સ્નેહનો સથવારો - 11
સ્નેહનો સથવારો - 11
સમય સમયની વાત છે, સમય રહ્યો છે સદા બળવાન,
માનવ તારી શી છે મજાલ, નહીં બની શકે તું ભગવાન,
મનમાં ફૂટ્યા સ્નેહ અંકૂર તેમાં દિલને શું દેવો દોષ,
ઉંમર ઉંમરનું કામ કરી રહી, આવે તેમાં તેથી જોશ.
પ્રેમ દર્દનો નથી કોઈ વૈદ્ય, નથી કોઈ જ એની દવા,
પ્રેમરોગીને મળી જાય પ્રેમી તો નીકળે રોગની હવા.
કરે શું આ મ્યાન બિચારું, બંને તલવારો રહી સાથ,
વિનય વિવેકને દાખવી બંને પર રાખશે એનો હાથ.
ઉંમર ઘણી બાકીને હજુ કરિયર તણો કરે વિચાર,
કેમ કરીને આ શ્યામને રોકવો, સહાય કરજે વિશાળ.
'મૃદુ' શબ્દ વિવેકે ઉદભવ્યો છે એક ઉષ્મા આધાર,
બંને અબળાને સહારે જીતી લશે એતો આ સંસાર.
બીજે દિવસે સવારમાં જ નિલેશભાઈ અને અવનીના મમ્મી-પપ્પા આવી ગયા. ત્યાં જ ડૉક્ટર પણ વિઝીટ માટે આવ્યા. તેમણે કહ્યું કે, "આમ, તો અવની સ્વસ્થ જ છે, પરંતુ મારું એવું લાગે છે કે તેણીના દિલને કોઈ આઘાત લાગ્યો હશે, જેની યાદ આવતાં જ તે ગર્તામાં સરી પડી હશે."
ત્યાં જ અવનીની મમ્મીના મનમાં સળવળાટ ઊભો થયો. તેમને અવની સાતમામાં ભણતી હતી ત્યારનો દિવાળી પછીનો એક પ્રસંગ યાદ આવ્યો.
અવનીનું શરીર ભરાતું જતું હતું. તેની છાતી પર સ્તનનો વિકાસ શરુ થયો હતો. તેણીની પોતે પોતાની આ નજાકતા તરફ ઢળી રહી હતી. તેના રૂપમાં એક અનેરો નિખાર આવવા લાગ્યો હતો. તેના અવાજ સાથે તેની ચાલમાં પણ ફેરફાર વર્તાતો હતો. તે વારે વારે અરીસામાં ઝાંકતી અને પોતાના મોઢે હળવો હાથ ફેરવી મુસ્કુરાતી પણ હતી. હજુ તો તેણી કંઈ સમજે તે પહેલાં જ તેણી કોઈક એવા નોખા અસમંજસ ભેરવાઈ ગઈ. તણીને આ રસ્તે દોરનાર હતો તેણીની શાળાનો સંગીત શિક્ષક. આ શિક્ષક સંગીતની સાથે વિજ્ઞાનનો વિષય પણ ભણવતો હતો.
શાળાનો આ રંગીન મિજાજી એવો આ લંપટ શિક્ષક વિજ્ઞાનના પાઠો સાથે સાથે આ ઉગતી નાજુક કળીઓને પ્રેમના પાઠોનું પણ પઠન કરાવતો હતો. આથી કેટલીક છોકરીઓ તેના બહેકાવમાં આવતી અને તે તેણીનીને પોતાના ઉપભોગ માટે પાઠ પણ ભણાવતો હતો. એક દિવસ આ અવની પણ જિજ્ઞાસાને વશ થઈને એ નરાધમની ચાલમાં આવી ગઈ હતી. તેની બહેનપણીઓએ તેણીને ચેતવી પણ ખરી. પણ તેણીની કોઈ વાત માનવા તૈયાર ન હતી. તેણીની આ વાતોની ખબર પડતાં જ અવની પર અંકુશ મૂકી દીધો હતો.
એવામાં એક વખત એવું બન્યું કે બીજા કોઈ સમાજની છોકરી સાથે રમતમાં પેલો રંગીલો ફસાઈ ગયો. ગરીબ ઘરની બેટી. તેને પોતાને ઘરે ભણવા બોલાવે. મોટે ભાગે આ છોકરી એને ઘરમાં જ હોય. એક દિવસ તેની પત્ની બહાર ગઈ હશે. જોગાનુજોગ એ છોકરીના પપ્પાને એટેક આવતાં કેટલાક તેના સંબંધિત છોકરાઓ એ છોકરીને બોલાવવા આવ્યા. ત્યાં બંને કઢંગી હાલતમાં પકડાતાં છોકરીને તો ઘેર લઈ ગયા પણ પેલાને એવો મેથીપાક જમાડ્યો કે ન પૂછો વાત. શાળા કમિટીએ તેને સસ્પેન્ડ કર્યો. તેના પર પોલીસ કેસ પણ થયો. આ વાત જાણ અવનીને થઈ ત્યારે આ આવું જ થયું હતું.
જો કે હવે આલેખની કેટલીક વાતોને કારણે તેનામાં ધીમે ધીમે સ્વાસ્થ્ય સંચાર થતો જતો હતો. આરોહી અને આલેખ બંને એ અવનીની મમ્મીને કહ્યું, "માસી, તમે અવનીની કંઈ ચિંતા કરતા નહીં, અવની હવે કદી બીમાર નહીં પડે. અમારી જેમ અમારી બનીને જ ભણશે અને અમારી સાથે જ રમશે. એને અમારા જેવી તો ખરી જ પણ તે પોતે ઈચ્છશે તેવી તેને બનાવીશું. આ સાંભળી અવનીના મમ્મી અને પપ્પા ઘણા રાજી થઈ ગયા. બીજા દિવસે તેને હોસ્પિટલમાંથી રજા મળતાં તેઓ ત્રણેક દિવસ માટે તેને ગામ લઈને ગયા.
આ પછી આરોહી અને આલેખ નવરાત્રીના બાકીના દિવસ સુધી મન મૂકીને રમ્યા. છેલ્લા દિવસે તો અવની પણ આવી અને સાથે જ રહી. હવે આરોહીને અવની પ્રત્યે કોઈ કટુતા નહોતી. તેઓ બંને આરોહને જ પોતાનો કાનો માનીને નિર્દોષ પ્રેમ કરતી રહી હતી. ત્રણેયની પરીક્ષાની તૈયારી સરસ રહી. આલેખ ધોરણ 09ના સાત વર્ગોમાં પ્રથમ હતો. આરોહી તેના ક્લાસમાં બીજા નંબરે જ્યારે અવની ગણિત વિષયમાં માત્ર ત્રણ ગુણ માટે નાપાસ હતી. આલેખે તેને ગણિતમાં તૈયાર કરવાની સંપૂર્ણ જવાબદારી લીધી.
આમ કરતાં કરતાં ત્રણે જાન્યુઆરીમાં થયેલ બીજી પરીક્ષામાં પણ શ્રેષ્ઠ રહ્યાં. આલેખને હવે 100માંથી 100નો રંગ લાગ્યો. તેણે તો પ્રતિજ્ઞા કરી કે આ ધ્યેય સિદ્ધ કરવું. આ માટે તેની સાથે તેની બેમાંથી એક પણ સખી તૈયાર જ નહોતી. આમ છતાં પણ તે બન્ને તેની જ દોરવી દોરવાઈ રહી હતી. આમ, સમય જતાં આરોહીને પણ 100માંથી 100નો રંગ ચડતો ગયો. પરંતુ અવનીમાં હજુ પણ પ્યારનો રંગ જ રમતો હતો. તેને જેની જિજ્ઞાસા હતી તેનો ઉકેલ તે આલેખ પાસેથી ઇચ્છી રહી હતી. ગણિત તો તેને માટે એક બહાનું હતું. તેણીની આલેખને એકલી મળવા માટે એક મોકાની શોધમાં હતી.
તેણીને આરોહી પ્રત્યે લેશ માત્ર પણ નફરત નહોતી. તેણીની માનતી હતી કે આલેખ પર જે હક આરોહીનો છે તેને હું છીનવી લેવા કે ભાગ પાડવા નથી માગતી પણ દાસી બનીને હું મારા દિલના એ આરાધ્યની સેવા કરી શકું તો પણ ઘણું.
આમને આમ સમય પણ પસાર થતો ગયો. વાર્ષિક પરીક્ષા પુરી થઈ ગઈ હતી, ત્રણેય ધોરણ 10માં આવી ગયાં. ધોરણ 10 એટલે બોર્ડની પરીક્ષા માટે વર્ષની શરૂઆતથી જ તૈયારી કરવી પડે. બધાને ટ્યુશન શરુ થયાં હતાં. પરંતુ આલેખે તો સ્યવયં પોતાના જ શસ્ત્ર-સરંજામ સાથે બોર્ડની તૈયારી આદરી દીધી. આ તૈયારીમાં આરોહી અને અવની પણ પ્રેમથી જોડાયાં. આલેખ તો હવે ઘણો સમજદાર થઈ ગયો હતો. તે અવનીના પ્રત્યેક ભાવને ન ઓળખી શકે એવો નિષ્ઠુર પણ ન હતો. અવની પણ હજુ સુધી પોતાના હૈયામાં ભાવનાભરી પ્રેમાળ લાગણીને સંઘરીને બેઠી હતી. તેના હૈયાનો ઉદભવતો ઉચાટ તેના હોઠે આવીને અટકી જતો હતો તેથી તેના દિલને જરા પણ હળવાશ ન હતી.
એવામાં એક દિવસ નિલયભાઈ અને તેમનો પરિવાર નિલયભાઈના કાકાના દીકરાની દીકરીના લગ્નમાં ચારેક દિવસ માટે ગામ ગયો. આ દરમિયાન તેઓ અવનીને દિશાબહેનની પાસે મૂકી ગયાં. આથી અવનીમાં એક નવી જ ચેતનાનો સંચાર થયો. તેના શરીરમાં એક ગજબની સ્ફૂર્તિ વહેવા લાગી. બધાના ગયા પછી અવની પૂર્ણરૂપે આલેખની મહેમાન બની આલેખના ઘરમાં આવી. અવની જે ઝંખતી હતી તે સાનિધ્ય હવે તેની પાસે હતું. તેનો ઉતારો પણ આલેખની બાજુના રૂમમાં જ હતો. રાત્રે જમીને તરત જ આલેખ પોતાના અભ્યાસખંડમાં પહોંચ્યો. અવની પણ તેની પાછળ પાછળ જ અભ્યાસ માટે પહોંચી. આલેખે તેણીને આંકડાશાસ્ત્ર વિશે કેટલીક ઘણી સમજ આપી દાખલા ગણવ્યા પણ તેના દિલમાં મીન, મધ્યક ને બહુલક કરતાં પણ એના પોતાના આંકડાઓનું એક શાસ્ત્ર રમતું હતું.
ત્યાં રાત્રિના દશ વાગતાં જ નીચે રસોડામાંથી દિશાબહેનની "અવની બેટા, ચા લઈ જા." ની હાંક સાથે અવની જાગૃત થઈ અને નીચે ગઈ. બે રકાબી સાથે કીટલીમાં ચા લઈને આવી. તેણીએ રકાબી ટેબલ પર મૂકી તેમાં ચા કાઢી અને આલેખ સામે ટગર ટગર જોઈ રહી હતી ત્યાં જ બારીમાંથી એક ચામાચિડીયું બાજુના હવડ ઘરમાંથી આવી પ્રવેશ્યું. આથી આલેખ ટેરેસનું લાઈટ કરવા ઊભો થયો પણ ત્યાં તો ત્યાં તો અવની એવી બી ગઈ કે તેણી દોડીને સીધી જ આલેખને બાઝી પડી. એકાએક ધક્કો લાગતાં જ આલેખ ચત્તાપાટ પલંગમાં પડ્યો. આ સાથે જ અવની પણ તેની ઉપર આવી ગઈ. અવનીએ તરત જ આલેખને પોતાના બાહુમાં સમાવી લીધો.

