છેડા - છૂટકો
છેડા - છૂટકો
" ઓ માં રે! મરી ગઈ રે ! " અંદર નાં ઓરડામાંથી રૂખીની ચીસો ને કણસવાનાં અવાજો હવે મોટા થતાં જતા હતા. જમુના દાયણે બહાર આવી ને કરસનને ખખડાવતા કહ્યું," એલા કરસનીયા, મેલ મારા રોયા! તન મી હું કીધું તું પાસ્લી વેળા, કે અવ રૂખી ને જીવવા દે મારા રોયા, તારા નહીબમાં સોરો સે જ નહીં, નકર ઉપરવાળો તન હાત - હાત વાર હું લેવા સોરીઓ આપે ? તારી સોરાની લાહ્યમાં ને લાહ્યમાં કોક દી રુખલીનો સુટકારો થાયી જાહે જન્દગીમાંથી !"
કરસન રડતાં રડતાં જમુના દાયણ ને પગે પડી ને વિનવવા લાગ્યો," એ હો ! જમુની બા, બસ આ આટલી કોર મારી રૂખલી ને સેડા સુટકો કરાવી દયો. ઉપરવાળાનાં હમ, અવ ઉં મારી રુખલી ને સોરા હારું કોઈ દી' એરાન નહિ કરું."
અને અંદરનાં ઓરડામાં કણસતી રુખલીએ એક મોટી દર્દનાક ચીસ પાડી ને એ સાથે જ નવજાતનો રડવાનો અવાજ સંભળાયો. આ સાંભળી ને અંદર દોડેલા કરસન અને જમુના દાયણે જોયું તો રૂખી નો કાયમ માટે છુટકારો થઈ ગયો હતો.
