બંધન-મુક્તિ
બંધન-મુક્તિ
ઝરૂખામાં બેસીને પ્રકૃતિની લીલા નિહાળી રહેલા પ્રીતેશ પાસે આવીને તેને રીતસરનો હચમચાવી નાખતાં અમરે કહ્યું: "પ્રીતેશ, આ હું શું સાંભળી રહ્યો છું. તારી બહેન આશા મળી હતી ને કહેતી હતી કે ભાભી તને છોડીને જતા રહ્યાં છે. તમારા તો પ્રેમ લગ્ન હતાં અને કેટલો બધો પ્રેમ તમારા બે વચ્ચે હતો. તમારી જોડીનાં તો યુવાન હૈયાઓ દાખલો લેતાં હતાં. અચાનક આ શું થઈ ગયું?
આશા કહેતી હતી કે સાંજે રૂમમાંથી બેગ લઈને બહાર આવીને ભાભીએ કહ્યું "પ્રીત, મને તમારા માટે ખૂબ માન છે પણ કોને ખબર કેમ હું આપણા પ્રેમથી સંપૂર્ણ સંતુષ્ટ નથી. નિખાલસતાથી
કહું તો મને બીજા એક પાત્રથી પ્રેમ થઈ ગયો છે ને હું તેની સાથે નવેસરથી જિંદગી જીવવા ચાહું છું. હું આ ઘર છોડીને જાઉં છું".
આ સાંભળીને તેં શાંતિથી કહ્યું "તું એ પાત્ર સાથે ખુશ રહી શકતી હોય તો ખુશીથી જા. મારી ખુશી તો તારી ખુશીમાં જ છે. લે, આ તિજોરીની ચાવી. તારે જે જોઈતું હોય તે લઈ લે. હા, કદાચ કોઈ
સંજોગોમાં તને ત્યાં ન ફાવે તો મારા ઘરનાં અને દિલનાં દરવાજા તારે માટે ખુલ્લાં જ છે. તેં કેમ આવું કર્યું? ભાભીને રોકવાને બદલે અને મનાવી લેવાને બદલે તેં એને જવા કેમ દીધાં? "
પ્રેમની પવિત્રતાથી પ્રદીપ્ત ચહેરા સાથે પ્રીતેશે કહ્યું " અમર, મેં એને જવા દીધી કારણ કે હું એને ખૂબ જ પ્રેમ કરૂં છું. પ્રેમ એ કોઈ બંધન નથી. પ્રેમ એ કોઈ બેડી નથી કે જેમાં બે દિલ કેદ થઈ જાય. પ્રેમ એ તો મુક્તતાનો અહેસાસ છે. શું અલગ રહીને પણ દિલથી સાથે ન રહી શકાય?".
પ્રીતેશના જવાબથી અમરની આંખમાં આંસુ આવી ગયાં.
વાતાવરણ પ્રેમનાં પરિમલથી મહેંકી ઉઠ્યું.
