છેતરપિંડી
છેતરપિંડી
વાત આમતો વર્ષો પહેલાની છે. હા આશરે ત્રીસેક વર્ષ પહેલાની. પરંતુ આજે વર્ષો પછી પણ સમાજમાં અમુક ઘરોમાં સ્ત્રીની સ્થિતિમાં કોઈ જ ફેરફાર થયા નથી.
આજે આપણે માનીએ છીએ કે સ્ત્રી પુરુષ સમોવડી બની રહી છે. દરેક ક્ષેત્રમાં આગવુ સ્થાન ધરાવે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ આજે છોકરાઓ કરતા છોકરીઓ વધારે ચડિયાતી સાબિત થાય છે. પણ એ કેટલા ટકા? આજે પણ નીમ્ન વર્ગની સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ સુધારા થયા નથી. અને કહેવાતા ઉચ્ચ વર્ગમાં પણ સ્ત્રીઓનું શોષણ સાવ બંધ તો થયુંજ નથી. કાયદા થોડા કડક થયા છે. આથી ડરને લીધે અત્યાચાર ઓછા થયા છે.
આજે મારે આવીજ લગ્નના નામે છેતરાયેલી એક હસતી-ખેલતી કન્યાએ લગ્નના પાંચેક વર્ષ બાદ પોતાની વહાલસોઇ બે દીકરીઓને એકલી છોડી અગનપછેડી ઓઢી લીધી અને ઘરના બધા સભ્યોએ રસોઈ કરતા દાઝી ગઈ કહીને બધુ ભીનુ સંકેલી લીધું એની વાત કરવી છે.
ત્રીસ વર્ષ પહેલા રાજકોટ જિલ્લામાં એક નાનકડા ગામની દીકરી રેખા કે જે તેના દાદીમા સાથે રહેતી હતી. મા-બાપનું સુખ તો નાનપણથી જ ગુમાવી દીધું હતું કેમકે પિતાના મૃત્યુ બાદ રેખાને દાદી આગળ છોડી તેની માતાએ બીજું ઘર કરી લીધું હતું. રેખાના નામે ઘણી જમીન હતી. અને મકાન તેમજ સોનુ પણ સારુ એવું હતું. પરંતુ રેખાના આખા શરીરે કોઢ હતો. દાદીમાને રાત-દિવસ રેખાની ચિંતા રહેતી. મારી આ દીકરીનો હાથ કોણ ઝાલશે? વળી મિલ્કતની લાલચમાં કોઈ ખોટું પાત્ર તેનો લાભ ઉઠાવશે તો? આથી જ દાદીમાએ રેખાને પગભર કરવાનું વિચાર્યું. અને તેને પી.ટી.સી. કરાવવાનું નક્કી કર્યું.
રેખાને એક પી.ટી.સી. કોલેજમાં એડમીશન મળી ગયું. તે ખૂબ ખુશ રહેતી. સ્વભાવે ખુબ સરળ અને હસમુખી હતી. બધા સાથે હસીને વાત કરતી. પોતાના શરીર પર કોઢા હતો છતાં કશી ફરિયાદ ન હતી. બધી છોકરીઓની જેમ રોજ ઉત્સાહથી તૈયાર થતી. મેકઅપ કરતી. હંમેશા આનંદમાં રહેતી. આમ કરતા પી.ટી.સી.ના બે વર્ષ પૂરા થઈ ગયા.. અને થોડા સમયમાંજ એક ગામમાં શિક્ષિકાની નોકરી પણ મળી ગઈ. દાદીમાના જીવને પણ શાંતિ થઈ. હવે તે સારા છોકરાની તલાશમાં હતા.
અને એક દિવસ સમાચાર મળ્યા કે રેખાની સગાઈ નક્કી કરી છે. છોકરો સાવ ગરીબ ઘરનો છે. તેની ત્રણ બહેનો પણ છે. અને તેના માતા-પિતા પણ છે. છોકરો કોઈ દુકાનમાં સામાન્ય નોકરી કરે છે. પરંતુ શારીરિક કોઈ ખોડખાંપણ નથી. બધાને થયું સારું કહેવાય કે રેખાને કોઢ હોવા છતાં આવો સારો છોકરો મળી ગયો.
રેખા પણ ખુબ ખુશ હતી. પોતાની નોકરી હતી. જમીન અને મકાન પણ હતા. પોતાની પાસે ઘણી મિલ્કત હતી. તેને થયું છોકરો ભલે ગરીબ ઘરનો હોય મારી પાસે છે તે આખરે તો એનુંજ છેને.!
આમ રેખા અને અજયના લગ્ન થઈ ગયા. પરંતુ રેખાને ક્યાં ખબર હતી કે અજયે તેની સાથે લગ્ન તેની મિલ્કત જોઈને કર્યા હતાં તેના કોઢવાળા શરીરને તો એ નફરત કરતો હતો.! થોડા દિવસતો ઘરમાં બધા તેની સાથે ખૂબ સારી રીતે રહેતા. તેની સાથે મીઠી-મીઠી વાતો કરતા. અજયને પણ રાતના અંધારામાં કોઢવાળું શરીર ન નડતું. રેખાને થતું તેનો પતિ તેને ખુબજ પ્રેમ કરે છે. આમ કરતા બે વર્ષ નીકળી ગયા. રેખાએ એક દીકરીને જન્મ આપ્યો. એ દરમિયાન રેખાના પૈસાથી બે નણંદના લગ્ન પણ થઈ ગયા. અજયે ઘરનું મકાન પણ પોતાના નામે લઈ લીધું. મીઠી-મીઠી વાતો કરી રેખાનો વિશ્વાસ જીતી લીધો. ધીમે-ધીમે રેખાની બધી સંપતિ પોતાના નામે કરી લીધી. પોતનો ધંધો પણ શરૂ કરી દીધો. રેખાનો પગાર આવતો તેમાંથી ઘર ખર્ચ નીકળી જતો.
ધીમે-ધીમે અજયે અને તના ઘરના સભ્યોએ પોતાનું અસલી પોત પ્રકાશવા માંડ્પું અજય તેને વારંવાર કોઢણી કહીને અપમાનિત કરતો. અને તરછોડતો. સાસુ અને નણંદ પણ મ્હેંણા મારતા અને કહેતા કે તારા જેવી સાથે કોણ લગ્ન કરે. આ તો અમારી મજબુરી હતી કે મારા દીકરએ તારો હાથ પકડ્યો. હવે છનીમાની પડી રહે. રેખા ખુબજ દુ:ખી રહેતી. તેની દીકરીઓને પણ એ નિષ્ઠુર લોકો તરછોડતા, મારતા, તેને તો દીકરો જોઈતો હતો. દીકરીને એ બોજ માનતા.
રેખા ઉપર રોજે રોજ ત્રાસ વધવા લાગ્યો. પતિની નફરત તેનાથી સહન ન થતી. પરંતુ દીકરીઓનો વિચાર કરી બધું સહન કરી લેતી. અને વળી તેને મદદ કરે એ તેવું તેનું હતું પણ કોણ? દાદીમા તો દીકરીની આવી હાલત જોઈને પ્રભુને પ્યારા થઈ ગયા હતા. રેખાએ પોતાની મા નો પ્રેમ તો મેળવ્યો ન હતો. એક આધાર હતો એ પણ ઝુંટવાઈ ગયો.
રેખાને હવે સમજાયું તેની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હતી. તેની બધી દોલત હડપ કરી હવે આ દાનવો તેને શાંતિથી નહિ જીવવા દે. પોતે ભણેલી હતી. પગભર હતી છતાંય સમાજની બીકે અને દીકરીઓની ચિંતાને લીધે અત્યાચાર સહન કરતી રહી. અને એક દિવસ અત્યાચાર સામે હારી ગઈ અને સદીઓથી ચાલી આવતી પ્રથા મુજબ તેણે પણ મોતને મીઠું કરી લીધું. પોતાના શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી!. બે માસુમ દીકરીઓ મા વિહોણી બની ગઈ !
પોલીસે ઘરવાળાના કહેવા મુજબ રસોઈ કરતા દાઝી જવાનો કેસ ફાઈલ કરી અનેક કહાનીની જેમ આ કહાનીનો અંત કરી દીધો.