સ્નેહનો સથવારો - 9
સ્નેહનો સથવારો - 9
નથી વસતી સુંદરતા એમ કોઈ વસ્તુ કે વ્યક્તિમાં,
સુંદરતા સદા વસે નયનોની અદકેરી ભાવ ભક્તિમાં,
નજર નજરથી ફરક પડે, છે માનવી તો મનનો મેલો,
નિર્મળતા વહેતી સદા દિલે તો હરિનો જન છે ઘેલો,
ભાઈ ભાઈને સુમેળ નથી ને નથી અલખ કેરું નામ,
ઈશ્વરને પણ સોને મઢ્યો, ક્યાંથી રાજી રહેશે રામ,
હજુ સુધી તેને ન ઓળખ્યો, તુજમાં વસે જે શ્યામ,
ઊડો ઊતરી ધ્યાન ધર, તારામાં ભરી દેશે એ હામ,
આ મારુંને આ તારું છોડીને જરા દિલને તો થામ,
સઘળું એના પર છોડી દેજે સર્વ દિલમાં એનું ધામ,
'મૃદુ' શબ્દ પ્રીતે વહેતી રહેશે માનવતાની આ મહેક,
દિલ અપના ઓર પ્રીત પરાઈમાં મારી રહી છે કુનેહ.
નિલયભાઈના ફોનથી ખળભળી ઊઠેલી આરોહીને આલેખે ઊભી કરી તો તે સાથે જ આલેખને તેની સનાતનવેલીની જેમ વીંટાળાઈને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. આલેખે તેના ગુલાબી ગાલ પર હાથ ફેરવી એક તસતસતું ચુંબન દઈ તેને રાજી કરી. આ પછી તે બંને રીક્ષા કરીને ઘેર આવી ગયા. ત્યાં આરોહીના ઘરની ચાવીથી આલેખે તેણીના ઘરનું પાછળનું બારણું ખોલી દીધું અને તે બંને રસોડામાં થઈને ધરમાં પ્રવેશ્યાં. આલેખે ચા બનાવી. ત્યાં સુધીમાં આરોહીએ પોતાનાં કપડાં બદલીને નાઈટી ધારણ કરી લીધી. તેણીએ સ્કૂલ ડ્રેસ એક થેલીમાં મૂકીને આવતીકાલે માટે દફ્તર તૈયાર કરી લીધું. તેના કહેવાથી જ આલેખે મગમાં ચા ગાળી અને બંનેએ વારાફરતી એકબીજા સાથે ચાની લહેજત માણી. ત્યારબાદ આરોહીએ ચાનાં વાસણ સાફ કર્યાં.
થોડી વાર પછી આલેખ આરોહીને લઈને, તેનું ઘર બંધ કરી પોતાના ઘરમાં આવ્યો. આરોહી ને બેઠકખંડમાં બેસાડીને આલેખ કપડાં બદલવા માટે તેના માસ્ટર રૂમમાં ગયો. કપડાં બદલીને તે નીચે આવ્યો અને ફ્રિજમાંથી એક ડેરીમિલ્ક કાઢીને તેણે આરોહીને આપી. થોડીક વાર તો આરોહી આલેખના ખોળામાં સૂઈ ગઈ અને આલેખ પણ તેના વાળમાં હાથ ફેરવતો રહ્યો. બંને મજાક-મસ્તી કરતાં હતાં ત્યાં ગાડીનો અવાજ આવ્યો એટલે તે બંને સજાગ થઈ ગયાં. એટલામાં જ રવેશનો દરવાજો ખૂલ્યો.
દિનેશભાઈ અને દિશાબહેન આવતાં આલેખે બારણું ખોલ્યું અને આરોહી ઊભી થઈને પાણી લઈ આવી. રાતનો દોઢ વાગ્યો હતો એટલે દિશાબહેને આરોહીને ઉપર માળ પર માસ્ટરરૂમની બાજુના બેડરૂમમાં સુવાનું કહ્યું. એટલે આલેખ તેને લઈને તેના રૂમમાં મૂકી પોતે માસ્ટર રૂમમાં ચાલ્યો ગયો. દિનેશભાઈ અને દિશાબહેન ગ્રાઉંડ ફ્લોર પરના પોતાના નિયત બેડરૂમમાં જઈ સૂઈ ગયા. સૌ થાકના કારણે ઊંઘી ગયા હતા પરંતું આરોહીની એ આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. તેણીની ધીમા પગલે ઊભી થઈ બહાર જોયું તો આલેખ રૂમ ખૂલ્લો રાખીને જ સૂતો હતો. તેણી તરત જ ધીમે રહીને રૂમમાં ગઈ અને આલેખના ગળે વળગીને સોનેરી સ્વપ્નમાં રાચતી ઘસઘસાટ ઊંઘી ગઈ.
આલેખ વહેલી સવારે જ્યારે જાગ્યો તો તેણે આરોહી પોતાને બાઝીને સૂતેલી ભાળી. તેણે ધીમે રહીને આરોહીને પોતાનાથી અલગ કરી અને બ્રશ કરવા માટે બાથરૂમમાં ચાલ્યો ગયો. તે નાહી ધોઈને બહાર આવ્યો ત્યાં આરોહી આળસ મરડી બેઠી થઈ. એટલે આલેખ તરત બોલ્યો, "એય મારી બકુ, ચાલ નાહી ધોઈને નપરવારી જા પછી આપણે ચા-નાસ્તો કરી સ્કૂલમાં જોઈએ. આજે રિક્ષામાં નહીં પણ સ્કૂટી લઈને જઈશું !" એટલે આરોહી તરત બાથરૂમમાં ચાલી ગઈ. આલેખ પણ શાળાના સમયપત્રક પ્રમાણે દફ્તર ગોઠવી નીચે ગયો. તેનાં મમ્મી દિનાબહેન ગરમ ગરમ નાસ્તો અને ચા બનાવી રહ્યાં હતાં. એટલે આલેખ પાછો ઉપર આવ્યો તો આરોહી ડ્રેસિંગ ટેબલ પાસે ઊભી રહી તૈયાર થતી હતી, ત્યાં આલેખે તેને પાછળથી પકડી બાથમાં લીધી તો તરત જ ફરીને તે આલેખને વીંટાળાઈ ગઈ.
દિશાબહેને બૂમ પાડતાં બંને પોતાનાં દફ્તર લઈને નીચે આવ્યાં. ચા-નાસ્તો કરી લીધા પછી તેઓ બહાર આવ્યા અને સ્કૂટી લઈને સ્કૂલે પહોંચ્યા. શાળમાંથી છૂટી ઘેર આવતાં અવનીની ખબર કાઢવા તે બંને હોસ્પિટલમાં ગયાં. અવની ઘણી અસ્વસ્થ જણાતી હતી. એટલામાં તો નિલયભાઈની સાથે અવનીના મમ્મી-પપ્પા પણ આવ્યા. શીલાબહેન અવની પાસે બેસી તેના માથે હાથ ફેરવવા લાગ્યા. ત્યાંતો દિનેશભાઈ અને દિશાબહેન બે જણ માટે જમવાનું લઈને આવ્યા. આરોહીએ ઘેર જવા માટે આલેખને વાત કરતાં દિનેશભાઈ એ આલેખને ચાવી આપી. દિશાબહેને તેમને જણાવ્યું કે રસોડામાં બધું તૈયાર રાખીને જ આવી છું. તમે બંને જમી લેજો. આ સાથે જ આલેખ અને અવનીની નજર એક થઈ. તેની જિજ્ઞાશાને આલેખે પારખી. પરંતુ મજબૂરીમાં હાથ હલાવી બાય કહી નીકળી ગયો. બન્નએ ઘેર પહોંચી જમી લીધું. આરોહીએ બધાં જ વાસણ સાફ કરી દીધાં તથા વરંડામાંથી કપડાં લઈ ગડી કરીને જે તે જગ્યા પર મૂકી દીધાં. પછી તે આલેખની લગોલગ આવીને બેઠી.
બંનેએ શાળાનું હોમવર્ક પતાવ્યા બાદ પરીક્ષા માટે તૈયારી કરતાં હતાં ત્યાં જ નિલેશભાઈનો ફોન આવ્યો. તેમણે ફોનમાં જણાવ્યું કે, "તને અને આલેખને લેવા ડ્રાઈવર ગાડી લઈ આવે છે. આવતીકાલે શનિવાર હોવાથી તમારે બંને ને શાળામાં મોડા જવાનું છે. તું અને આલેખ આજે અવની સાથે રોકાજો. સવારે હું તારાં માસીને લઈને આવું પછી તમને બંનેને ઘેર મૂકી દઈશ." આ વાત સાંભળી આરોહીને ગુસ્સા આવી ગયો. પણ પપ્પા આગળ કશું બોલી શકે તેમ નહોતી. તેને અવની બિલકુલ પસંદ ન હતી. આલેખ મુઝવણ અનુભવતો હતો. તેને એમ થતું કે આરોહીએ અવની પ્રત્યે આવો ભાવ ન રાખવો જોઈએ. સ્રી તો મમતાની મૂરત અને ક્ષમાની દેવી ગણાય, તેમ છતાં આરોહીમાં આ ગુણ કેમ ? તેનું અવની તરફનું શુષ્ક વર્તન ઘણું ખૂંચતું હતું. આથી તેણે મનોમન આરોહીને આ રસ્તેથી પાછી વાળવાનો તથા આરોહી-અવનીને એક કરવા માટેનો .. એટલે કે સદેહે બે પરંતુ દિલથી એક બનાવી બંનેને એકબીજામાં ઓગાળી દેવનો મક્કમ નિર્ણય કર્યો.
હોસ્પિટલમાં આલેખે આરોહીને અવની પાસે બેસાડી સાથે તે પણ બેઠો. તેણે નવરાત્રીના માતાજીના નવ દિવસના નવ સ્વરૂપ વિશેની માહિતી નેટમાંથી શોધી બંનેને વંચાવી. તેણે સવાલ કર્યો કે, "તમે બંને સ્ત્રીઓ છો ને ?" બંનેએ હકારમાં જવાબ દીધો. "તમે પણ માનું એક રૂપ જ છો ને ? તમારા બંનેના દેહ જુદા છે પણ અંદર બેઠેલો ચાલકને ઓળખો છો ? સૌથી પહેલાં તો એને ઓળખવા 'હું' તેમજ 'મારું-તારુ' છોડવું જ પડે. એ સૂક્ષ્મ ચાલકને પામવા અંતરમનને ઢંઢોળવું પડે. એ માટે ઘણું જરૂરી છે ધ્યાન. ધ્યાનથી મનના ઊંડાણમાં પહોંચીએ તો તે આપણને મળે. એની સાથે તો આપણો જુગો જુનો સંબંધ છે. તારામાં જે બેઠો છે એ જ અવનીમાં પણ બેઠો છે. તું દેહધારી અવનીનું નહીં પણ તેનામાં રહેલા આત્માનો વિરોધ કરે છે. જેનો તું વિરોધ કરે છે તે તો તારામાં બેઠો છે તેથી જ તું મનથી દુ:ખી રહે છે. તારે પ્રેમ, સુખ, આનંદ સઘળું પામવું છે તો તે તારે પણ દરેકને વહેંચવું પડે.
તો જ આપણને તેનાં દર્શન થાય. હંમેશાં ખુશ રહો અને બીજાને તમારી ખુશી આપો. આ જ કુદરતનો વહેવાર છે."
આરોહ આ વાતો કરતો હતો તે દરમિયાન તો આરોહીનો હાથ એકાએક આવનીના માથા પર ફરવા લાગ્યો. અવનીએ પોતાને ઊભી કરવા આરોહીને વિનંતી કરી એટલે આલેખ પણ પોતાના સ્થાન પર ઊભો થયો. આમ બંને પરીઓ ઊભી થઈને એકાએક આરોહને અમૃતવેલીની જેમ વીંટાળાઈ ગઈ
ક્રમશઃ

