શાપિત ઘર
શાપિત ઘર
શાપિત ઘર
"જે ઘર સંબંધોનું દુઃખ અનુભવે છે, તે એક દિવસ પોતાનો અવાજ શોધી લે છે..."
મુંબઈના મરીન લાઇન્સ વિસ્તારમાં આવેલી એક આધુનિક સોસાયટીમાં એકવીસમાં માળે.એક વૈભવી 3BHK ફ્લેટ હતો.
ફ્લેટના ટાવર નું નામ હતું — "સુખ સાગર."
દરિયાની સામે ખુલતી બાલ્કની, આયાતી ફર્નિચર, સ્માર્ટ LED લાઇટિંગ, ઓટોમેટિક પડદા અને આધુનિક સજાવટ...
બધું હતું.
નહોતું તો માત્ર એક જ...
ઘરનું હૂંફાળું હૃદય.
દીવાલો ચમકતી હતી, પરંતુ સંબંધો ઝાંખા પડી ગયા હતા. હવામાં એક અજાણ્યો ભાર હતો. જાણે આ ઘર શ્વાસ લેતું હોય... પરંતુ જીવતું ન હોય.
ઘરના એક ખૂણામાં સુનિતાબેન અને વિનુભાઈ દિવસભર નિઃશબ્દ બેઠા રહેતા. તેમનો દીકરો હર્ષ અને તેની પત્ની નીતિ પોતાની જ દુનિયામાં વ્યસ્ત રહેતા—ઓફિસ, મોબાઇલ, લેપટોપ, ઇયરફોન અને સોશિયલ મીડિયામાં.
ઘરમાં અવાજ ઘણો હતો...
પણ વાતચીત નહોતી.
એક દિવસ સુનિતાબેને પ્રેમથી કહ્યું,
"હર્ષ, બેટા... ભોજન તૈયાર છે."
હર્ષે મોબાઇલ પરથી નજર પણ ન ઉઠાવી.
"હું બિઝી છું, મમ્મી."
નીતિ હળવા ઉપહાસ સાથે બોલી,
"મમ્મી, હવે આટલો વહાલનો ડ્રામા ન કરો તો સારુ ."
વિનુભાઈએ, વહુ ના કટાક્ષથી શાંતિથી માથું ઝુકાવી દીધું.
અને એ જ ક્ષણે...
જાણે ઘરની અંદર કંઈક તૂટી ગયું.
પહેલા શનિવારની રાત્રે ડ્રોઇંગરૂમની દીવાલ પર એક બારીક તિરાડ દેખાઈ.
કોઈએ ધ્યાન ન આપ્યું.
પછીના શનિવારે એ તિરાડ વધુ લાંબી થઈ ગઈ.
સુનિતાબેન ચિંતાથી બોલ્યાં,
"કોઈ જુઓને... દીવાલ કેમ ફાટી રહી છે?"
હર્ષ હસ્યો.
"વીકએન્ડ બગાડશો નહીં. તમને બધે જ ખામી દેખાય છે."
તમારા ગામડાના ઘર માં આરપાર દેખાતું હતું તેવા બાકોરા હતા, તે ક્યાં ભૂલી ગયા?
વિનુભાઈ, ડિકરા નું ડહાપણ જોઈ ડાઘાઇ ગયા, તેઓ બોલવા જતા હતા, કે તે ગામડાનું ગામ અને ખેતર હતું, તો તું અહીં એકવીસ માં માળે હવા ખાય છે... પણ સુનીતાબેને રોકી લીધા.
ભારે વાસવસા સાથે ખાટલા સુતા. તે રાત્રે સુનિતાબેને પહેલી વાર જોયું...
પેલી પહોળી થયેલી તિરાડમાંથી ધીમે ધીમે કાળો ધુમાડો બહાર આવી રહ્યો હતો.
જાણે ઘર પણ તેમની. અંદર ના દુઃખની વળાળ ને વાચા આપી, બહાર નીકળતું હોય.
ત્યારથી ફ્લેટ બદલાવા લાગ્યો.
મધરાત્રે પગલાંનો અવાજ આવતો...
પણ કોઈ દેખાતું નહીં.
રસોડામાં વાસણો પોતાની જાતે ખખડતા.
બાથરૂમના અરીસામાં પાછળ કોઈ કાળી આકૃતિ દેખાતી.
એસી બંધ હોવા છતાં હાડ થીજી જાય એવી ઠંડી ફેલાતી.
અને દરરોજ દીવાલ પર નવા કાળા ચીર દેખાવા લાગ્યા.
એક સવારે અરીસા પર ભેજમાં એક વાક્ય લખાયેલું હતું—
"વડીલો અનાદરથી ઘર મરે છે."
હર્ષે તેને મજાક ગણી.
નીતિએ ભ્રમ માનીને અવગણના કરી.
પણ સુનિતાબેન અને વિનુભાઈ સમજી ગયા...
ઘર કંઈક કહેવા માંગતું હતું.
એક રાત્રે આખી સોસાયટીમાં વીજળી ચાલી ગઈ.
ફ્લેટ ઘોર અંધકારમાં ડૂબી ગયો.
સુનિતાબેન રસોડામાં પાણી લેવા ગયા.
અચાનક દીવાલમાંથી ધીમો અવાજ આવ્યો...
"તમે જે સહન કરો છો... એ હું પણ સહન કરું છું..."
સુનિતાબેનના હાથમાંથી ગ્લાસ નીચે પડી ગયો.
તેઓ દોડી બહાર આવ્યા.
વિનુભાઈએ માત્ર એટલું જ કહ્યું,
"આ ઘર... હવે આપણું દુઃખ જીવી રહ્યું છે."
થોડા દિવસ પછી...
હર્ષ ગેમ રમતો હતો.
અચાનક મોબાઇલની સ્ક્રીન કાળી થઈ ગઈ.
અને એક જ વાક્ય ઝબક્યું—
"માતા-પિતાનો માન કર."
તે ગભરાઈ ગયો.
પાછળથી પગલાંનો અવાજ આવ્યો.
તે વળીને જોયું...
પણ ત્યાં કોઈ નહોતું.
એ જ સમયે દીવાલનો ચીર વધુ પહોળો થઈ ગયો.
બીજી તરફ નીતિ બાથરૂમમાં હતી.
અરીસામાં તેની પાછળ સુનિતાબેન ઊભાં દેખાયા.
તે ચીસ પાડી પાછળ ફરી...
પણ પાછળ કોઈ નહોતું.
કારણ કે એ સમયે સુનિતાબેન તો રસોડામાં વાસણ ધોઈ રહ્યા હતા.
તે રાત્રે ભારે વરસાદ વરસી રહ્યો હતો.
અચાનક આખા ફ્લેટની દીવાલોમાં વીજળી જેવી ઝડપે કાળા ચીર ફાટી નીકળ્યા.
દરેક ચીરમાંથી કાળો ધુમાડો બહાર આવવા લાગ્યો.
અને આખું ઘર ગર્જી ઊઠ્યું—
"જે ઘરમાં માતા-પિતાને માન નથી... તે ઘર નથી... શાપિત ઘર છે."
દીવાલો અગ્નિ જેવી ગરમ થઈ ગઈ.
દરવાજો પોતાની જાતે બંધ થઈ ગયો.
હર્ષ અને નીતિ ગભરાઈ ગયા.
હર્ષ રડી પડ્યો.
"મમ્મી... મને માફ કરી દો."
નીતિ વિનુભાઈના પગે પડી ગઈ.
"પપ્પા... અમને માફ કરો."
એ ક્ષણે...
ધીમે ધીમે કાળો ધુમાડો ઓગળવા લાગ્યો.
દીવાલોના મોટા ભાગના ચીર બંધ થઈ ગયા.
સવારે સૂર્યનો પ્રકાશ ઘરમાં પ્રવેશ્યો.
ફ્લેટ ફરી સામાન્ય લાગતો હતો.
પરંતુ મુખ્ય દરવાજા પર એક વાક્ય કોતરાયેલું હતું—
"ઘર માફ કરે છે... પરંતુ ભૂલતું નથી."
હર્ષ અને નીતિએ માતા-પિતાને હૃદયથી સ્વીકાર્યા.
ઘરમાં ફરી હૂંફ આવી.
હાસ્ય પાછું આવ્યું.
અને "સુખ સાગર" પોતાના નામને સાચા અર્થમાં સાર્થક કરતો ફરી એકવાર સુખનો સાગર બની ગયો.
તેમ છતાં...
ડ્રોઇંગરૂમના એક ખૂણામાં દીવાલ પર એક નાનો કાળો ચીર આજે પણ હતો.
જાણે મૌન રહીને ચેતવણી આપતો હોય—
"સંબંધો તૂટે ત્યારે સૌથી પહેલાં ઘર ઘાયલ થાય છે."
અંતિમ સંદેશ
ઘર ઈંટ અને સિમેન્ટથી નથી બનતું.
ઘર પ્રેમ, સન્માન અને સંબંધોથી બને છે.
જ્યાં માતા-પિતાનું અપમાન થાય છે, ત્યાં દીવાલો પણ રડી પડે છે.
અને...
એવું ઘર ધીમે ધીમે શાપિત બની જાય છે.
"વર્ષો પછી પણ સુખ સાગરની દીવાલ પરનો એ નાનો કાળો ચીર હર્ષ અને નીતિને યાદ અપાવતો રહ્યો કે ઘર માત્ર રહેવાની જગ્યા નથી... ઘર લાગણીઓનું જીવંત સ્વરૂપ છે.
