ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 1
ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 1
'તોફાની સાગરમાં તૂટેલાં હોડકા'ની માફ્ક અસહ્ય દુઃખો સામે માથું ઊંચકી પ્રેરણાદાયક જીવન જીવેલા એક ચીની અપંગ બાળક ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત.
સાચા નિરાધાર માનવી માટે બળવાન હોવા છતાં જીવન જીવવું કઠિન છે. આ દુનિયામાં સાવ અપંગ હાલતમાં જન્મીને ક્રૂર પ્રતિકૂળ સંજોગો સામે ઝૂઝવું વિકટ છે. છતાં એક માનવીએ આવી પરિસ્થિતિમાં માત્ર જીવન જ જીવી બતાવ્યું નહિ, પણ એથીય અનેરું એક જીવંત દૃષ્ટાંત પૂરું પાડ્યું.હિંમત અને પૂર્ણ શ્રદ્ધાથી અસહ્ય દુઃખો સામે માથું ઊંચકી પ્રેરણાદાયક જીવન જીવેલા એક ચીની અપંગ બાળક ચેંગ-ફુંગ-સીનો લખાયેલો જીવનવૃતાંત - તોફાની સાગરમાં તૂટેલું હોડકું - A Leaky Boat in the Stormy Sea.
***
દાદાનું સાનિધ્ય અને તેમનું અવસાન
સ્ત્રી હંમેશાં માતૃત્વ વગર અપૂર્ણ છે. બાળકના જન્મથી સ્ત્રી પુલકિત બને છે. તેના હૈયામાં પોતાના સંતાન માટે અખૂટ વાત્સલ્ય ઊભરાઈ આવે છે. પણ... મારા માટે મારી માના હૃદયમાં કંઈક જુદો જ ભાવ ઉત્પન્ન થયો. હું એવી કમનસીબી સાથે જન્મ્યો હતો કે મારી મા મને જોઈને આઘાત અને શોકથી બેભાન બની ગઈ.
કારણ ?
હું વિકૃત પગો સાથે જન્મ્યો હતો. મારા બન્ને પગો ખૂબ પાતળા હતા અને ઢીંચણથી વળીને લબડતા હતા. મારી આ વિકૃતિ વિષે મારી માએ જાણ્યું કે તરતજ તેણે દાયણને કહ્યું, ''તેને મારી નાખો.'' તે જાણતી હતી કે આવું અસામાન્ય પ્રાણી કદી ચાલી નહિ શકે કે ર્નિંવાહ નહી કરી શકે. મારા ગામના ઘણાં સશક્ત માણસોએ ભિખારી બનવું પડ્યું હતું. ત્યારે મારા જેવાની તો શી હેસિયત ?
મારા દાદાએ આ ખળભળાટ સાંભળ્યો કે તરતજ મારા ખંડના બારણેથી બૂમ પાડીને કહ્યું, ''ભગવાન પણ એનો વાળ વાંકો નહિ કરે. તે તેનું નસીબ લઈને જન્મી છે. મોટી થતાં તેને લાયક પતિ મળી રહેશે.'' દાદા માનતા હતા કે બાળકી જન્મી છે. તે કારણે મા તેને દૂધ પીતી કરવા ઇચ્છે છે. પણ હું છોકરો છું તે જાણતાં જ તે મારા કમરામાં દોડી આવ્યા. મને પ્રેમથી ઊંચકી લીધો અને બોલ્યા, ''આ તો મારા ઘરનો ખજાનો છે. તેનાથી આપણું કુટુંબ સમૃદ્ધ બનશે. ઉંમરલાયક થશે ત્યારે તે એક અસામાન્ય વ્યક્તિ બનશે.''
ખરેખર, મારા દાદા મને ખજાનાની જેમ સાચવતા. મારા કમરાના બાજુના ખંડમાં સૂતા સૂતા તે મારા અવાજો સાંભળતા. તેમને ડર હતો કે મારી મા મને ભૂખે મારી નાખશે. તેઓ તેમના કમરામાં મને ઊંચકી જતા. તે મને રડતો જોઈ શકતા નહિ. હું રડું તો જાત જાતના અવાજો કરી મને હસાવતા.
દાદા તથા માની દેખરેખ હેઠળ હું મોટો થયો. દાદાને હવે હું ઓળખી કાઢતો. દાદા કહે ત્યાં હું ખંજવાળતો. ઘણીવાર દાદાની લાકડી પકડીને હું ચાલવા પ્રયત્ન કરતો, પણ તેમ કરવા જતા હું પડી જતો. ઘણીવાર વાંસને પકડીને ઊભા થવાનું મને દાદા કહેતા અને પ્રયત્નો પણ કરાવતા... પણ... હું અસહ્ય પીડાથી રડી પડતો. ઊભા રહેવાનું દર્દ હું સહન કરી શકતો નહિ.
દાદાના કમરામાં સમારકામ ચાલતું હતું. તે કમરાનું ભોંયતળિયું ૬૦ સેન્ટીમીટર જાડું બનાવવાનું હતું. લગભગ ડઝન જેટલાં બાળકો દાદાના કમરામાં ગાર કરવા પ્રયત્ન કરતાં હતાં. કેટલાંક બાળકો ખૂંદીને તો કેટલાંક ટીપીને ભોંયતળિયું ઘટ્ટ કરવા પ્રયત્ન કરતાં હતાં. મેં મારા કુલાથી ટીપીને ભોંયતળિયું ઘટ્ટ કરવા પ્રયત્ન કર્યાે. મારા દાદાએ આ જોયું ને તે ખૂબ દ્રવિત બન્યા. આંખમાં આંસુ સાથે તે બોલ્યા, ''મારા રતને સૌથી શ્રેષ્ઠ કામ કર્યું છે. તેણે જે ગાર કરી છે તે સૌથી વધુ ઘટ્ટ થઈ છે.''
ઘણીવાર હળવેકથી દાદાના હાથમાંથી હું સરકી જતો અને તેમના ખંડમાંથી બાળકોની દુનિયામાં રમવા ચાલ્યો જતો. બીજા બાળકો મને ચીડવતા ત્યારે દાદા મને ઊંચકી લેતા અને છાતી સરસો ચાંપી લેતા. દાદાના સહારે મારે હજુ ઘણો વિકાસ સાધવો હતો. પરંતુ... મનેસ્વપ્નેય ખ્યાલ નહોતો કે દાદા આટલા જલદી ચાલ્યા જશે!
એક રાત્રે કૂતરાઓ ખૂબ રડતા હતા. મેં મારી માને કહેતાં સાંભળ્યાં, ''દાદા પથારી પરથી પડી ગયા છે.'' બીજે દિવસે સાંજે મોટેરાઓને રડારોળ કરતાં મેં સાંભળ્યાં. કોઈએ મને આ રડારોળનું કારણ જણાવ્યું નહિ. પાછલી રાત્રે મેં દાદાને બેઠક ખંડમાં સફેદ ચાદરમાં પગથી માથા સુધી ઢંકાયેલા જોયા. તેમની સાથે વાત કરવા હું જવા લાગ્યો, પણ મારી મોટી બહેને મને ઊંચકી લીધો.
બીજે દિવસે ઘર આગળ એક પેટી લાવવામાં આવી. તેની આજુ બાજુ વડીલો ઘૂંટણીએ પડીને બેઠા. મા રડતાં રડતાં લથડિયાં ખાતી હતી. આ જોઈને હું પણ ચીસો પાડવા લાગ્યો.
દાદા મને છ વર્ષનો મૂકીને ચાલ્યા ગયા. તેમણે કોઈપણ જાતની અપેક્ષા વગર મને નિઃસ્વાર્થ પ્રેમ આપ્યા કર્યાે હતો. તેમની પાછળ તેઓ પોતાના પુત્રો અને પૌત્રો માટે માન અને સ્મૃતિઓ છોડી ગયા હતા. મારા માટે તેઓ આજે વીસ વર્ષથી ચાલ્યા ગયા છે. પણ... આજેય આંખો બંધ કરું છું ને મારાં માનસચક્ષુ સમક્ષ દાદાની મૂર્તિ ખડી થાય છે.
