ચેંગ-ફુંગ-સી=14
ચેંગ-ફુંગ-સી=14
14 શાળાના રમતના મેદાન પર કસરતના દાવ શીખવતો ચેંગ-ફુંગ-સી
એક વખત નિશાળ પૂરી થતાં ખરાબ તોફાનના કારણે સાઈકલ પર જવું મારા માટે મુશ્કેલ હતું. મારી મા મને ઊંચકીને લઈ જવા આવી હતી પણ મા મને હવે ઊંચકીને લઈ જાય તે મને પસંદ ન હતું. તે કરતાં તો ઘૂંટણીએ ચાલવું હું વધુ પસંદ કરતો. આ વિષે બોલા-ચાલી થતા હું મા પાસેથી ચાલતો થયો. મારા શિક્ષક શ્રીમાન લી.એ અમારો વાર્તાલાપ સાંભળ્યો. મને તેમણે કહ્યું, ''આવતી કાલથી મારી સાથે શિક્ષકોના ક્વાટર્સમાં રહેજે.''
નવી ગોઠવણ બરાબર થઈ. તેમના ઘરે શ્રી લી.એ મને 'ધ ફૉર ક્લાસીસ' કેવી રીતે યાદ કરવી અને રોજનીશી રાખવાનું શીખવ્યું. હું નિયમિત કસરત કરું છું કે નહિ તેની પણ તેઓ ખબર રાખતા. તેમને જાણ થઈ કે મેં મરઘાં ઊછેર્યાં છે અને શાકભાજી પણ ઊગાડ્યાં છે ત્યારે ક્વાટર્સની પછવાડેની જમીન સાફ કરાવી શાકભાજી માટેના ક્યારાઓ મારી પાસે તૈયાર કરાવ્યા. ક્યારાઓને નિયમિત પાણી પણ મારે જ પાવાનું હતું. ક્યારામાં ઊગેલા ઘાસને મારે જ ખેંચી કાઢવાનું હતું. કોઈક વખત તો તેમના પર મને ગુસ્સો આવી જતો. મને થતું કે શા માટે શ્રી લી. બીજા કોઈ શક્તિશાળી વિદ્યાર્થી પાસે આવું કામ નથી કરાવતા?
તે હંમેશાં મને કહેતા, ''તું ક્યારેય વિચારતો નહિ કે તું બીજા કરતા સહેજ પણ ઊતરતો છું. જે બીજા કરી શકે છે તે તું પણ કરી શકે છે. જે બીજા નથી કરી શકતા તે કરવા તારે બીજી રીત શોધી કાઢવી જોઈએ.''
એક વર્ષ પછી તેમની બદલી થઈ. તેમણે દર અઠવાડિયે એક લેખ અને દર બે અઠવાડિયે પત્ર લખવાનું મારી પાસેથી વચન લીધું હતું. મારાથી છૂટા પડતાં મારી પીઠ થાબડી માથા પર હાથ ફેરવી કહ્યું હતું, ''બહાદુર બનજે. સંજોગોને આધીન થઈને ક્યારેય તારી જાતને પાંગળી બનાવીશ નહિ.'' તેમના પત્રોમાં તે લખતા ''કાન્ફ્યુસીયસે સ્પ્રીંગ એન્ડ ઑટમ એનલ્સ પુસ્તકની પૂર્તિ નિરાશામાં લખી હતી. ત્સુ ચીઉ મીંગે ત્સુ ચૉન પુસ્તક અંધ થયા પછી લખ્યું. સન - ત્સુએ તેમની પાંગળી અવસ્થામાં 'ધ આર્ટ ઓફ વૉર'પુસ્તક લખ્યું; સુ-મા-ચી અને 'હિસ્ટોરીકલ રેકોર્ડઝ પુસ્તક તેમની અતિ દુઃખદ અવસ્થામાં લખ્યું હતું. મને આશા છે કે તું પણ તારામાં પડેલી શક્તિને બહાર લાવીને વિકસાવીશ.''
