Rahul Makwana

Tragedy Inspirational

4  

Rahul Makwana

Tragedy Inspirational

બક્ષિસ

બક્ષિસ

4 mins
619


આપણી આસપાસ ઘણાં પ્રકારનાં લોકો વસતા હોય છે. જેમાંથી અમુક લોકો કામ કર્યું હોય બે કોડીનું અને ભભકો હજારો રૂપિયા જેટલો કરતાં હોય છે. જ્યારે બીજો એક વર્ગ એવો પણ છે કે તેઓ સૌથી અઘરું કાર્ય કરે છે, અને આ બાબતની કોઈને અંદાજો પણ નથી લગાવવા દેતાં, અને તેઓ દાન તો એવી રીતે કરે છે કે,"તેનાં જમણા હાથે દાન કર્યું હોય, તો તેઓ તેનાં ડાબા હાથને પણ ખબર નથી પડવા દેતાં.

ફટાકડા માર્કેટ હું હાથમાં ફટાકડા ભરેલ બે મોટી મોટી બેગ હાથમાં ઉપાડીને ફટાકડા માર્કેટમાંથી બહાર નીકળી રહ્યો હતો, બરાબર તે જ સમયે બાર વર્ષની આસપાસનો ગરીબ છોકરો કે જેનું નામ ધ્રુમિલ હતું, તે મારી પાસે આવીને બોલ્યો.

"સાહેબ ! તમે રૂપિયા પાછા લેવાનું ભૂલી ગયાં છો..!" ધ્રુમિલ પોતાનાં હાથમાં રહેલ 500 રૂપિયા મારી સામે ધરતાં બોલે છે.

"બેટા ! તને ભલે એવું લાગ્યું કે હું રૂપિયા પાછા લેવાનું ભૂલી ગયો છું, પરંતુ હું રૂપિયા લેવાનું નથી ભૂલ્યો. એ 500 રૂપિયા મારા તરફથી તને દિવાળી બક્ષિસ રૂપે ભેટ આપેલ છે." એ બાળકની નીતિમત્તા અને ખુદારી જોઈને મેં તેને હકીકત જણાવતાં કહ્યું.

 આ સાંભળી તે ધ્રુમિલની આંખોમાં એક અલગ જ પ્રકારની ખુશીઓ છવાય ગઈ, તેનાં ચહેરા પર આનંદની રેખાઓ ઉપસી આવી. આથી ધ્રુમિલ ખુશ થતાં થતાં મારી સામે જોઈને, "સાહેબ ! બે જ મિનિટ !" એવું બોલીને તે જે શોપ પર કામ કરી રહ્યો હતો તે શોપ તરફ દોટ મૂકે છે. થોડીવારમાં તે હાથમાં સ્ટીલનો એક ડબ્બો લઈને આવે છે. ધ્રુમિલ મારી નજીક પહોંચીને એ ડબ્બો ખોલે છે. આથી ડબ્બામાં શું છે એ જાણવાની ઉત્સુકતા અને કુતૂહલતાને લીધે હું ડબ્બાની અંદર નજર કરું છું. તો તે ડબ્બામાં ગોળમાંથી બનાવેલ મોહનથાળનાં ત્રણ કટકા હતાં.

"સાહેબ ! દિવાળીની આપને ખૂબ ખૂબ શુભેચ્છઓ." ધ્રુમિલ મારી સામે મીઠાઈનો ડબ્બો ધરાતાં બોલે છે.

"બેટા ! તને પણ દિવાળીની ખૂબ જ શુભેચ્છાઓ… પણ આ મીઠાઈ….?" મેં થોડી હેરાની ભરેલાં આવજે ધ્રુમિલને પૂછ્યું.

"સાહેબ ! દુનિયામાં મોટાભાગનાં લોકો સ્વાર્થી કે મતલબી હોય છે, પરંતુ એમાં તમારી જેવાં ઉદાર કે દાતર માણસો પણ હોય છે, જે પોતાનું તો વિચારે જ છે એ સાથે સાથે પોતાની આસપાસ રહેતાં ગરીબ કે અસહાય લોકો વિશે પણ વિચારે છે. જેને લીધે જ આજે આપણાં સમાજમાં માનવતા જીવિત રહી છે. આ મોહનથાળ પણ તમારી માફક મારા મમ્મી જેઓના ઘરકામ કરવાં જાય છે, તે આંટીએ મારા મમ્મીને આપેલ હતું." ધ્રુમિલ મને વાસ્તવિકતા જણાવતાં બોલે છે.

"સરસ બેટા…!" આટલું બોલીને હું ત્યાંથી હું પાર્કિંગ તરફ જવાં માટે રવાનાં થયો.


બરાબર એ જ સમયે 

"સાહેબ ! મને એક મદદ કરશો ?" ધ્રુમિલે લાચારીભર્યા અવાજે મારી સામે જોઈને પૂછયુ.

"હા ! ચોક્કસ બોલ…?"

"સાહેબ ! તમે મારી જેવી રીતે દિવાળી સુધારી દીધી એવી રીતે શું મારી દીદીની દિવાળી સુધારવામાં મદદ કરશો..?" ધ્રુમિલે ખૂબ જ વિનમ્રતા સાથે મને પૂછ્યું.

"એ કેવી રીતે…?" મેં થોડી હેરાની સાથે ધ્રુમિલને પૂછ્યું.

"સાહેબ ! મારી દીદી આ ફટાકડા માર્કેટની બહાર જ કોડિયા લઈને ફૂટપાથ પર બેસેલ છે, જો તમે એની પાસેથી થોડા કોડિયા લઈ લેશો તો તેને પણ બે રૂપિયા મળશે…સવારથી માંડીને અત્યાર સુધી તેણે માંડ 10 થી 12 કોડિયા વેચ્યા હશે. કારણ કે હાલનાં સમયમાં "ચાઈના" ની લાઈટોથી મોહિત થયેલાં લોકો કોડિયા ક્યાંથી ખરીદે ?" નાના અમસ્તો ધ્રુમિલ આજે એક જ વાક્યમાં જાણે આપણાં દેશની આર્થિક પરિસ્થિતિ કે ઈકોનોમીનો ચિતાર આપી દીધો હોય તેવી રીતે મારી સામે લાચારી સાથે બોલ્યો.

"પાક્કું ! તું ચિંતા ના કરીશ, હું તારી દીદી પાસેથી કોડિયા ચોક્કસ ખરીદીશ..!" આટલું બોલી હું પાર્કિંગ તરફ રવાના થયો...અને ધ્રુમિલની દીદી પાસેથી કોડિયા ખરીદયાં, અને ત્યારબાદ મારા ઘર તરફ રવાનાં થયો.


એ જ દિવસે 

સમય : સાંજનાં 10 કલાક.

સ્થળ : ધ્રુમિલનું મકાન.

ધ્રુમિલ ફટાકડાની દુકાને કામ કરીને થાકીને પોતાનાં ઘરે પરત ફરે છે, પોતાનાં ભાઈ ધ્રુમિલને પોતાની તરફ આવતો જોઈને ધ્રુમિલની દીદી એકતા તેની તરફ ખુશ થતાં થતાં દોટ મૂકે છે, પોતાની દીદીને આટલી ખુશ જોઈને પોતાનો થાક જાણે એકાએક ગાયબ જ થઈ ગયો હોય તેવું ધ્રુમિલ અનુભવી રહ્યો હતો. 

"ભયલું ! આજે હું ખૂબ જ ખુશ છું !" એક્તા ધ્રુમિલની સામે જોઈને ખુશ થતાં થતાં બોલે છે.

"ઓહો ! શું વાત છે..આજે મારી દીદી આટલી ખુશ શા માટે છે...એની પાછળનું કારણ હું જાણી શકું ?" ધ્રુમિલ ખુશ થતાં થતાં એકતાની સામે જોઈને પૂછે છે.

"ભયલું ! આજે હું બહુ ખુશ એટલા માટે છું કે આજે મારા બધાં જ કોડિયા વેંચાઈ ગયાં, એક સજ્જન માણસ મારી પાસે આવીને મારા બધાં જ કોડિયા ખરીદી ગયાં, અને આ સાથે સાથ મને દિવાળીને બક્ષિસ સ્વરૂપે 500 રૂપિયા પણ વધારાના આપ્યાં." પોતાની ખુશી પાછળનું કારણ જણાવતાં જણાવતાં એકતા બોલે છે.

 જ્યારે આ બાજુ ધ્રુમિલને આ બાબતનો સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો હતો કે તેની એકતા દીદીનાં બધાં કોડિયા ખરીદનાર, અને મને, મારી દીદીને દિવાળી નિમિત્તે 500 - 500 રૂપિયા બક્ષિસ સ્વરૂપે આપનાર બીજું કોઈ નહીં પરંતુ એક જ વ્યક્તિ છે. આથી ધ્રુમિલ પોતાનાં બંને હાથ જોડીને તેઓની દિવાળી સુધારનાર ઈશ્વર સમાન એ વ્યક્તિનો સાચા દિલથી મનોમન આભાર વ્યક્ત કરે છે.

જ્યારે આ બાજુ એકતા પાસેથી ખરીદેલા કોડિયા મેં મારી સોસાયટીનાં દરેક ઘરમાં હોંશે હોંશે વહેંચી દીધાં, અને તે લોકોએ પણ મને આવી રીતે દિવાળીનાં સમયે નાની પણ સુંદર વસ્તુ સપ્રેમ ભેટ સ્વરુપે આપી હોવાથી તેઓએ પણ મારો ખુબ ખુબ આભાર માન્યો. મેં એકતા પાસેથી ખરીદેલ દીવડા દ્વારા આજે બે સ્થળે રોશની ઝગમગી હતી, એક અમારી સોસાયટીમાં અને બીજી ધ્રુમિલ અને એકતાનાં ઘરમાં.

આ પ્રસંગ મારા માટે એટલા માટે મહત્વનો છે કે મારા લીધે કોઈ ગરીબ ઘરમાં આનંદ અને ખુશીઓ છવાઈ, બાકી સાહેબ અત્યાર સુધીમાં તો ઘણાં ફાટકડાનો ધુમાડો કર્યો એ ધુમાડા કરતાં ગરીબ માણસોનાં આશીર્વાદ મારા માટે મહત્વ ધરાવે છે, આપણે પણ દર દિવાળી પર આપણે બે ચાર ઘરોમાં આવી રીતે ખુશીઓ અને આનંદ રૂપી રોહની પ્રસરાવીને માનવતાની મહેફ ફેલાવવામાં સહભાગી બનવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy