Kaushik Dave

Fantasy Inspirational Children

4  

Kaushik Dave

Fantasy Inspirational Children

ચિત્રકાર

ચિત્રકાર

3 mins
200


વર્ષો પહેલાં એક રામનગર નામનું ગામ હતું. સામાન્ય રીતે વાર્તામાં રામનગર કે રામપુર ગામ વધુ પ્રખ્યાત હોય છે. આ ગામમાં બાળપણના બે મિત્રો રહેતા હતા. એકનું નામ રવિ અને બીજાનું નામ પ્રિતમ.

 બંનેની ભાઈબંધી ગામમાં પ્રખ્યાત હતી. દસ બાર વર્ષના થયા એટલે રવિના માબાપે વધુ અભ્યાસાર્થે નર્મદા કિનારે આવેલા એક ગુરુકુળમાં દાખલ કર્યો. રવિને નાનપણથી ચિત્રકામનો શોખ હતો. એટલે એણે ગુરુકુળમાં ચિત્રકામ પર વિશેષ ધ્યાન આપ્યું. નર્મદાપુરમ પાસે આવેલું ગુરુકુળ. ગુરુ પણ ચિત્રકામમાં પ્રવિણ હતા. રવિને કુદરતના રંગો તેમજ કુદરતી વાતાવરણના આબેહૂબ ચિત્ર દોરતા શીખવાડ્યું. એ માટે નર્મદા કિનારે સાથે લેતા જાય. નર્મદાપુરમ પાસે આવેલી હજારો વર્ષ જુની ગુફાઓમાં લેતા જતા હતા. એ ગુફામાં આવેલા ચિત્રો પરથી ચિત્રકામ શીખવાડતા તેમજ કુદરતી કલર બનાવવા પણ શીખવાડતા હતા. ગુરુજી કાયમ કહેતા કે ચિત્ર એક કળા છે.એનો દુરુપયોગ થવો જોઈએ નહીં. 

 આમને આમ દસ વર્ષ વિતી ગયા.

એક દિવસ રવિ નર્મદા કિનારે ચિત્ર દોરતો હતો ત્યારે એક અજાણ્યો માણસ આવ્યો.

બોલ્યો:-" મિત્ર,મારી ઓળખાણ પડી ?

"ના" રવિ બોલ્યો.

 "હું તારો નાનપણનો મિત્ર પ્રિતમ છું."

ઓહ્. મિત્ર પ્રિતમ ! પણ તું અહીં ક્યાંથી ? તેં તારી કેળવણી ક્યાં લીધી ? શું અભ્યાસ કર્યો ? મને તો તને મળીને આનંદ થયો."

પ્રિતમ:-" મિત્ર, મેં જોયું કે તું એક સરસ ચિત્રકાર છે. આબેહૂબ ચિત્ર દોરે છે.મન મોહિત કરે છે.પણ તું મારા જેવો હોંશિયાર થયો નથી.મિત્ર, તારા ગયા પછી મને જાદુનો શોખ થવા લાગ્યો.પિતાજીને કહ્યું કે મારે જાદુ શીખવું છે.પણ પિતાજી માન્યા નહિ.એક દિવસ ઘરમાંથી ભાગી ગયો.એક જાદુગરના નોકર તરીકે રહ્યો. એ જાદુગર પાસેથી ખબર પડી કે સારા જાદુ શીખવા હોય તો કામરૂપ પ્રદેશમાં જ શીખી શકાય.

બસ પછી ત્યાંથી પણ ભાગતો ભાગતો રહ્યો.અંતે કામરૂપ પ્રદેશમાં જાદુ શીખીને જ આવ્યો."

રવિ:-" પણ મિત્ર, તને કેવીરીતે ખબર પડી કે હું અહીં છું ?"

પ્રિતમ:-" એજ તો કમાલ છે. બસ તને શોધી કાઢ્યો. પણ તું કેવા ચિત્ર બનાવે છે ? મારે તને મારી કળા બતાવવી છે. તું મારી પસંદગીનું ચિત્ર બનાવ."

રવિ:-" સારું.મને પણ ખબર પડે, મિત્ર શું શીખીને આવ્યો છે ?"

પ્રિતમ:-" તો મારા માટે કોઈ સુંદર અપ્સરાનું ચિત્ર બનાવ. પછી જો મારી કમાલ."

રવિ:-" ઓહ્...એમ વાત છે.ચાલ ત્યારે સુંદર અપ્સરાનું ચિત્ર બનાવું. ત્યાં સુધી તું કુદરતી સૌંદર્ય જોઈને આવ."

થોડીવારમાં રવિ એ પોતાની કલ્પનાથી સુંદર અપ્સરાનું ચિત્ર દોર્યું.

પ્રિતમ કુદરતી સૌંદર્ય જોઇને આવ્યો.

એણે અપ્સરાનું ચિત્ર જોયું.

દેખતો રહી ગયો.

"વાહ...વાહ... મિત્ર, તેં તો અપ્સરાને ધરતી પર લાવી દીધી. આ સુંદરીનું નામ કહે એટલે હું મારી જાદુગરી બતાવું."

"મિત્ર, તેં નામ આપી દીધું. હવે આ ચિત્રની અપ્સરાનું નામ સુંદરી રાખું છું."

"વાહ.. સુંદરી...અપ્સરા... મારું તો મન મોહી લીધું. મારું મન થાય છે કે મારી કળાથી એને જીવીત કરું." 

એમ બોલીને પ્રિતમે પોતાની જાદુગરીથી અપ્સરાને જીવીત કરી. હવે અપ્સરા પર મોહિત થયેલો પ્રિતમ પોતાની કળાથી ખુશખુશાલ થયો. પ્રિતમે અપ્સરા સાથે લગ્ન કરવા માટે જબરજસ્તી કરવા લાગ્યો. રવિએ પ્રિતમને ઘણો સમજાવ્યો.પણ પ્રિતમ માન્યો નહીં. આખરે રવિએ બુદ્ધિનો ઉપયોગ કરીને જાદુગર પ્રિતમ જેવું ચિત્ર દોર્યું. રવિએ પ્રિતમને કહ્યું," મિત્ર, તું ખરો જાદુગર હોય તો મારા બનાવેલા બીજા ચિત્રમાં તારી જાદુગરી બતાવ."

અભિમાનથી થકી ગયેલા પ્રિતમે પોતાની કળાથી એ ચિત્રને જીવીત કર્યું. પછી બે પ્રિતમ..એક બીજાને જોતા રહ્યા. થોડીવારમાં બંને સુંદરી અપ્સરા માટે ઝઘડો કરવા લાગ્યા. આખરે પ્રિતમે રવિને વિનંતી કરી કે નકલી પ્રિતમ માટે કંઈ ક કર. રવિએ એક મોટું પાંજરું દોર્યું.

પછી બોલ્યો," જે સાચો જાદુગર પ્રિતમ હોય એ આ પાંજરે પુરાઈને બતાવે તો તે સુંદરી અપ્સરા પામી શકશે."

થોડીવારમાં બંને પ્રિતમ પાંજરામાં સમાયા.

એટલે રવિએ એ પાંજરાનો દરવાજો ચિત્ર દ્વારા બંધ કર્યો.

હવે પાંજરામાં બે પ્રિતમ ચિત્ર રૂપે રહ્યા.

સુંદરી અપ્સરાને વાચા આવી.

બોલી," હે ચિત્રકાર તેં મારા પ્રાણ બચાવ્યા એટલે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું."

ત્યારે રવિ બોલ્યો," હે સુંદરી, મારી ચિત્રકળાથી તારું સર્જન થયું એટલે તું મારી પુત્રી ગણાય."

સુંદરી," તો પિતાજી હવે મારું શું ? હું કયા સ્થાન પર રહું ?"

રવિ બોલ્યો," હે સુંદરી, તારું સર્જન ચિત્રથી થયું એટલે તારું સ્થાન કલ્પનામાં રહેશે. ચિત્રકારની કલ્પના, કવિની અને લેખકની કલ્પના, દાદા દાદીની વાર્તામાં, બાળકોની પરી સ્વરૂપે..યુવાનોની ધડકનમાં.. પ્રિયતમાને અપ્સરા સુંદરી તરીકે જોશે."

 રવિની વાત સાંભળી ને સુંદરી અપ્સરા ધીરે ધીરે મહિમ બિંદુ સ્વરૂપે બનીને રવિના ચિત્રમાં સમાઈ ગઈ.

 રવિનું એ ચિત્ર "અપ્સરા સુંદરી" તરીકે ઓળખાયું...!


Rate this content
Log in

Similar gujarati story from Fantasy