નટખટ નંદલાલ
નટખટ નંદલાલ
દોસ્તો આજે આજે જન્માષ્ટમીનો પવિત્ર પાવન દિવસ પૂર્ણ થશે. હવે તો એ નટખટ નંદલાલા પારણે ઝૂલશે. આજે કાનાની વાતો કરીએ તો.
જેવી રીતે બાળકો હંમેશાં પોતાની મમ્મી, ભાઈ-બહેન તેમજ શાળામાં શિક્ષકોને હેરાન પરેશાન કરી મૂકતા હોય છે તેવી જ રીતે આ નટખટ કાનુડો નિત નવાં ગતકડાં કરતો રહેતો હતો. એવું નથી પણ બાળકોની જેમ જ આ કાનાને કેટલીક ગમતી તેની પોતાની અલગ વસ્તુઓ હતી. પરંતુ તેની પ્રત્યેક પસંદગીની પાછળ કોઈને કોઈ ખાસ કારણ રહેલું હતું. તો ચાલો મળીએ એ નટખટ કાનુડાને તેની પસંદગીની ચીજો સાથે.
મોરપિચ્છ :
ભગવાન શ્રીકૃષ્ણ હંમેશાં પોતાના મુગટમાં મોરપિચ્છ લગાવતા હતા. તેમના આ મુગટ મોરમુગટ તરીકે પણ ઓળખાતો. મોરપિચ્છ
કુદરતની ખૂબસૂરતીનું પ્રતિનિધિત્વ દર્શાવે છે.
કાનો આ દ્વારા સંદેશ આપવા માંગે છે કે આ જિંદગીમાં પણ મોરપિચ્છની જેમ ભિન્ન ભિન્ન રંગો ભળેલા છે. આ મોરપિચ્છના ઘાટા રંગો દુઃખ તથા આપત્તિ દર્શાવે છે તો હલકા અને ચમકદાર રંગો સુખ-સમૃદ્ધિ તેમજ પ્રગતિનો નિર્દેશ કરે છે. આ રંગો દ્વારા શ્રીકૃષ્ણ સૌને સંદેશ આપી રહ્યા છે કે જિંદગીમાં જે કંઈ મળે તેને સમભાવ પૂર્વક સ્વીકારીને ચાલવું હિતાવહ છે.
શ્રીકૃષ્ણના મુગટમાં લાગેલું આ મોરપિચ્છ તો એક એવો પણ સંદેશો પાઠવી રહ્યું છે કે દરેકે પોતાના દુશ્મનને પણ દોસ્તની માફક જ ગળે લગાડવો જોઈએ. શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામ, જેને શેષનાગનો અવતાર માનવામાં આવતા હતા. મોર જે સાપનો દુશ્મન, તે તેને મારી નાખે. બલરામના નાના ભાઈ હોવા છતાં પણ શ્રીકૃષ્ણ પોતાના મુગટ માં મોરપિચ્છ ધારણ કરતા હતા જે દોસ્તીનું પ્રતીક ગણાય છે. આભૂષણોના બદલે પોતાને મોરપિચ્છ વડે સજાવી કૃષ્ણ પોતાની સાદગીનો પરિચય કરાવે છે.
મોરપિચ્છ સાથે એક ઘણી રોચક વાર્તા પણ જોડાયેલી છે.
ભગવાન રામ પોતાનો વનવાસ વિહાર કરી રહ્યા હતા. એક વખત માતા સીતાને ઘણી જ તરસ લાગી હતી. શ્રી રામે દૂર દૂર સુધી નજર કરી પણ ક્યાંય પાણીનો અણસાર જણાતો નહોતો. તેવામાં એક મોર તેમની નજરે પડ્યો. આ મોર પોતાનાં લાંબાં પીંછાંની મદદથી રસ્તો બનાવી શ્રીરામને નદી સુધી દોરી ગયો. જ્યારે રામ નદી કિનારે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે મોરનાં બધાં જ પીંછા ખરી પડ્યાં હતાં. બીજા જન્મમાં ભગવાને શ્રીકૃષ્ણનો અવતાર ધારણ કર્યો ત્યારે પેલા મોરને આપેલા વચન મુજબ તેના સન્માન માટે હંમેશાં પોતાના શિરે મોરમુગટને મોરપિચ્છ સાથે ધારણ કરતા.
વાંસળી :
ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી અત્યંત પ્રિય હતી. કારણ કે વાંસળીમાં બે ગુણ આરોપિત છે. સૌથી પહેલો ગુણ એ છે કે તેમાં ગાંઠ નથી. તેના દ્વારા પ્રભુ એ સંદેશ ફરમાવે છે કે પોતાના દિલમાં કોઈના માટે ગાંઠ (દ્વેષભાવ) કે બદલાની ભાવના ના રાખવી.
બીજો ગુણ એ છે કે વાંસળી જ્યારે વાગે છે ત્યારે તેના દ્વારા મીઠા મધુરા સૂર રેલાય છે. એનો અર્થ એવો થયો કે આપણે જે કંઈ બોલીએ તે હંમેશાં મધુર અને મીઠું જ હોય. જીભ થકી ક્યારેય કડવાં વેણને ના વહેવા દઈએ. આ ગુણ જેનામાં હોય છે તે પ્રભુને વાંસળીની જેમ જ વહાલો હોય છે.
માખણ અને મિસરી :
"કાનાને માખણ ભાવે રે,
કાનાને મિસરી ભાવે રે"
કાનાને માખણ-મિસરી ઘણી વહાલી. મિસરી (સાકર)નો એક ખાસ ગુણ એ છે કે જ્યારે તેને માખણ સાથે ભેળવવામાં આવે ત્યારે તેની મીઠાશ માખણમાં પૂરેપૂરી ભળી જાય છે. સાકર ભળેલું આ માખણ જીવનમાં પ્રેમને અપનાવવા માટેનો સંદેશ આપે છે. આ દ્વારા બોધ પ્રાપ્ત થાય છે કે ઘર પરિવાર કે સમાજે એક બની હળીમળીને પ્રેમથી રહેવું જોઈએ.
નટખટ કાનુડો :
કાનજીનું બાળપણ તેનાં તમામ તોફાની કારસ્તાનોથી ભરેલું પડ્યું વન છે. એને દહીં અને માખણ અત્યંત પ્રિય હતું. તે એટલું બધું પસંદ હતું કે બીજાના ઘરમાં જઈને દહીં અને માખણની ચોરી કરતાં સ્હેજ પણ અચકાતો નહોતો. દૂધ-દહીં-માખણની હાંડીઓ ઉપર શિકામાં ગોઠવેલી હોય તો તેને ગિલોલથી છેદ કરી નીચે કોઈ વાસણ રાખી તેમાં દહીં અને માખણ એકઠું કરીને ખાતો. વધેલું દહીં કે માખણ તે વાંદરાંને ખવડાવતો.
આમ જો તેના કરતૂતોની યાદી બનાવવા બેસીએ તો તે ઘણી લાંબી થાય તેમ છે. તે યમુના નદીનાં જળ ભરવા જતી ગોપીઓની મટકીઓ ફોડી નાખી તેમને સતાવતો. યશોદા માતા તને પકડવાની કોશિશ કરતાં તો ભાગી જતો. તેને બાંધવાનો પ્રયત્ન કરે તો તે પકડમાં ના આવે. દૂધને દોહતા પહેલાં તે વાછરડાંને છોડી દેતો અને તે ગાય માતાનું દૂધ ધાવી જતો. એનો એક એવો તર્ક હતો કે માનું બધું જ દૂધ બાળકને જ મળવું જોઈએ. પરંતુ તેની આ બધી જ હરકતો ગોકુળવાસીઓને ઘણો જ આનંદ આપતી હતી.
