Abid Khanusia

Drama Thriller

3  

Abid Khanusia

Drama Thriller

બરફના અંગારા

બરફના અંગારા

7 mins
523અંજલી બે વર્ષથી નિખિલના પુત્ર હર્ષને ટ્યુશન આપતી હતી. નિખિલને અંજલીના કામથી સંતોષ હતો પરંતુ અંજલી હમેશાં ઉદાસ રહેતી હોઈ તેણે એક દિવસે અંજલીને કહ્યું, “ અંજલીબેન, આમ તો હું કોઈના અંગત જીવનમાં માથું મારતો નથી પરંતુ તમારી સતત ઉદાસીને કારણે તમને પૂછું છું કે જો તમારે કે તમારા કુટુંબમાં કે તમારા પતિને કોઈ સમસ્યા હોય તો મને જણાવજો. શક્ય હશે તો હું તમને મદદરૂપ થઈશ ” તેણે આગળ ઉમેર્યું,” જો તમારે તમારી અંગત વાત મને ન જણાવવી હોય તો મારું કોઈ દબાણ નથી.”   


અંજલીની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું ,” સર, મારા જીવનમાં દુ:ખોનો કોઈ પાર નથી. સતત દુઃખોથી ઘેરાયેલી હોવાથી મારા ચહેરા પર હમેશાં ઉદાસી છવાએલી રહે છે. તે આગળ બોલી. “ હું રોહતકની છું. મારા અને અભિલાષના પ્રેમલગ્ન હતા. અમે જે. એન. યુ. માં સાથે ભણતાં હતા તે દરમ્યાન અમારી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. અમારી જ્ઞાતિ જુદી જુદી હોવાથી વડીલો અમારા લગ્નની મંજુરી નહી આપે તેમ માની અમે બંનેએ વડીલોની ઉપરવટ જઈ પ્રેમ લગ્ન કરી લીધા હતા. અભિલાષ દેહરાદુન સ્થિત “ઇન્દીરાગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી”માં ટ્રેની ઓફિસર હતા. અભિલાષના અને મારા વડીલોએ નારાજ થઇ અમારી સાથેના તમામ સબંધો કાપી નાખ્યા હતા. મેં પ્રથમ પ્રસુતિમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. 


અભિલાષને અન્ય ટ્રેની ઓફિસર્સ સાથે સરકારે એક માસ માટે ટ્રેનીંગ માટે વિદેશ મોકલ્યા હતા. તેમના વિદેશ ગમનના બીજા દિવસે હું ચેઈન્જ માટે મારી બહેનપણીને મળવા “મસુરી એક્ષ્પ્રેસ” મારફતે દિલ્હી આવતી હતી ત્યારે તે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. મને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. મને “એમ્સ” ( AIIMS) દિલ્હીમાં દાખલ કરવામાં આવી હતી. હું એક વર્ષ કોમામાં રહી. સાજી થયા બાદ હું દેહરાદુન પહોંચી તો અભિલાષની ઓફીસમાંથી જાણવા મળ્યું કે ટ્રેનના અકસ્માતના સમાચાર જાણી અભિલાષ વિદેશથી તુર્તજ પરત આવી ગયા હતા અને મારી તથા અમારી પુત્રીની ખુબ શોધ કરી હતી પરંતુ તેમને અમારી કોઈ ભાળ ન મળતાં અમે મૃત્યુ પામ્યા હોઈશું તેવું તેમણે માની લીધું હતું. અભિલાષને વિદેશમાં કોઈ સારી નોકરીની ઓફર મળતાં તે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી વિદેશ ચાલ્યા ગયા છે. પરંતુ તે કયા દેશમાં કે શહેરમાં છે તેની કોઈ જાણકારી મને તેમની ઓફિસેથી મળી ન હતી. ” નિખિલ શાંત ચિત્તે અંજલીને સાંભળી રહ્યો હતો.


થોડીવાર શાંત રહી અંજલી આગળ બોલી,” અભિલાષના માતા પિતા પાસેથી મને કોઈ જાણકારી મળશે, તેમ માની હું ત્યાં પહોંચી તો તેમણે મારું આપમાન કરી મને કાઢી મૂકી. મારા પિયરમાં હું ગઈ તો અમારું ઘર વેચાઈ ગયું હતું. મને જાણવા મળ્યું કે મારી માતાનું અવસાન થઇ ગયું હતું અને મારા પિતા મારા ભાઈ સાથે રહેવા બેંગ્લોર ચાલ્યા ગયા હતા. આમ ચોતરફી મુશીબતોથી ઘેરાયેલી હું દિલ્હી આવી આજીવિકા માટે ગ્રુપ ટ્યુશન ક્લાસમાં જોડાઈ છું. મારી પુત્રી અને મારા પતિ ક્યારેક જરૂર મળશે તે આશાએ હું જીવી રહી છું.” અંજલી પોતાની વાત પૂરી કરી માથું નીચું કરી રડી પડી. 

નિખિલે નોકરને અંજલીને પાણી આપવા કહ્યું અને તેના રૂમમાં ગયો. અંજલી સ્વસ્થ થઇ તે દરમ્યાન તે એક નાનકડી પોટલી લઇ આવ્યો અને અંજલી સમક્ષ મૂકી તેને ખોલવા કહ્યું. અંજલી અસમંજસમાં હતી. તેણે નિખિલ સામે પ્રશ્નાર્થ દ્રષ્ટીએ જોયું એટલે નિખિલે પોતે જ તે પોટલી ખોલી. તેમાં ગુલાબી રંગનું એક બાબા શૂટ, વાદળી રંગની નાની નીકર, લાલ રંગના બે નાના બુટ, સફેદ મોજા તેમજ એક નાનો હેટ હતા. આ સામગ્રી જોઈ અંજલી તે વસ્તુઓને હાથમાં પકડી ગાંડાની માફક છાતી સરસી ચાંપી રડવા માંડી. તે રડતાં રડતાં બોલી,” સર, આતો મારી પિહુના કપડાં છે. હું આ જ કપડાં પિહુને પહેરાવીને ટ્રેનમાં બેઠી હતી. સર તમને આ કપડાં ક્યાંથી મળ્યાં, ક્યાં છે મારી પિહુ, પ્લીઝ સર, બોલોને ક્યાં છે મારી પિહુ ?” અંજલી મોટેથી રડી પડી. 


નિખિલે અંજલીને રડવા દીધી. અંજલી સ્વસ્થ થઇ એટલે નિખિલે કહ્યું, “ અંજલીબેન, હું પણ તે કમનસીબ દિવસે “ મસુરી એક્ષ્પ્રેસ” માં મારા પુરા પરીવાર સાથે મુસાફરી કરતો હતો. તે અકસ્માતમાં મેં પણ મારા માતા પિતા, પત્ની અને પુત્રીને ગુમાવ્યા છે” અંજલી ઉદાસ થઇ ગઈ અને બોલી, “સર, આ કપડાં આપની તે નાની દિકરીના છે ? સોરી સર, મારી દીકરી પિહુ એ પણ આવાજ કપડાં પહેરેલા હતા એટલે હું ભાવનામાં વહી ગઈ હતી. પ્લીઝ, મને માફ કરજો."


નિખિલે કહ્યું. ” અંજલી બેન, પહેલાં મારી પૂરી વાત સાંભળી લો. રેલ્વે અકસ્માત પછી હું કેટલીક કાનૂની વિધિ પૂરી કરવા જયારે પોલીસ સ્ટેશને પહોચ્યો ત્યારે અકસ્માતમાંથી હેમખેમ બચી ગયેલી અંદાજે એક વર્ષની બાળકી માટે અધિકારીઓ પરેશાન હતા. તે બાળકીના કોઈ વાલી વારસ મળતા ન હતા. સમાચાર પત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી અને ભારતના તમામ પોલીસ સ્ટેશનોમાં તેના ફોટા મોકલી તેના વાલી વારસોને શોધવાના પ્રયત્નો થઇ રહ્યા હતા પરંતુ કોઈ સફળતા મળી ન હતી. આટલી નાની બાળકીને સાચવવાનો વિકટ પ્રશ્ન હતો તેથી બાળકીને અનાથ આશ્રમમાં મુકવાનો નિર્ણય લેવાયો હતો. તે નાની બાળકીનું નિર્દોષ હાસ્ય જોઈ મને અકસ્માતમાં મુત્યુ પામેલી મારી પુત્રી યાદ આવી ગઈ. જયાં સુધી બીજી વ્યવસ્થા ન થાય ત્યાંસુધી તે બાળકીને મારી પાસે રાખવાની મેં તૈયારી દર્શાવી. પોલીસ સ્ટેશનના સત્તાવાળાઓએ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીનો હવાલો મને સોંપ્યો. હું તે બાળકીને મારા ઘરે લઇ આવ્યો. ઘરમાં નોકર ચાકરો હોવા છતાં મેં તેજ દિવસે તેની દેખભાળ અને સંભાળ રાખવા માટે એક આયાને નોકરીએ રાખી લીધી. મારી મૃત પુત્રીની યાદગીરી તાજી રહે તે માટે મેં તેના નામ પરથી તે બાળકીનું નામ જયોતિ રાખ્યું છે.”

ફરીથી અંજલીની ધીરજનો બાંધ તૂટી ગયો. તે બોલી “ સર, કયાં છે મારી પુત્રી ? મારે તેને મળવું છે. પ્લીઝ સર, કહોને કયાં છે મારી દિકરી ?”. નિખિલે સ્વસ્થતાથી આગળ કહ્યું ,” અંજલી બેન, હું બાળકીને લાવ્યો અને તેના માટે આયા પણ રોકી તેમ છતાં મારા ઘરમાં કોઈ સ્ત્રી ન હોવાથી તેને સંભાળવામાં મુશ્કેલીઓ પાડવા માંડી એટલે મારી બહેન સુષમા તેને ઉછેરવા લઇ ગઈ છે. સુષમાને જયપુર પરણાવી છે. હવે તો જયોતિ સિનિયર કે.જી.માં અભ્યાસ કરે છે. દર મહિનાના છેલ્લા રવિવારે સુષમા તેને લઈને અહીં આવે છે પરંતુ આ વખતે તેમના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી તે આવી શકે તેમ નથી માટે જયોતિને મળવા હું જયપુર જવાનો છું. તમે આ રવિવારે મારી સાથે જયપુર આવજો.” અંજલિ રવિવારની ખૂબ આતુરતા પૂર્વક રાહ જોવા લાગી. 


રવિવારે નિખિલ અને અંજલી કાર મારફતે જયપુર આવી પહોંચ્યા. સુષમાના ઘરમાં લગ્નનો માહોલ જામેલો હતો. સુષમાનું મહેલ જેવડુ ઘર મહેમાનોથી ભરચક હતું. જયોતિ જાણે નિખિલની રાહ જોઈ રહી હોય તેમ નિખિલને જોઈ “પાપા પાપા” કહેતી તેને વળગી પડી.અંજલી સમજી ગઈ આ તેની જ દીકરી છે. જયોતિ નિખિલથી અળગી થઇ એટલે અંજલીએ તેને પોતાની પાસે ખેંચી તેના ચહેરાને હાથમાં પકડી ચુંબનોથી નવરાવી નાખી. જયોતિ કોઈ અજાણી સ્ત્રીને જોઈ મૂંઝાઈ ગઈ અને અંજલીથી બળ પૂર્વક છૂટી પડી અને સુષમા ફોઈને વળગી પડી. સુષમા, નિખિલ અને અંજલીને બીજા રૂમમાં દોરી ગઈ. સુષમા અને તેના પતિ રાજસિંહે નિખિલ પાસેથી અંજલિની દુખદ વાત જાણી. એટલામાં એન.આર.આઈ. મુરતિયાની જાન આવી ગઈ. સુષમા અને તેના પતિ રાજસિંહ અન્ય સૌ કુટુંબી જાણો સાથે જાનૈયાઓની આગતા સ્વાગતામાં જોડાઇ ગયા. 


અંજલી જ્યોતિને વહાલથી પોતાની બાથમાં લઇ જાનૈયાઓને જોઈ રહી હતી ત્યારે જાનૈયાઓમાં એક પરિચિત ચહેરો તેને નજર પડ્યો. તે લપકીને તેના પાસે પહોંચી ગઈ. અભિલાષ અંજલીને જોઈ દિગ્મૂઢ થઇ ગયો !. અંજલી તેને વળગીને રડવા માંડી પરંતુ અભિલાષ કાષ્ઠના પૂતળાની જેમ ઠરી ગયો હતો. તેના માટે આ ખુબ અકલ્પનીય હતું. તેણે અંજલીને જીવતી જોવાની આશા રાખી જ ન હતી. થોડીવાર પછી અંજલી અભિલાષથી છૂટી પડી. અભિલાષ હજુ પણ કોઈ પ્રતિભાવ આપતો ન હતો. એક યુરોપિયન બાઈ અભિલાષની બાજુમાં આવી ઉભી રહી અને અંજલીને વિચિત્ર નજરે જોવા લાગી. અભિલાષ ભલે કંઈ ન બોલ્યો પરંતુ અંજલી બધું સમજી ગઈ. તે દોડીને એક રૂમમાં ભરાઈ ગઈ.  


અભિલાષ ખુબ ક્ષોભિત ચહેરે એક ગુનેગારની જેમ અંજલી પાસે આવ્યો. અંજલી હજુ રડતી હતી. અભિલાષ અંજલીને ઉદ્દેશીને બોલ્યો,“ અંજલી મેં તમારી ખુબ તપાસ કરી હતી પરંતુ મને તમારા કોઈ સમાચાર મળ્યા નહતા. હું પછી ફ્રાંસ ચાલ્યો ગયો હતો, ત્યાં મેં લ્યુસી સાથે.......... “ તે વાક્ય પૂરું ન કરી શક્યો. 

અંજલી વિફરી “ અભિલાષ તમે એ પણ ભૂલી ગયા કે આપણે સાથે જીવવા મરવાના કોલ દીધા હતા !. અરે તમારા હદયમાં મારા પ્રેમના પડઘા પણ ન પડ્યા ? મારું દિલ રોજ પોકારતું હતું કે તમે મને એક દિવસ જરૂર મળશો. તમે...તમે.... આટલા પથ્થર હદય કેવી રીતે બની શકયા?, તમને મારા ચૂડી ચાંલ્લાનો પણ વિચાર ન આવ્યો. અરે ગુમ થયેલી વ્યક્તિને મૃત જાહેર કરવા કોર્ટ પણ સાત વર્ષની રાહ જુએ છે, તમે એક વર્ષ પણ મારી રાહ ન જોઈ શકયા? તમને આપણી દિકરી પિહુનો પણ ખ્યાલ ન આવ્યો ?” અંજલી આંસુ લુછી બોલી,” તમને શું દોષ દઉં ? કદાચ મારો પ્રેમ ઉણો ઉતાર્યો હશે !!”.


અભિલાષ કોઈ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો. સુષમાએ અંજલીને આશ્વાસન આપ્યું. જયોતિ ડઘાઈ ગઈ હતી. અભિલાષ પોતાની પુત્રીને પ્રેમ પણ ન કરી શક્યો. વાતાવરણ ગમગીન હતું. એકદમ લ્યુસી અંદર ધસી આવી અને અભિલાષનો હાથ પકડી ખેંચવા માંડી. તેણે  જતાં જતાં નિખિલ સામે ઈશારો કરી અંજલીને કહ્યું, “ ગેટ મેરિડ ટુ યોર લવિંગ ગાય.....!!!”  

એ ફિરંગી બાઈ ચૂડી ચાંદલાની, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની કિંમત શું સમજે ...? !! લ્યુસીના શબ્દો બરફના અંગારા બની તેને દજાડવા લાગ્યા. અંજલીએ લ્યુસીને કોઈ જવાબ ન આપ્યો પરંતુ રડમસ આવાજે તેણે અભિલાષને કહ્યું, “ અભિલાષ, તમારા નામની ચૂડી અને ચાંદલાનું હવે મારે શું કરવાનું છે તેની સ્પષ્ટતા કરો. “ 


અભિલાષને લ્યુસીનો જાનવરો જેવો વહેવાર બિલકુલ ન ગમ્યો. તેને લ્યુસી પર ખુબ દાઝ ચઢી. તે એકદમ ધુંધવાઈ ઉઠ્યો. અંજલીનાં શબ્દો “ અભિલાષ, તમારા નામની ચૂડી અને ચાંદલાનું હવે મારે શું કરવાનું છે તેની સ્પષ્ટતા કરો“ તેના મગજ પર સખત પ્રહાર કરતા હતા. તેણે પોતાના મગજ પરનો કાબુ ગુમાવી દીધો અને બળપૂર્વક લ્યુસીને ખેંચી થોડેક દુર લઇ જઈ તેના ગાલ પર એક તમતમતો તમચો ચોડી “ યુ બીચ' ! ” કહી લ્યુસીને ધૃણાપૂર્વક એક ધક્કો માર્યો. લ્યુસી નીચે પડી ગઈ તેની પરવા કર્યા વિના અભિલાષ જયોતિને ઊંચકી અંજલી પાસે આવ્યો અને તેને તેના બાહુપાશમાં સમાવી લીધી. બરફની મૂર્તિ બનેલી અંજલી અભિલાષની બાહોમાં ધીમે ધીમે ઓગળવા લાગી.Rate this content
Log in

Similar gujarati story from Drama