Shalini Thakkar

Tragedy

4.5  

Shalini Thakkar

Tragedy

બંધ બારી

બંધ બારી

4 mins
276


સવારના ૬:00 વાગ્યા એટલે હંસાબા પલંગ પર બેઠા થઈને પોતાના રૂમની બારી ખોલી. બારી ખોલવા નો અવાજ આવ્યો એટલે તરત જ બાજુમાં રહેતા મીનાબેન, રોજની જેમ પોતાનું આંગણું સાફ કરતા કરતા બા ને જોઈને બોલ્યા,"જયશ્રીકૃષ્ણ બા". હંસાબા પણ જાણે બારી ખોલતાં જ મીનાબેનના અભિવાદનની રાહ જોતા હોય એમ તરત જ વળતો જવાબ આપ્યો,"જયશ્રીકૃષ્ણ બેટા". અને પછી શરૂ થયો બા નો નિત્યક્રમ ! થોડી જ વારમાં યુનિફોર્મ પહેરીને સ્કૂલ જતા સોસાયટીના બાળકો એક પછી એક ત્યાંથી પસાર થતા ગયા અને બારી પાસે બેસેલા હંસાબા તરફ નજર કરી અને એમને જય શ્રી કૃષ્ણ કહીને ત્યાંથી પસાર થવા માંડ્યા. અને આમ હંસાબાની બારીની બહારની દુનિયાંમા ચહેલ પહેલ શરૂ થઈ ગઈ.

નંદનવન સોસાયટીના બંગલા નંબર ૧ અને એના એન્ટ્રન્સ તરફ હંસાબાના બેડરૂમની બારી એટલે જાણે એ સોસાયટીનું ટોલનાકુ. સોસાયટીમાંથી બહાર જતા કે અંદર પ્રવેશ કરતા દરેક સભ્યની નજર એ બારી તરફ અચૂક પડતી અને ત્યાંથી પસાર થતા પહેલા બધા જ એ બારી પર ટોલ ટેક્સ ભરે એટલે કે હંસાબા ને 'જયશ્રીકૃષ્ણ' કરીને જ આગળ વધે. પછી એ સ્કૂલ જતા બાળકો હોય કે પછી કોલેજ જઈ રહેલા વિદ્યાર્થીઓ હોય, ઓફિસ જતા આવતા અન્ય સભ્ય હોય કે પછી બજાર ખરીદી કરવા જઈ રહેલી ગૃહિણીઓ હોય, દરેક જણ એ બારી પર પોતાની હાજરી અચૂક પૂરાવે. વેકેશન કરવા પિયર જતી સોસાયટીના કોઈ ઘરની વહુુ હોય કે પછી સાસરેથી વેકેશન કરવા આવેલી કોઈ દીકરી હોય, બારી પાસે બેસેલા બા ના આશીર્વાદ લેવાનું ના ચૂકે. અનેે જો ઉતાવળમાં ક્યારેક કોઈ હાજરી પૂરાવવાનું ચૂકી જાય તો બા મીઠો ટોણો મારવાનું ન ચૂકે કે હા ભાઈ હવે અમેે ઘરડાં થયા. અમને મળ્યા કે ના મળ્યા શું ફરક પડે ? આજે છીએ ને કાલે નથી. અને જ્યારે નહીં હોઉં ને ત્યારેે મારી કિંમત સમજાશે, કે આ ભાગદોડની દુનિયામાં કોઈક તો હતું જે અમને પૂછતું હતું.... અને પછી હસી પડતા.

હંસાબા આમ તો વર્ષોથી એટલા જ રહેતા પણ ખાલી કહેવા પૂરતા જ. આમ તો આખી સોસાયટી જાણેે એમની પોતાની સગી જ હતી. કોઈના ઘરે કોઈ નવી વાનગી બની હોય તો પહેલા એમના ઘરે મોકલવાની અને પછી જ બધા ઘરના લોકો ખાય, એવી એમની માયા ! કોઈનેે પોતાની હૈયાવરાળ ઠાલવવી હોય, કોઈ પણ મનની વાત કરવી હોય તો બારી પાસે બેસેલા બા પાસે જાય અને પોતાનું મન હળવું કરી લે. છોકરાઓ પણ પરીક્ષા આપવા જતા પહેલા બના આશીર્વાદ જરૂર લઈ લે. સોસાયટીના સભ્યોને ઠંડક આપતો વિશાળ વડલો એટલે હંસાબા.

આજે બપોરે તડકો થોડો વધારેે લાગતો હોવાથી બા એ પોતાના રૂમની બારી સહેજ આડી કરી અને પલંગ પર આરામ કરી રહ્યા હતા.ત્યાં જ એમની નજર સામે દીવાલ પર લગાવેલી એમના પતિની હાર ચડાવેલી તસવીર પર પડી. આમ તો વર્ષોથી એકલા રહેતા હંસાબાનું જીવન એમના સોસાયટી પરિવારના પ્રેમથી ભરાઈ ગયું હતું અને હવે તો જીવનમાં કોઈ ફરિયાદ નહોતી રહી પણ આજે કોણ જાણે કેમ વર્ષો પહેલા અવસાન પામેલા પોતાના પતિ નો ચહેરો નજર સામે આવી ગયો અને દિલના કોઈ ખૂણામાં એક વેદના થઈ. મનમાંં વિચાર આવ્યો કે આજના દિવસે જો એ જીવતા હોત ને ... .. તો.... ! ભૂતકાળના વિચારોમાં ઊંડા ખોવાઈને એમને ઊંઘ આવી ગઈ. થોડીવારમાંં બારી પાસે કશોક ખળભળાટ થવા માંડ્યો. બાની આંખ એકદમ ખૂલી ગઈ. એમણે ઊભા થઈને બારીની બહાર ડોકિયું કર્યું તો અચંબો પામી ગયા. બારીની બહાર એક નાનું મંડપ જેવું બની ગયું હતું અને સોસાયટીનાા સભ્યો હાથમાં કેક, ફૂલોના ગુચ્છા અને ગુબ્બારા લઈને ઊભા હતા ! બા ને જોતા જ બધા જોરથી' હેપી બર્થ ડે ટુ યુ ડિયર હંસાબા 'એમ બોલવા લાગ્યા. બે જણા કાળજીપૂર્વક જઈને બા ને બહાર લઈ આવ્યા. સોસાયટી સુંદર રીતે સજાવેલી હતી. બધા બા પર પુષ્પવર્ષા કરવા માંડ્યા અને પછી એમની પાસ કેક કપાવી. બાની આંખમાં હર્ષનાા આંસુ આવી ગયા. આખી સોસાયટી હેપી બર્થ ડે ટુ યુ ના નારાથી ગુંજવા માંડી. બધાએ બા નો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. બાનુ જીવન જાણે ધન્ય થઈ ગયું વર્ષો પહેલા એક સંબંધ પર જ સીમિત એમની આખી દુનિયા જાણે એ સંબંધના ગુમાવ્યા પછી એટલી વિશાળ બની ગઈ હતી એમાં દરેક માટે પ્રેેમ હતો. કોઈ સ્વાર્થ કે અપેક્ષા વગરનો પ્રેમ.

એ રાત્રે બા બંધ બારીમાંથી પલંગ પર સૂતા સૂતા વિશાળ આકાશમાં તારાઓ જોઈ રહ્યા હતાં, અનેે પછી ચિર નિદ્રામાં જતા રહ્યા... ! ફરી ક્યારેય ન ઊઠવા માટે. !

બીજા દિવસે સવારે સાડા છ વાગે એ રૂમની બારી ન ખૂલી અને પછી એ હંમેશ માટેે બંધ થઈ ગઈ. આખી સોસાયટીમાં સોપો પડી ગયો. બધાના નિત્યક્રમ ચાલતા રહ્યા અનેેેેે જીવન રાબેતા મુજબ ચાલવા માંડ્યું પરંતુ આવતા જતા બધાની નજર એ બંધ બારી પર પડતી અને એક ઊંડો નિસાસો નીકળી જતો અને જાણે એ બારીમાંથી પડઘો પડતો કે હું નહીં હોઉં ને ત્યારે મારી કિંમત સમજાશે..!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy