STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Inspirational

5  

Kalpesh Patel

Drama Classics Inspirational

રાહી.

રાહી.

3 mins
0

રાહી.

અરબી સાગરની શાંતિમાં એક રડવાનો અવાજ આવી રહ્યો હતો..!

તે રાતે અરબી સાગર અસામાન્ય રીતે શાંત હતો. લહેરો જાણે પોતાના શ્વાસ રોકીને કોઈ અજાણી ઘટનાની રાહ જોઈ રહી હોય. લાઈટહાઉસની રોશની ધીમે ધીમે ફરતી હતી, જાણે અંધકારને કહેતી હોય— "હું હજુ જાગી રહી છું."

લાઈટ મેન દેવરાજ દરિયાને કિનારે ફરતો હતો.
ભીની રેતી, ઠંડો પવન, અને તરંગોની ધબકાર.
અચાનક…
એક નાજુક રડવાનો અવાજ.
જાણે ઘૂઘાવતા દરિયાએ કોઈ રહસ્ય જન્માવ્યું હોય તેવો તીવ્ર થતો જતો હતો!!.

દેવરાજઅ અવાજ ની દિશામાં દોડી ગયો.
રેતી પર અડધી ભીની એક ટોપલી પડી હતી. અંદર કામળીમાં વીંટળાયેલું નવજાત બાળક ઠંડીથી ધ્રૂજી રહ્યું હતું. તેના રડવાના નાજુક અવાજે જાણે આખા દરિયાની નિઃશબ્દતાને ચીરી નાખી હતી.
તે ક્ષણે દરિયાની લહેરો એકાએક શાંત થઈ ગઈ.
દેવરાજે તેને ઉંચક્યું છાતીએ વળગાડ્યું અને પોતાના હૃદયમાં વસાવી લીધું.

તે બાળકી નું નામ રાખ્યું,રાહી.
કારણ કે તે દરિયાની લહેરોમાંથી આવી હતી,
અને કદાચ જીવનના દરેક વળાંક પર તેને હવે રાહ બતાવી ચાલતી રહેશે.

---

રાહીના આગમન પછી,લાઈટહાઉસમાં નવી રોશની આવી હતી.લાઈટહાઉસ હવે માત્ર દરિયાને નહીં,  પણ રાહી માટે પણ પ્રકાશ આપતું હતું.

દેવરાજ સવારે તેને ખવડાવતો,
બપોરે તેની કાલી વાતો સાંભળતો,
અને રાતે લાઈટ ચાલુ કરતાં પહેલાં
તેના નાનકડા હાથમાં પોતાની આંગળી આપતો.

રાહી મોટી થતી ગઈ.
તે દરિયાને જોઈને પૂછતી—
“પપ્પા, આ દરિયો મને બોલાવે છે?.”

દેવરાજ હસતો.
“હા, કારણ કે તું તેની દીકરી છે.”

એક રાતે તોફાન આવ્યું.
લાઈટહાઉસ ધ્રૂજી ગયું.
દરિયો ઉગ્ર બની ગયો.
આભ ને આંબતા મોજા ઉછળ્યા.

દેવરાજ લાઈટહાઉસના દીવડા બચાવવા દોડી ગયો.
જો લાઈટ બંધ થઈ જાય,તો જહાજો અંધકારમાં ખોવાઈ જશે.

દેવરાજ આખી રાત પવન સામે લડી રહ્યો. વરસાદના ફોરાં ચહેરા પર ચાબુકની જેમ પડતા હતા, છતાં તેના હાથ દીવડાની જ્યોતના ચક્કર પરથી ખસ્યા નહીં. કારણ કે તેને ખબર હતી,આ પ્રકાશ માત્ર જહાજો માટે નહીં, અનેક જીવ માટે આશા નો હતો.

રાહી નીચે કોટેજમાં અંદર રડી રહી હતી.  દેવરાજે આખી રાત લાઈટને ફરતી ચાલુ રાખી,
અને પછી સવારે દોડીને પાછો તેના ક્વાટરે આવ્યો,ત્યારે તેને રાહી ચાદરમાં લપેટાઈ સુઈ ગયેલી ભાળી.
શાંત, સુરક્ષિત,ઊંઘમાં પણ. હસતી દીસતી હતી.
જાણે લાઈટહાઉસની રોશનીએ જહાજો ને બચાવ્યા, તેની સામે કુદરતે તેને બચાવી લીધી હોય.

તે રાતે દેવરાજને સમજાયું—
રાહી માત્ર બાળક નથી,
તે તેના જીવનનો પ્રકાશ છે.


---

વર્ષો વીતી ગયા.
રાહી હવે યુવાન, સમજદાર અને દરિયાની જેમ ઊંડા વિચારોવાળી બની ગઈ હતી.
દેવરાજ પણ ઘરડો થયો હતો,
પણ તેની આંખોમાં હજી એ જ પ્રેમ હતો.રાહી માટે, અને લાઈટહાઉસ માટે.

એક સાંજ રાહી દેવરાજ પાસે આવી.  તેના ચહેરા પર શાંત, મીઠું સ્મિત હતું.

“પાપા … તમે આખું જીવન મને પ્રકાશ આપ્યો.
હવે મારો વારો છે,તમારા જીવનમાં પ્રકાશ લાવવાનો.”

દેવરાજ ચોંકી ગયો.
રાહીએ આગળ કહ્યું—

“મેં તમારા માટે  બીજી મોટી અને સમજુ,રાહીને શોધી છે.
કોઈ એવી, જે તમને સમજે,
તમારી એકલતાને સાંભળે,
અને તમારા જીવનને ફરીથી જીવંત બનાવે.”

તે સાંજે રાહી દેવરાજને દરિયા કિનારે લઈ ગઈ.
ત્યાં એક સ્ત્રી ઉભી હતી—
શાંત, સૌમ્ય, દરિયાની લહેરો જેવી નરમ આંખો ધરાવતી.
તેનું નામ દેવીલા હતું.
દેવીલા માછીમારની વિધવા પુત્રવધુ હતી,
અને લાઈટહાઉસની આસપાસના કિનારે તેના સસરા સાથે કામ કરતી હતી.

રાહી બોલી,
“દેવીલા તમને ઘણા સમયથી જોઈ રહી છે.
તમારી નિષ્ઠા, તમારી એકલતા,
અને દરિયા માટેનો તમારો પ્રેમ—
તેને બધું ગમે છે.”

દેવરાજની આંખોમાં પાણી આવી ગયું.
તેને જીવનમાં ક્યારેય કોઈએ આ રીતે સમજ્યું નહોતું.

કેટલાક મહિનાઓ પછી,
લાઈટહાઉસની ટોચ પર—
જ્યાં દરિયો, આકાશ અને પ્રકાશ એકબીજાને સ્પર્શે છે—
દેવરાજ અને દેવીલાના લગ્ન થયા.

રાહી તેમની બાજુમાં ઉભી હતી,
હસતી, ખુશ, અને ગર્વથી ભરેલી.

લાઈટહાઉસની લાઈટ એ રાતે વધુ વેગથી ફરતી હતી.
જાણે તે પણ આ નવા પ્રેમને આશીર્વાદ આપી રહી હોય.

દેવીલા હવે લાઈટહાઉસ ચલાવે છે.
દેવરાજ શાંતિથી દરિયાને જોઈ શકે છે—
કારણ કે હવે તેની પાસે પ્રેમ છે,
સાથ છે,
અને એક નવું જીવન છે.

દીકરી માત્ર પિતાના દિલનો અંધકાર દૂર નથી કરતી; 
ક્યારેક તે પિતાના જીવનની. લાંબી રાતમાં પણ સૂર્યોદય લાવી દે છે.
અને 

એ દિવસે લાઈટહાઉસનો પ્રકાશ દરિયા માટે નહીં, એક પરિવાર માટે ઝળહળ્યો હતો.

---
હાઈકુ.
દરિયો શાંત છે,
દેવીલા સંગે પ્રેમ ઝળકે—
રાહી પ્રકાશ છે.
~~~~~
વિનંતી ~
પ્રિય વાચકમિત્ર,
આ વાર્તા વાંચવા બદલ હૃદયપૂર્વક આભાર.
તમને વાર્તાનો કયો પ્રસંગ સૌથી વધુ સ્પર્શી ગયો? ક્યાં લાગ્યું કે વધુ ઊંડાણ હોઈ શકતું?

તમારી નિખાલસ ટિપ્પણીઓ, સૂચનો અને રચનાત્મક ટીકા મારા માટે અમૂલ્ય છે. 

દરેક પ્રતિભાવ મને વધુ સારું લખવાની દિશામાં એક નવું પગલું ભરવા પ્રેરણા આપે છે.
હું તમારા વિચારોની આતુરતાથી રાહ જોઈશ.
~~~~~~~~~~~~~~~





Rate this content
Log in

Similar gujarati story from Drama