Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Drama Tragedy Inspirational

4.4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Drama Tragedy Inspirational

છેલ્લી 'ખેપ'

છેલ્લી 'ખેપ'

7 mins
551


" મનહર, આજે આંખ જરા વધારે ઝીણી રાખી માલ ઉતારવાનો છે...ખબર છે ને...?"

" ફિકર નોટ...માયા શેઠ..., તમતમારે પાર્સલ મૂકાવી દો..''

આ સંવાદ જેટલો રોચક હતો એટલો જ એની પાછળનો ઈશારો પણ..!

છેલ્લા બે વર્ષથી મનહર પોલીસની આંખોમાં ધૂળ નાંખી તેની એમ્બ્યુલન્સ વાનમાં સફળતા પૂર્વક ઈંગ્લિશ દારૂની વીઆઇપી ડિલિવરીથી માંડીને વેપારી ડિલિવરીને અંજામ આપતો આવેલ...તેથી સ્તો... માન સંગ યારસંગ ઉર્ફે 'માયા' નામના નામચીન અને દારૂના અઠંગ સપ્લાયર સાથે તેને એવી ફાવટ આવી ગયેલ કે જાણે વ્હિસ્કીના જામમાં સમાઈ રહેતો બરફનો ટુકડો.

***

"કહું છું...મારી વાત સાંભળો ...હવે !"

" આપણો મહેશ, કોલેજના પહેલા વરસમાં આવી પૂગ્યો, આપણને ભગવાને એક જ આ રૂડું રતન આપ્યું છે... કાલ ઊઠીને ઈના લગન પણ આવશે, કન્યા ગોતવાની થશે..તો, આ ડિલિવરીનો ધંધો મૂકી દો હવે, ઘણું કમાયા ... હવે જીવ અન આબરૂ બન્નેની બીક લાગે છે."

" અરે, ગાંડી...મહેશ ને આપણે સારામાં સારી કોલેજમાં એડમીશન અપાવ્યું છે... બસ, એકવાર એન્જિનિયર થઈ જાય એટલે બધું મૂકી દઉં...જોજે.."

" તમે મૂકો એમ લાગતું નથી...લોભ ને થોભ ના હોય...અને હવે તો ચાલમાં રહેતાં પાડોશીઓ પણ ઘણી વાર પૂછે છે ...કે, મનહર ભાઈને એમ્બ્યુલન્સ લઈ કદી બજારમાં જોતા જ નથી...ક્યાં ને કઈ હોસ્પિટલમાં તેઓ હોય છે ? બાજુના શહેરમાં જાઓ છો એવું બે વરસથી બધાને ઠસાવતી આવી છું..પણ !"

" કહી દેવાનું...વર્ષોથી એ શહેરમાં જ વરધીઓ ભરી છે એટલે ત્યાં જ જાઉં છું... જો જે ને, મહેશ નોકરીએ લાગે એટલે સાચુકલી એમ્બ્યુલન્સ સેવા અહિયાં જ ચાલુ કરીશ."

"તે દિવસે, પેલા રમજા કાણાના અડ્ડા પાસે તમારી ગાડી ને મહેશ જોઈ ગયેલો..ને એ પણ પૂછતો હતો કે બાપુ એમ્બ્યુલન્સ લઈને એ દારૂના અડ્ડા પર કેમ ગયા હતા ? મારે સમજાવતા નાકે દમ આવી ગયેલો કે...એ તો...કોઈ દારૂડિયો બેભાન થઈ ગયેલો તે બાજુના શહેરમાં દવાખાનામાં સારવાર માટે લઈ જવાની વરધી હતી એટલે જવું પડ્યું...બાકી તારા બાપુ એવી જગ્યાએ જાય નહીં !"

" હા, એ દિવસથી આ બાજુની ડિલિવરી લેવાની બંધ કરી છે...હવે તો, મોટી પાર્ટીઓની હોમ ડિલિવરી અને આજુબાજુના ગામડાઓમાં 'દેશી' ના અડ્ડાઓને જ માલ પહોંચાડું છું...આમ, પણ...શહેરમાં પોલીસનો દાબ થોડો વધી પડ્યો છે."

***

"બાપુ,...આ મહિને, સ્પોર્ટ્સ ક્લબના પૈસા આપવાના છે કોલેજમાં, દસ હજાર જોઈશે."

" દસ હજાર ?..અરે પણ કોલેજની ફી ભરી હતી તેમાં બધી ફી આવી ગઈ એવું તે કહેલું...ને!"

" અરે,...બાપુ...તમને એમાં ખબર ના પડે,...કોલેજના જે સ્ટુડન્ટ્સ સ્પોર્ટ્સમાં રસ ધરાવે એમને જ ક્લબમાં સ્થાન આપે છે...તમે તો કશું સમજતા જ નથી !"

" સારું...બેટા, લઈ જજે બસ, પણ ભણજે."

કોલેજમાં જતા થયેલ મહેશના ખર્ચ અને લાઇફ સ્ટાઈલ હવે વધુ ને વધુ આગળ વધતી જતી હતી...અને, એ માટે થતો ખર્ચ મનહર ને વધુ ને વધુ ડિલિવરીની વરધીઓ લેવા મજબૂર કરતો ગયો.

***

" માયા શેઠ,...આ માલ તો વેચવા લાયક નથી એવું કાલું કહેતો હતો...તો?"

" જો...મનહર, અત્યારે માલની શોર્ટેજ છે...બોર્ડર પર ચોકી બદલાઈ છે એટલે માલ આવતો નથી. આ માલ કેવો છે એ બધાને કહ્યું પણ, બધાને અત્યારે કમાઈ લેવું છે...લોકોનું જે થવું હોય તે થાય ! તો... મારે શું, હું પણ વહેતી નદીમાં હાથ ધોઈ લઉં...હા...હા...હા..."

" પણ...શેઠ,..?"

" પણ ને બણ...મનહર, ડબ્બલ કમાણી મળશે...ને, આપણું ક્યાંય નામ આવવાનું નથી...તું તારે જલસા કર, ખેપ મારી આવ."

" મારે તો પૈસાથી લેવા દેવા, માલ કેવો ને શું છે...એથી મારે શું ? એવું વિચારતો મનહર 'ખેપ' મારવા ઉપડી ગયો...ને કામ પૂરું કરી ... દીકરાની સ્પોર્ટ્સ ક્લબ ની ફી નો જોગ કરી લીધો..."

***

" કહું છું, મહેશ આજકાલ ઘેર બહુ મોડો આવે છે, મને કંઈ સારું નથી દેખાતું...તમે જરા ધ્યાન રાખો..."

" અરે, ગાંડી...જવાન છોકરો છે...ભાઈબંધો સાથે રહેતો હશે...બાકી, ભણે તો છે મારો દીકરો, જો ને રાતે કેટલે મોડે સુધી વાંચતો હોય છે."

" ના...પણ, તમે થોડા દિવસ, કામ બંધ કરી એની કોલેજમાં જઈ આવો...અને એના ભાઈબંધોની ય તપાસ રાખો, ચઢતું લોહી છે ક્યાંક ... "

" જો... શાન્તા, ભલે કોઈને ખબર નથી પણ તું જાણે છે મારો ધંધો..., તે કદી મને નશો કરતો જોયો ?"

" ના...હો !"

" બસ, ત્યારે ...એ મારો દીકરો છે ... તું ચિંતા ના કર, હમણાં... મારે હેરાફેરી વધી ગઈ છે ને કમાણી પણ ! થોડું કમાઈ લેવા દે .''

***

વળી પાછા...મહિનાઓ વીત્યા... 'ખેપ' વધતી ગઈ ને મનહરની કમાણી પણ વધતી ચાલી.

" કહું છું...સાંભળો.."

" શાન્તા, આજે મોટી ખેપ મારવાની છે..હવે નીકળવા દે...કાલે વાત કરશું..."

" એમ ને એમ...દા ' ડા વીતે છે ને તમે વધારે ને વધારે આ ધંધામાં ડૂબતા જાઓ છો. છોકરો ત્રણ વરસથી કોલેજ જાય છે...જ્યારે માંગે ત્યારે ફી અને ચોપડાના પૈસા આપી દો છો, બીજા પણ ઘણા ખર્ચા કરે છે ... કદી ખાતરી તો રાખો કે એ ભણે છે કે બીજું કંઈ....?"

" તું ખોટી ચિંતા કરે છે...જવાન દીકરો છે...તેને પણ દોસ્તારો જોડે રહેવાનું હોય...થોડી ખિસ્સા ખર્ચી ચાલ્યા કરે.."

" મારી વાત કાપો નહીં, હવે...ધ્યાન રાખો તો સારું, પેલા રમજાના અડ્ડા બાજુ પણ તેને ઘણીવાર બાજુવાળા શંકર ભાઈએ જોયો છે, પણ, તમને કહેતાં મારી જીભ ખચકાતી હતી.''

" મારો દીકરો...એવો ના હોય...તો પણ, ચાલો...કાલે વિચારીયે...શું કરવું તે..."

વાત અધૂરી રહી ને....મનહરની એમ્બ્યુલન્સ પૂરપાટ દોડી પડી.

***

આજે, માયા શેઠના ગોડાઉન તરફના રસ્તે જતાં...મનહર વિચારે ચઢી ગયો હતો. પત્ની શાન્તાની વાત સાચી હશે ? શું મહેશ ખરેખર અવળા માર્ગે હશે ? બરાબર ભણતો હશે કે નહીં ?...વગેરે...વગેરે.

મનમાં ઉઠતા પ્રશ્નો ના જવાબ પણ મનમાં જ રચાતા હતા. છેલ્લા બે એક વર્ષમાં મહેશના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો. એક યા બીજા બહાને પૈસા માંગવાનું, રાત્રે મોડા ઘેર આવવાનું, શાન્તા સાથે વાત વાતમાં ચિડાઈ જવાનું અને મહેશની પોતાની સાથે નજર મિલાવ્યા વગર વાત કરવાની પદ્ધતિ મનહર ને થોડી થોડી આજે સમજાઈ રહી હતી. ઘણીવાર, બાઈક પર પૂરપાટ વેગે બજારમાં કે દૂરના વિસ્તારોમાં મિત્રો સાથે ફરતો મહેશ પોતાની પણ નજરે ક્યાં નહોતો ચઢયો ? અલબત, અહીં પોતે પણ 'વરધી' ઉપર હોય એટલે...'તેરી બી ચૂપ...મેરી બી ચૂપ.'

***

માયા શેઠ ના 'ગોડાઉન' આગળ પોતાની 'એમ્બ્યુલન્સ' પાર્ક કરતાં પહેલા...કાંઈક વિચાર કર્યો...ને મનહર, ઉતાવળા પગલે 'અડ્ડા' માં દાખલ થયો.

" માયા શેઠ, એક અરજ કરવી છે."

" મનહર, મારા યાર...તારે અરજ ના કરવાની હોય, બોલ...રૂપિયા જોઈએ છે ?"

" ના...રૂપિયા તો ઠીક ઠીક કમાયો આજ સુધી, હવે...બધું સમેટવું છે, હાલની વસ્તી છોડી...નદીની પેલે પાર નવા મકાનો બને છે ત્યાં રહેવા જવું છે...ને હવે આ કામ બંધ કરવું છે."

" મનહર, કેટલા રૂપિયા જોઈએ છે... મકાન માટે, બોલ... બાકી, ધંધો અને મને છોડવાની વાત ના કર"

" એવું નથી, ભાઈ...પણ, હવે બહુ થયું. મારે મારા દીકરા ને આ બધાથી દૂર રાખવો છે, તેને સારો માણસ બનાવવો છે...એટલે, હવે હું ખેપ નહીં મારું.."

" બાપ હોય તેવો દીકરો હોય...મનહર, તારો દીકરો તારા જેવો હોશિયાર અને વફાદાર જ હશે...ચિંતા ના કર ને મોજ કર...આજે તું જ્યાં કહે તે વિસ્તારની ખેપ આપુ...બોલ..."

" ના...ભાઈ, મે નકકી કરી લીધું છે, હવે મને ના કહો."

" અરે, મનહર...તારા દીકરાની કોલેજના ખર્ચા ક્યાંથી પૂરા કરીશ....હેં...?....હા....હા ....હા...!"

"હું બીજો કોઈ ધંધો કરીશ...હવે આ નથી કરવું બસ."

" સારું...મનહર, તારું માન રાખ્યું...પણ તું ય મારું માન રાખ...હવે, આજ રાતની એક 'છેલ્લી ખેપ' મારી આવ, કાલથી તું છુટ્ટો..."

" પણ...ભાઈ,..."

" અરે, ત્રણ ગણા રૂપિયા ને નજીકની ખેપ, મારું માન નહીં રાખે ?''

" સારું ભાઈ, આ છેલ્લી ખેપ, બોલો.. ક્યાંની ?"

" રમજાનો અડ્ડો..."

" ભાઈ, એ તો મારી વસ્તીની નજીક છે ...હું ત્યાં હવે નથી જતો...તમને ખબર છે."

" હા...પણ જવું પડશે, ત્યાં માલ આપવાનું કામ જોખમવાળું છે ને પોલીસની આંખોમાં ધૂળ નાખવાનું તારા સિવાય કોનું કામ ! આમ પણ છેલ્લી ખેપ ને ત્રણ ગણા રૂપિયા..."

" સારું, માયા શેઠ...ફિકર નોટ, પાર્સલ મૂકાવી દો, તમ તમારે...આજ રાતે આ છેલ્લી ખેપ મારી લઉં."

***

રાત્રે ૯/૦૦ વાગ્યાની આસપાસ... માલ રમજાંને ત્યાં ઉતારી...માયાના અડ્ડા પર પહોંચી....મનહરે શાબાશી મેળવી હતી. આખી રાત અડ્ડા પરના પોચા ગાદલા પર આમથી તેમ પડખા ફેરવતો રહ્યો...ને સવારે પેન્ટના આગળના ખિસ્સામાં છેલ્લી ખેપના મહેનતાણાના ત્રણ બંડલ મૂકી...શાન્તા ને પોતાના નિર્ણય ના સુખદ સમાચાર જલદી આપવાની નેમ સાથે પોતાના ઘર તરફ 'એમ્બ્યુલન્સ ' હંકારી મૂકી.

***

પોતાના ઘેર પહોંચે તે પહેલાં જ... રમજાના અડ્ડા પાસે...પોલીસની નાકા બંદી જોઈ મનહર ચમક્યો...પણ, ગાડી ખાલી ને પાછું એમ્બ્યુલન્સ લખેલું છોગુ...એટલે વાંધો હતો નહીં...મનહર આમ પણ એક્ટિંગનો નિષ્ણાત ! છેક, બેરિકેડ સુધી હંકારી ગયો...તો, ' એમ્બ્યુલન્સ ' લખેલું જોઈ...પોલીસે બેરિકેડ હટાવી લીધી ને...અંદર તરફ જવા ઈશારો કર્યો..., ઇન્સ્પેકટરના શબ્દો કાને અથડાયા...

" હવે, ત્રણ જણ છે...ડેડ છે, પોસ્ટ મોર્ટમ માટે જશે...ઓળખ સિવિલ હોસ્પિટલમાં થશે...આ એમ્બ્યુલન્સ આવી ગઈ...મૂકાવી દો..., સાલા...લઠ્ઠો પીવે આ લોકો ને હેરાન આપણે થઈએ....****"

મનહર ને ખબર પડી ગઈ હતી...કે પોતે જે ખેપ મારી હતી ...તે પીવાથી આ કાંડ થયો હતો. લઠ્ઠો હતો એટલે ત્રણ ગણા રૂપિયા માયા એ આપ્યા હતા.

મનહરનો હાથ...ખિસ્સામાં પડેલ નોટોના બંડલ તરફ ગયો...થયું કે, હમણાં જ આ રૂપિયા કાઢી બાજુની ગટરમાં વહાવી દે....પણ શું થાય !

સમસમી રહેલ મનહર આજે પોતાની એમ્બ્યુલન્સ ને પ્રથમવાર સાચી ખેપમાં લઈ જવા તૈયાર થયો.

ઇન્સ્પેકટરનો અવાજ પાછો સંભળાયો..

" ભાઈ, તારી એમ્બ્યુલન્સ થોડી આગળ લાવ, હવે છેલ્લી બોડી છે...વીસ બાવીસ વર્ષનો છોકરો લાગે છે...આ લઠ્ઠો પીવડાવવાવાળા તો ગુનેગાર છે જ પણ... આવડા છોકરાઓ દારૂના રવાડે ચઢી જાય તે માટે તેના માં બાપ પણ જવાબદાર ઠેરવવા જોઈએ."

***

છેલ્લી ડેડ બોડીને પોતાની 'એમ્બ્યુલન્સ ' માં મૂકવા માટે ઊંચકવા મદદ કરવા ગયેલ....મનહરનાં ચહેરા સામે ...એ મૃત યુવાન નિર્જીવ પણ ફાટી આંખે જોઈ રહ્યો હતો.

જાણે, બંને એકબીજા ને ઓળખી ગયા હતા....!

આ એમ્બ્યુલન્સ વાળાના હૈયા ફાટ રૂદને...ભેગા થયેલા લોકો અને પોલીસના માણસો ને પણ હતપ્રભ કરી મૂક્યા હતા.

બાપ ની 'છેલ્લી ખેપ ' પૂરી થઈ ને...દીકરાની 'છેલ્લી ખેપ ' શરૂ થઈ હતી.. !


Rate this content
Log in

Similar gujarati story from Drama