Janakbhai Shah

Inspirational Others

3  

Janakbhai Shah

Inspirational Others

ચેંગ-ફુંગ-સી=૧૪

ચેંગ-ફુંગ-સી=૧૪

3 mins
7.2K


પાર્ટ-૧૪ સફળતા.

પ્રાથમિક સ્કૂલનો અભ્યાસ પૂરો થતાં મને બીજી ચિંતા થઈ આવી. મેં ઘણાને મારી જુનિયર મિડલ સ્કૂલ એન્ટરન્સ એક્ઝામીનેશન (પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા પછી મિડલ સ્કૂલમાં દાખલ થવાની પરીક્ષા)ની તકો વિષે પૂછ્યું હતું. મને વારંવાર એક જ જવાબ મળતો, ''તારી આ અપંગ અવસ્થામાં તું ક્યારેય આગળ અભ્યાસ કરી શકીશ નહિ.'' છતાં મારે તો મારું શિક્ષણ ચાલુ જ રાખવું હતું.

પરિણામ પછીના દિવસે હું પૂર્વ પ્રાથમિક વર્ગમાં અભ્યાસ કરવાની ગણત્રીએ મિડલ સ્કૂલમાં ગયો. આ વર્ગમાં ખાસ 'પ્રવેશ પરીક્ષા' અંગેની તૈયારીઓ કરવાની. ત્યાંના એક શિક્ષક વ્યવસાયિક માધ્યમિક સ્કૂલમાં ખેતીવાડી વિષયના વિદ્યાર્થી હતા. મને જોતાં જ તેમણે કહ્યું, ''એય, તું અહીંયાં શું કરવા આવ્યો છું.''

હું જવાબ આપું તે પહેલાં તો તેમણે બોલવાનું ચાલું રાખ્યું, ''તારે તારું જ્ઞાન વધારવું હોય તો તું નિશાળ ભરી શકે છે. પણ તું એમ માનતો હોય કે તું પરીક્ષા આપી શકીશ તો તું ભૂલ ખાય છે.''

''તમે એમ કેમ કહી શકો ?'' મારા એક મિત્રે પૂછ્યું. ''હું છાતી ઠોકીને કહું છું કે તે પાસ નહિ થાય. હું ખોટો ઠરું તો મારા કાન કાપી શકો છો.'' તેણે કહ્યું.

માએ પણ સાંભળ્યું હતું કે મને પરીક્ષાની મંજૂરી નહિ મળે. વળી અમારી પાસે પ્રાથમિક વર્ગની ફી પૂરતા પૈસા પણ ન હતા. આથી માએ ચોથા નંબરના ભાઈ સાથે તેનું કામ શીખવા જોડાવાનું કહ્યું. તે પતરાની ડોલો સાંધવાનું કામ કરતો હતો. અમારી પાસે સાંધવા માટે બે સીસાના પાઈપ, ઓજારોની થેલી, એક નાનો પ્રાયમસ અને હાઈડ્રોક્લોરીક એસીડની થોડી શીશીઓ હતી. રાત્રે હું બે ખુરશી ભેગી કરીને બનાવેલી પથારીમાં ટૂંટીયુંવાળી સૂતો અને નિશાળે જવાના સ્વપ્ન જોવા લાગ્યો.

એક વહેલી સવારે શ્રી લી. મારી આંખો સામે મૂર્તિમંત થયા. તે મને પૂછવા લાગ્યા. ''શા માટે તું શાળાના વર્ગોભરતો નથી ?''

મેં તેમને તેનું કારણ જણાવ્યું.

''બીજાની માન્યતાને આટલી બધી ઝડપથી સ્વીકારાય નહિ. તને પરીક્ષા આપવાની મંજૂરી ન મળે તો પણ તું વર્ગોભરીશ તો તારા માટે હિતકર છે.'' મૂર્તિમંત લી.એ કહ્યું.

મેં મારી માને શ્રી લી.એ પ્રેરેલ વાત કરી ત્યારે તેણે મારા અભ્યાસના ખર્ચ માટે ઊછીના પૈસા લઈને પણ ભણાવવાનું નક્કી કર્યું. મોટાભાગના તાસ મેં ભર્યા ન હતા. મને શંકા હતી કે મને પરીક્ષામાં બેસવા નહિ દે. પણ પરીક્ષાના દિવસે જ પેકિંગ મિડલ સ્કૂલના પ્રિન્સિપાલ સુ પેન હ્યુંગે કહ્યું, ''તે શારીરિક રીતે અપંગ છે તેથી શું થયું ? તેના ગુણ સારા છે. પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે મને આ વાત કરી ત્યારે હું ખુશખુશાલ થઈ ગયો.

જેલમાં સજા ભોગવતો કેદી છૂટવાના દિવસો ગણે તેમ હું પરિણામના દિવસની રાહ જોતો હતો. અંતે મારી ધીરજનો અંત આવ્યો. એક શિક્ષક સમાચાર-પત્ર હાથમાં લઈને મારા ઘરે આવ્યા અને કહ્યું, ''અભિનંદન. તું પ્રવેશ પરીક્ષામાં સફળ થયો છું. તેમણે મને સમાચાર પત્રમાં મારું નામ બતાવ્યું. અમારી શાળામાંથી અમે ફક્ત પાંચ વિદ્યાર્થી જ આ પ્રવેશ પરીક્ષામાં સફળ થયા હતા.

મિડલ સ્કૂલમાં જવા માટે બીજું વિકટ કાર્ય મારા માટે પૈસા એકઠા કરવાનું હતું. મા હંમેશા કરકસરથી રહેતી. તે લાકડાની ડોલ, સાવરણીને સમી કરી વાપરતી, ટોપલીઓ, ગરણી અને ખાવાના ઉપયોગમાં લેવાતી સળી તે જાતે બનાવતી. ઘણા ભાઈઓ લશ્કરમાં સેવા આપતા હોવાને કારણે હાલ અમારા દિવસો કઠિન હતા. તે ઉનાળામાં હું ફળો, મીઠાઈઓ, લોલીપોપ, અને રમકડાં વેચવા શેરીમાં નીકળી પડતો. માએ ઘરડી બકરીને વેચી દીધી. અમારા બન્નેના પ્રયાસથી જરૂર કરતાં વધુ પૈસા ભેગા થયા અને હું મારો અભ્યાસ ચાલુ રાખી શક્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational