ભૂતિયો કૂવો
ભૂતિયો કૂવો
ઘણાં સમય પહેલાંની વાત છે. સુલતાનપુર નામનું એક નાનકડું ગામ હતું. આ ગામનાં મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતીવાડી અને પશુપાલનનો હતો.
આ ગામમાં માત્ર બે જ કૂવા હતા જેમાંથી લોકો પોતાના માટે પાણીનો ઉપયોગ કરતા હતા. સમય પસાર થતાં ધીમે ધીમે એક કૂવો સાવ સુકાઈ ગયો. હવે આખા ગામને એક જ કૂવા પર પાણી માટે નિર્ભર રહેવું પડતું હતું.
હવે બીજા કૂવામાંથી પાણી ભરતાં ભરતાં લોકોને તેમાં ભૂત હોવાનો અહેસાસ થવા લાગ્યો. જ્યારે ગામની સ્ત્રીઓ કે પુરુષો આ કૂવેથી પાણી ભરતાં તો કૂવામાંથી અજબ ગજબના અવાજો આવતા હતા. હવે તો ગામની સ્ત્રીઓએ ડરના માર્યા આ કૂવા પર જ આવવાનું જ બંધ કરી દીધું હતું. આમ રાતના સમયે તો ગામમાંથી કોઈ પણ કૂવાની આસપાસ ફરકતું પણ નહોતું.
એવામાં ગામમાંથી એક નાનું છોકરું ખોવાયું. ઘણી તપાસ કરવા છતાં પણ છોકરાનો કોઈ પત્તો લાગ્યો જ નહીં. આથી ગામના કેટલાક યુવાનોના એક ટોળાએ મનમાં વિચાર્યું કે આ છોકરાને ભૂત તો નહીં ભરખી ગયું હોય ને ? તેઓએ ભેગા મળી વડીલોને વાત કરી અને ભૂતિયા કૂવે તપાસ કરવા ગયા. તેઓએ ત્યાં જઈને જોયું તો છોકરું એ કૂવામાં મરેલું પડ્યું હતું. આમ, એક તો આ કૂવાનું પાણી ખરાબ થઈ ગયું અને બીજું છોકરું કેવી રીતે મરી ગયું હશે તેની સૌને ચિંતા સતાવવા લાગી.
ગામના લોકોએ ભેગા મળી એક નવો કૂવો ખોદવાનું નક્કી કરી લીધું. કેટલાક દિવસોના ખોદકામ બાદ તેમાં પાણી આવવા લાગ્યું. હવે તો આખું ગામ આ નવા બનાવેલા કૂવેથી જ પાણી ભરતું હતું. ગામના મોટાભાગના લોકોએ ભૂતિયા કૂવા તરફ જવાનું બંધ કરી દીધું હતું. મોટા લોકો તો સમજદાર હતા પણ ખાસ કરીને છોકરાં તે તરફ રમવા માટે ચાલ્યાં જતાં હતાં.
એક દિવસ ચારથી પાંચ છોકરાં ભૂતિયા કૂવા પાસે રમી રહ્યાં હતાં, તેવામાં એક છોકરો એ ભૂતિયા કૂવામાં પડી ગયો. તેની દર્દભરી ચીસ ગામમાં સંભળાતાં આખા ગામના લોકો ત્યાં દોડી આવ્યા. તેઓએ ભૂતિયા કૂવામાં નજર કરી તો તે છોકરો મરેલો પડ્યો હતો. બધાએ સાથે રમતાં છોકરાંને પૂછ્યું કે આ બનાવ કેવી રીતે બન્યો ?
તો તેઓએ જણાવ્યું કે, "તે રમતો રમતો કૂવા તરફ ગયો અને અંદર પાણી જોતો હતો ત્યાં એકાએક તે કૂવામાં પડી ગયો."
આ ઘટના બાદ ગામના મુખીએ તરત જ એક તાંત્રિકને બોલાવ્યો. આ તાંત્રિક ભૂતિયા કૂવા પાસે ગયો. ત્યાં બેસીને તેણે મંત્ર જાપ શરુ કરી દીધા. મંત્રજાપ સતત ચાલુ હતા ત્યાંજ કૂવામાં એક હલચલ ઊભી થઈ અને કૂવામાંથી એક ભૂત બહાર આવ્યું. તાંત્રિકે તરત જ પોતાની તંત્રવિદ્યાનો ઉપયોગ કરી તેને કૂવો છોડીને ચાલ્યા જવા આદેશ આપ્યો.
ભૂતે તાંત્રિકના આદેશની અવગણના કરી તેની માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.
આથી તાંત્રિકે તેને પૂછ્યું કે, "તું શા માટે આ જગ્યા પરથી જવાની ના પાડે છે ? અહીં છોકરાં મરી રહ્યાં હોવાથી તારે આ કૂવો તો છોડીને જવું જ પડશે."
ત્યાં જ ભૂતે તાંત્રિક સામે ડોળા ફાડી જવાબ આપતાં કહ્યું કે, "આ કૂવામાં વર્ષોથી અમારું ખાનદાન વસવાટ કરી રહ્યું છે. તમારાથી થાય તે કરી લો, પણ હું અહીંયાંથી જવાનું નથી." આટલું કહીને ભૂત સડસડાટ કરતું કૂવામાં ઊતરી ગયું.
આ પછી તાંત્રિકે વચલો રસ્તો કાઢતાં ગામના લોકો અને મુખીને જણાવ્યું કે, "આ કૂવો વપરાશમાં તો છે નહીં. એટલે તેના મુખ પર બોક્સિન ભરી સીમેન્ટ રેતીથી તેને ફીટ કરાવી દો. આમ કરવાથી કોઈ અનિચ્છનિય ઘટના નહીં બને."
આ વાત સાંભળતાની સાથે ગામના મુખીએ અગ્રતાના ધોરણે તરત જ કામ શરુ કરાવી દીધું. બીજે દિવસે કૂવાના મોંઢા પર જાળી ભરીને રેતી સિમેન્ટથી તેને બરાબર ફીટ કરી દીધું અને તેના પર માઠી વાળી દીધી. આમ, આ દિવસ પછી ગામમાં ક્યારેય એવી કોઈ જ અનિચ્છનીય ઘટના બની ન હતી. આથી ગામના લોકો ઘણા સુખચેનથી રહેવા લાગ્યા. સમય વહેણ સાથે ગામના લોકો એ ભૂતિયા કૂવાને જ ભૂલી ગયા.
