ચાદર
ચાદર
શહેર વચ્ચે એક મોટી દરગાહ હતી. આ દરગાહ પર જે રાહદાર આવે તે પોતાની મન્નત પૂરી થાય ત્યારે આવીને ચાદર ચઢાવે. આમ દરરોજ ચાદર ચઢતીને ચાદરનો ઢગલો થઈ જતો. રોજ ચઢવેલી ચાદર ક્યાં મૂકવી તે પ્રશ્ન સૌને મૂંઝવતો હતો. સમય જતાં દરગાહના સત્તાધીશોએ બજાર તરફ નજર દોડાવી. આ ચાદરનો દરગાહના સત્તાધીશો ચોરીછૂપીથી ખાનગીમાં વેપાર કરતા હતાં. ચાદર દરગાહથી રાત્રે બજારમાં પહોંચી જતી ને વેચાતી થઈ ગઈ.
દરગાહ પાસે જ એક ફકીર અને તેના પત્ની રહે. ઉપર આભ નીચે ધરતી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય ઘરનું ઘર એટલે આ દરગાહનો ઓટલો. શિયાળાની કડકડતી ઠંડી. પવનના સૂસવાટા કહે મારું કામ. બસ જીવ સટોસટ ટાઢ. ફકીર અને તેની પત્ની આવી ઠંડીમાં એકબીજાની હૂંફથી જીવતાં હતાં. એક એક ટંક માંગીને ખાતા અને આયખું પૂરુ કરવાની ખેવના રાખતાં. ખુદા જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી જીવવાની અને મોત મળે તો મરવાની ચાહ હતી.
એકવાર ફકીર બિમાર પડ્યા. ન ઉઠાય કે બેસાય. પડ્યા પડ્યા રિબાતા. એકાદ અઠવાડિયાથી બિમારી ઘર કરી ગયેલી ઠંડી જીવ લે તેવી હતી. એક લુંગી હતી તે પણ ફાટેલી હતી. થર થર કાંપતા અને ધ્રૂજતા હતાં. લુંગી સામે ટાઢનું જોર ઝાઝું હતું. સવાર થયું પણ ફકીરની આંખ ખુલી નહીં. ચાદરના ઢગલાથી થોડેક દૂર ફકીરની લાશ ટૂંટિયુંવાળીને પડી હતી.
