છૂટી ગયું
છૂટી ગયું
પચીસ વર્ષ... પૂરા પચીસ વર્ષ પછી પણ બધું ત્યાં ને ત્યાં જ અકબંધ હતું. કહેવા માટે તો ઘણું બધું બદલાઈ ગયું હતું. એ શહેર, ત્યાંના રસ્તાઓ, આજુબાજુની ઇમારતો, બધું જ બદલાયું હતું. અને છતાં પણ કંઈક હતું જે ત્યાં નું ત્યાં જ હતું. એ હવાઓ, એની મહેક, એ એક અપનાપન, એક પોતીકાપણું અકબંધ હતું. ત્યાંની હવાઓનો રૂખ બિલકુલ નહતો બદલાયો. એ આજે પણ બંને હાથ ફેલાવીને મારું સ્વાગત કરી રહ્યો હતો. એ શહેરનું આપનાપન આજે પણ મને પોતાની અંદર સમાવી ને લાગણીમાં ભીંજવી રહ્યું હતું. બરાબર પચીસ વર્ષ પહેલા લગ્ન કરીને ગઈ પછી પ્રથમ વખત એ શહેરમાં પાછી ફરી હતી. કોઈક પ્રસંગમાં હાજરી આપવા માટે. . દીદી અને મારા લગ્ન પછી પપ્પા મમ્મીએ પણ પોતાનું ઘર વેચીને અમારી સાથે અમારી નજીક જ, અમારા શહેરમાં રહેવા આવી ગયા હતા. બસ ત્યારથી જ અમારી બે બહેનો અને માતા-પિતાની નાનકડી દુનિયાનું આ શહેરમાંથી સ્થળાંતર થઈ ચૂક્યું હતું અને દિલ પર પથ્થર મૂકીને બદલાયેલા સંજોગોની માન આપીને આ શહેર ને અમે હંમેશા માટે અલવિદા કહી દીધું હતું.
બસ ત્યારથી કરીને આજ સુધી એ ઘર, એ મોહલ્લો જ્યાં પકડ દાવ અને સંતાકૂકડી રમીએ અમે મોટા થયા, એ પ્રાથમિક શાળા જ્યાં જીવનનું પ્રથમ જ્ઞાન મેળવ્યું, એ ઘરથી કોલેજ તરફ જવાના રસ્તાઓ બધું જ પાછળ છૂટી ગયું હતું અને દિલના કોઈ ખૂણામાં જઈને દફન થઈ ગયું હતું. મન તો હંમેશા પાછળ ફરી ફરીને હવાતિયાં મારતું ત્યાં જવા પણ પગ ક્યારે એ દિશામાં ના પડ્યા.આજે એ શહેરમાં પ્રવેશ કરતાંની સાથે જ બધું નજર સમક્ષ આવીને ફરી ઊભું રહી ગયું હતું. પોતાનું જૂનું ઘર જોવાની ઈચ્છા સાથે જેવા પગ એ દિશા તરફ વળ્યા મનમાં કોઈક પ્રકારની ગભરાહટ થવા માંડી. એ ઘર જ્યાં અમે નાનપણમાં રહેતા હતા એ ઘરની જમીન સિવાય હવે બધું જ બદલાઈ ગયું હશે. અને એ જ ઘરની જમીન પર પગ મુકતા પહેલા હવે કોઇની પરવાનગી લેવી પડશે. કારણકે ત્યાંનું માલિક તો હવે કોઈ બીજું જ છે એ વિચાર માત્રથી જ મન કાપી ગયું. હિંમત કરીને જેવો એ મહોલ્લામાંમાં પ્રવેશ કર્યો દરેક ઘરમાં નવા ચહેરાઓ હતા, દરેક ઘરમાંથી અપરિચિત આંખો સવાલ સાથે મારી સામે જોઈ રહી હતી. અંદરથી મન ચિખી ઉઠ્યું કે હું પણ આજ મહોલ્લાનો એક અંશ છું. અહીંની દરેક મહેકમાં મારું અસ્તિત્વ સમાયેલું છે. આ મારો મહોલ્લો છે. એક પછી એક ઘર પસાર કરીને આખરે હું એજ દરવાજા પાસે આવીને ઊભી રહી જે એક સમયમાં મારું પોતાનું હતું. હૃદય ધબકારા ચૂકી ગયું... આખા મકાનનો ઢાંચો બદલાઈ ગયો હતો. બહાર હિંચકા પર એક વૃદ્ધ બેઠા હતા. એમણે મારી તરફ શંકાભરી દ્રષ્ટિ નાખી અને પૂછ્યું,"તમને કોનું કામ છે બહેન ?"અને મારા ગળામાં ડૂમો બાઝી ગયો. મન પોકારી ઊઠ્યું કે હું આ જમીનનો અંશ છું. આ જમીન ભલે હવે મારી માલિકીની નથી રહી પરંતુ એમાં સમાયેલી યાદો હજી પણ મારી માલિકીની છે. આ ખૂણામાં જે મોટું વૃક્ષ ઊભેલું દેખાય છે એ મારા બાળપણનું પ્રતીક છે. કોઈને કેવી રીતે સમજાવું કે ઉનાળાની એક બપોરે મેં અને બાજુમાં રહેતી મારી નાનપણની સહેલીએ રમત-રમતમાં કેરી ખાઈને જમીનમાં જે બીજ રોપ્યું હતું એ જ અડીખમ વૃક્ષ બનીને અહીંયા મારા અસ્તિત્વની સાક્ષી આપી રહ્યું છે. કેવી રીતે સમજાવું કે આ વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓનો કિલકિલાટ પણ એ જ છે જે ત્યારે હતો. મનમાં થયું કે મારા કરતાં તો આ પક્ષીઓ વધુ નસીબદાર છે. એમને કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. કોઈ રોક-ટોક નથી બસ જ્યાં મન થયું એ ડાળ પર જઈને બેસી ગયા. આખરે શું મેળવ્યું એક માનવી બનીને ? કેમ બદલાયેલા સમય સાથે બધું જ બદલાઈ જાય છે ? હિંમત કરીને ચારે બાજુ દ્રષ્ટિ કરી. ચારે દિશામાંથી બચપણના કિસ્સાઓના ભણકારા સંભળાવા માંડ્યા. મન ભરીને ચારે બાજુ જોયું અને બધીજ યાદોને પોતાના હૃદયમાં સમાવી લીધી અને ત્યાંથી જતી રહી. ખબર ના પડી કે આખરે પાછળ શું છૂટી ગયું, પરંતુ કંઈક તો હતું જ જે પાછું ફરીને ક્યારેય નહીં આવે. એ વિચાર સાથે આંખમાંથી આવેલું આંસુ બહાર આવીને આવી ને ક્યાં ખોવાઈ ગયું.
