Janakbhai Shah

Inspirational Others

3  

Janakbhai Shah

Inspirational Others

ચેંગ-ફુંગ-સી-૧૫

ચેંગ-ફુંગ-સી-૧૫

5 mins
7.2K


પાર્ટ-૧૫ સુખનો સૂર્યોંદય

છેલ્લી પરીક્ષા આપ્યા પછી હું મારી શાળાના ઇનામ વિતરણ સમારંભમાં હાજર રહેવા ઇચ્છતો ન હતો. મીનસીઉંગ હીલ પર રહેતા મારા પાંચમાં નંબરના ભાઈ સાથે હું રજા ગાળવા ઇચ્છતો હતો. ત્યાં રહી કૉલેજ પ્રવેશ માટેની પરીક્ષાની તૈયારી કરવી હતી. ત્યાં પહોંચ્યાને ત્રીજા દિવસે બાળકોના ઝૂંડ સાથે મોટો ભાઈ, ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો ભાઈ એકાએક ત્યાં આવી પહોંચ્યા. તેઓએ ઉત્સાહથી કહ્યું, તારી વાત 'ચાઈના ડેઈલી ન્યુઝમાં ગઈકાલે પ્રસિદ્ધ થઈ છે. ઘણાં લોકો તને કૉલેજના અભ્યાસ માટે મદદ કરવા ઇચ્છે છે. તને જોવા માટે તે બધા આવતી કાલે નિશાળે આવવાના છે. માટે જલદી જલદી ત્યાં પહોંચવા તૈયાર થઈજા.''

મારા ભાઈઓએ મને ટેકરી ઊતરતા ઊંચકી લીધો હતો. નીચે પહોંચી અમે ઘરે જવા રિક્ષા કરી. પવન ઠંડો હતો. ધીમો ધીમો વરસાદ પણ શરૂ થયો હતો. રિક્ષાની લાઈટના પ્રકાશમાં જમીન પીળી લાગતી હતી. શાંત વાતાવરણમાં રિક્ષાના પડઘા પડતા હતા. આજે હું અનેરો આનંદ અનુભવતો હતો. ચાઓ કાકાની કહેવત મુજબ મારા મનમાં આશાના સ્પંદનો જાગવા લાગ્યા હતા. અનેક નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે તે વાતની મને પ્રતિતિ થવા લાગી.

બે કલાક પછી અમે ઘરે પહોંચ્યા, ''મા, તું હજુ સુધી જાગે છે ?'' ઘરમાં પ્રવેશતાં જ માને જાગતી જોઈ મેં પૂછ્યું.

''મેં એક ઝોકું ખાઈ લીધું હતું.'' તેણે મલકાઈને કહ્યું. ''આવા ઉત્તેજનાભર્યા દિવસો ક્યારેય આવ્યા નથી. હમણાં જ કોઈક તારા પિતાજી પાસે અને મારી પાસે આવ્યું હતું. તે અમને તારી શાળાના ઇનામ વિતરણ સમારંભમાં હાજર રહેવા આગ્રહ કરતા હતા. પણ હું જવા ઇચ્છતી નથી.''

''કેમ ?''

''હું ક્યારેય આવા મોટા સમારંભમાં ગઈ નથી.''

''મા, ત્યાં કોઈ ઘણાં બધાં લોકો નહિ હોય.''

મારા પિતાજી એક કાગળનો ટુકડો મારી આગળ ધકેલી ગણગણ્યા, ''મને આ ભાષણ ગોખવાનું કહ્યું છે.''

હું હસવું રોકી શક્યો નહિ. તેઓ શા માટે ભાષણ ગોખાવવા ઇચ્છતા હશે ? ઘડિયાળમાં જોયું તો રાતના બે વાગી ગયા હતા. મેં કહ્યું, ''ચાલો, બે તો વાગી ગયા.હવે ઊંઘીશું ક્યારે ?'' મેં જોયું કે મારા માતા-પિતાની આંખો બંધ હતી. પણ તેઓ ઊંઘતા ન હતા.

બીજા દિવસે સવારે તેઓ વહેલા નીકળ્યા. હું બીજી મોટરમાં ગયો. પેકિંગ પહોંચ્યો ત્યારે સમારંભ માટે હું ઘણો વહેલો હતો. આથી હું પત્રકાર શ્રી તાઓને મળ્યો. તેમણે મને કહ્યું, ''તારી વાતનો પ્રચંડ પ્રત્યુત્તર સાંપડ્યો છે.''

તેમણે છાપામાં મારા વિષે લખેલ લેખ મને વંચાવ્યો. એક લેખના મથાળે મોટા અક્ષરે લખ્યું હતું. ''જન્મથી પાંગળા ચેંગ ફુંગ સી ની કુદરત સામે જીત.'' નીચેના પેટા લેખનું શીર્ષક હતું, ''ઘૂંટણીએ ચાલી મેળવેલી સફળતા.'' (સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય). આ લેખમાં મારા જીવનની અને મારા કુટુંબની વાત વર્ણવેલી હતી. તેમાં તે પણ હતું કે મારા ઘણા સહાધ્યાયીઓએ કૉલેજ માટેના અભ્યાસ અંગે દાન આપ્યું છે. અચાનક મને સમયનું ભાન થયું. પણ ઇનામ વિતરણ સમારંભ માટે હું મોડો પડ્યો હતો.

શાળાએ પહોંચતા બધા જ મને પ્રશ્ન પૂછીને ઘેરી વળ્યા, ''શા માટે તું હાજર ન રહ્યો ?'' પણ મારા વર્ગ પ્રતિનિધિઓએ મારું ઇનામ તૈયાર રાખેલું.

તેણે કહ્યું, ''પ્રિન્સિપાલ તારું નામ બોલ્યા ત્યારે બધા જ મુલાકાતીઓ તને જોવા માટે ઉત્સુક બન્યા હતા. તાળીઓના ગડગડાટથી આખો સભાખંડ ગાજી ઊઠ્યો હતો. પરંતુ તું ક્યાંય દૃષ્ટિગોચર ન થયો !''

''હા, તું ક્યા હતો તે તો કહે ?'' મારા પિતાજીએ અને માએ મને પૂછયું. થોડી પળ જવાબ દેતા હું ગુંચવાયો. છેવટે પત્રકારે રોકયો હતો તેમ જણાવ્યું ત્યારે તેમને નિરાંત થઇ. ઇનામમાં મને એક સુંદર ડાયરી અને કિંમતી ફાઉન્ટન પેન મળી હતી. પ્રિન્સિપાલ તાઈએ ડાયરીના પહેલા પાના પર લખ્યું હતું. ''પ્રગતિના શિખરો હિંમતથી સર કરનારને!'' ભોજન પછી પત્રકારોએ અમારા ફોટા લીધા. ફોટા લેતી વખતે મારી એક બાજુ મારા માતા-પિતા અને બીજી બાજુ મારા પ્રિન્સિપાલને ઊભા રાખ્યા હતા. બધું પુરું થતાં હું કૉલેજ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા ઘરે પાછો ફર્યાે.

એક દિવસ રાત્રે અચાનક પિતાજીના અવાજથી હું જાગી ગયો. તેમણે મને કહ્યું કે સુ ચીંગ – ચેંગ નામની વ્યક્તિ મારી વાત વાંચી તાઈપેઈથી આવે છે. તે મારા માટે વિનામૂલ્યે કૃત્રિમ પગ બનાવી આપવા તૈયાર છે.

પિતાજીએ મને જલદીથી ઊઠીને તૈયાર થવાનું કહ્યું. રીબર્થ આર્ટીફીસ્યલ લીમ્બસ ઇન્સ્ટીટ્યુટના શ્રી સુ. બહાર ટેક્સીમાં મારી રાહ જોતા હતા. ''અંદર કૂદી આવ.'' મને જોઈને કહ્યું.

''શું મને કૃત્રિમ પગ ફીટ થશે ? શું મારા પગ કાપવા પડશે ?'' હું એક શ્વાસે પૂછ્વા લાગ્યો.

પહેલાં અંદર તો આવ. તે બધું આપણે પછીથી વિચારીશું. તેમણે મૃદુ અવાજે જવાબ આપ્યો.

અમે પર્વત ઊતરી આવ્યા. પેકિંગ પહોંચતા રાતના બે વાગી ગયા. સૂતા પહેલા શ્રી. સુએ તેમનો ડાબો પગ કાઢ્યો. મને કલ્પના પણ ન હતી કે તેમનો એક પગ કૃત્રિમ હશે. હું અચંબો પામ્યો. મને ખાતરી થઈ કે હું પણ ઊભો થઈ શકીશ.

બીજે દિવસે સવારે અમે પ્રિન્સિપાલ તાઈની મુલાકાત લીધી. શ્રી સુએ તેમને કહ્યું, ''ચેંગના પગો ઘૂંટણથી એટલા બધા પાતળા છે કે કોઈપણ જાતના વાઢકાપ વગર કૃત્રિમ પગો બેસાડી શકાશે...'' અને.. હું ઘરે પાછો ફર્યાે.

ઘર છોડતાં પહેલાં મેં મારા મા-બાપને અને અમારા પૂર્વજોના દેવોને પ્રણામ કર્યા હતા. અગરબત્તી સળગાવીને ધૂપ કર્યા હતા. મારા મા-બાપે આનંદની સાથે આશીર્વાદ આપ્યા હતા. ''તારા પૂર્વજો તને સલામતી બક્ષે.''

પ્રથમ તો હું તાઈપેઈ કૉલેજ પ્રવેશ પરીક્ષા આપવા ગયો. પરીક્ષા આપી હું શ્રી. સુ.ને મળ્યો. તેમણે મારા પગો ચીવટથી તપાસ્યા અને મારા નબળા પગની કસોટી કરી. થોડા દિવસ પછી તેમણે મને કહેવરાવ્યું કે ડાબો પગ તૈયાર છે. જમણો પગ બનાવવો અઘરો છે. ઘણા જ પ્રયોગો પછી તેમણે જમણો પગ પણ બનાવ્યો.

પહેલીવાર એલ્યુમિનિયમ અને લોખંડના પગો પહેરતા મેં કાંઈક અનેરી લાગણી અનુભવી. જન્મથી ગુમાવેલાં પગો મને આજે મળ્યા હતા.

''ઊભો થા.'' શ્રી સુએ કહ્યું. હું સંભાળપૂર્વક ઊભો થયો. પણ વૃક્ષ પછડાય તેમ મેં સમતોલન ગુમાવ્યું અને પછડાયો. શ્રી સુએ અને તેના મદદનીશે મને ઊભો થવામાં મદદ કરી. મેં ધીમેથી ખુરશી પકડી યંત્રવત્ ઊભો રહેવા પ્રયત્ન કર્યાે.

હું પગલું પાડવા મથતો ત્યારે કોઈ સ્કેટીંગ શીખતા માણસ જેવો લાગતો. અથવા તો લાકડાની ઘોડીથી ચાલતી વ્યક્તિ જેવો હું લાગતો. શ્રી સુ.એ મને ટેકા માટે એક લાકડી આપી. પણ મારું પડવાનું તો ચાલુ જ રહ્યું. દિવસો સુધી હું નાના બાળકની જેમ પડતો અને ઊભો થતો ગયો. પણ એક દિવસ મેં લાકડી ફેંકી દીધી. ઘૂંટણીએ ચાલવાના દિવસોને હંમેશ માટે મેં અલવિદા કરી.

અચાનક હું ઘણો ઊંચો બની ગયો. મારા કૃત્રિમ પગો સાથે મારા નબળા પગોને અનુકૂળ રાખવા મારે મારા પાયજામા સામાન્ય પાયજામા કરતાં વધુ પહોળા રાખવા પડે તેમ હતા. પણ તે ધ્યાન ખેંચે તેમ ન હતા.

કૉલેજ પ્રવેશ પરીક્ષા પાસ કરી હું તાઈપાઈમા આવેલી નેશનલ ચુંગસીંગ યુનિવર્સિટીની સાંજની લૉ કૉલેજમાં જોડાયો. પહેલા સત્રની શરૂઆત પછી એક વિદ્યાર્થીએ મને એક દિવસ પૂછ્યું, ''પેલા ઘૂંટણીએ ચાલતા સહાધ્યાયીનું શું થયું ? તે આ વર્ષે આપણા વર્ગમાં દાખલ થવાનો હતો. પણ મેં તેને ક્યાંય જોયો નથી.....!

''હું જ તે સહાધ્યાયી.'' મેં કહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational