બર્થ ડે ગિફ્ટ
બર્થ ડે ગિફ્ટ


રાકેશ પોતાની કરીયાણાની દુકાને બેસેલો હતો, અને આજના આખા દિવસનો હિસાબ કરી રહ્યો હતો, એવામાં રાકેશનો ફોન રણક્યો, આથી રાકેશે મોબાઇલની ડિસ્પ્લે પર નજર કરી, તો ડિસ્પ્લે પર લખેલું હતું...."હોમ" આથી રાકેશે પોતાની પત્ની ધારાનો કોલ હશે એવું વિચારીને કોલ રિસીવ કર્યો.
"હેલો ! પપ્પા ! હું તમારી પ્રિન્સેસ ચાર્મી બોલું છું....! તમે તમારા કામમાં મારો બર્થ ડે પણ ભૂલી ગયાં...!" - સામેની તરફથી રાકેશની દીકરીનો ચાર્મીનો કાલી- ઘેલી ભાષામાં અવાજ સંભળાયો.
"ના ! મારી પ્રિન્સેસ ! એવું કંઈ નથી...મને મારી પ્રિન્સેસનો બર્થ ડે હોય અને મને યાદ ના હોય એવું બનતું હશે કોઇ દિવસ....મને પાક્કું યાદ છે કે આજે મારી પ્રિન્સેસનો બર્થ ડે છે." - રાકેશે પોતાનો બચાવ કરતાં કહ્યું.
"તો ! મારી બર્થ ડે ગિફ્ટ....?" - બાળ સહજ ઝીદ્દ પકડતાં ચાર્મી બોલી.
"હા ! બેટા ! મેં તારી બર્થ ડે ગિફ્ટ લઈને જ રાખી છે, આપણી દુકાને...!" - રાકેશે પોતાની દીકરી ચાર્મીને ખુશ રાખવાં ખોટું બોલ્યો.
"સારું ! પપ્પા ! તો જલ્દી જલ્દી ઘરે આવો...તમારી પ્રિન્સેસ તમારી રાહ જોવે છે..!" - આટલું બોલી રાકેશે કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
આથી રાકેશે ઝડપથી પોતાની દુકાનનો હિસાબ પતાવીને, દુકાન બંધ કરી, અને ચાર્મી માટે ગિફ્ટ લેવાં બજારમાં ફર્યો. લગભગ એકાદ કલાક ફર્યો છતાંપણ પોતાની દીકરી ચાર્મી માટે શું ગિફ્ટ લેવી એ નહોતું સમજાય રહ્યું. અંતે તેણે એક દુકાનેથી ગિફ્ટ ખરીદી.
રાકેશ ઝડપથી એ ગિફ્ટ લઈને પોતાનાં ઘરે જવાં માટે રવાનાં થઈ ગયો, મોડું થઈ ગયું હોવાથી રાકેશે પોતાનાં બાઇકની સ્પીડ વધારી, આ દરમ્યાન રાકેશની બાઇક એકાએક કાર સાથે અથડાઈ.
રાકેશ જમીન પર પડી ગયો, ઘણી બધી ઇજાઓ પણ થઈ, કારમાંથી એક કપલ ઉતર્યું, અને રાકેશ પાસે આવ્યાં અને એમ્બ્યુલન્સને કોલ કર્યો, થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ, રાકેશને જ્યારે એમ્બ્યુલન્સમાં લઇ જઇ રહ્યાં હતાં, એ દરમ્યાન, રાકેશે પોતાની પાસે પડેલ બેગમાંથી એક નાની બેગ બહાર કાઢીને, પેલાં કપલને આપતાં કહ્યું કે.
"મારી ! તમને એક આજીજી છે કે આજે મારી લાડકી દીકરીનો બર્થ ડે હોવાથી મેં તેનાં માટે આ ગિફ્ટ ખરીદી છે, અને એ મારી રાહ જોઈ રહી છે...તો તમે આ ગિફ્ટ મારી દીકરી સુધી પહોંચાડી આપો, અને એ મારા વિશે પૂછે તો તેને કહેજો કે તારા પપ્પાને એક અગત્યનું કામ આવી ગયેલ હોવાથી એ બહાર ગામ ગયેલાં છે...!" - પોતાનાં ઘરનું સરનામું અને બેગ આપતાં રાકેશ બોલ્યો.
એકબાજુ એમ્બ્યુલન્સ રાકેશને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ અને આ બાજુ પેલું કપલ રાકેશે આપેલ બેગ લઈને રાકેશનાં ઘરે જવાં રવાનાં થયું, થોડીવારમાં તેઓ રાકેશનાં ઘરે પહોંચી ગયાં, કારનો અવાજ સાંભળીને ચાર્મીને પોતાનાં પિતા આવ્યાં હશે, એવું લાગ્યું આથી તે દોડતાં - દોડતાં ઘરનાં ગેટ સુધી પહોંચી, પરંતુ પેલા અજાણ્યા કપલને જોઈને એ એકાએક અટકી ગઈ....!
ત્યારબાદ પેલું કપલ રાકેશના ઘરમાં પ્રવેશ્યું અને રાકેશે આપેલ બેગ આપતાં કહ્યું કે
"બેટા ! તારા પપ્પાને એક અગત્યનું કામ આવી ગયેલ હોવાથી એ બહારગામ ગયાં છે, અને આ ગિફ્ટ તારા માટે મોકલાવેલ છે....!"
આથી ચાર્મીએ દોડીને તે બેગ લઈ લીધી, અને ઝડપથી પેલી ગિફ્ટ ખોલવા લાગી....એ ગિફ્ટ ખોલતાની સાથે જ ચાર્મી ઝૂમી ઉઠી... કારણ કે એ ગિફ્ટમાં "ઝાંઝર" હતાં, એકસમયે ચાર્મીએ એ જ ઝાંઝર લેવાં માટે ખુબજ જીદ કરી હતી....આ જોઈ ચાર્મીનાં આનંદનો કોઈ પાર ના રહ્યો, અને એ ઝાંઝર પગમાં પહેરીને "ખન - ખન" કરતી આખા ઘરમાં દોડા-દોડી કરવાં લાગી.
ત્યારબાદ પેલા કપલે રાકેશની પત્ની ધારાને આખી ઘટનાં વિશે સવિસ્તાર જણાવ્યુ અને રાકેશનો પોતાની દીકરી પ્રત્યેનો આટલો અપાર અને અનહદ પ્રેમ જોઈ બનેવની આંખોમાં આંસુ આવી ગયાં.