે, પરંતુ પાત્રો, સંવાદો અને ઘટનાક્રમ લેખકની કલ્પનાશક્તિનું પરિણામ છે. આ કૃતિનો હેતુ કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા કોઈ પણ, ઘટિત ઐતિહાસિક ઘટનાનું તથ્યાત્મક પુનઃનિર્માણ કરવાનો નથી.

કલ્પેશ પટેલ-©2026


Rate this content
Log in

Similar gujarati story from Drama