STORYMIRROR

Mahendra R. Amin

Romance Others

4  

Mahendra R. Amin

Romance Others

સ્નેહનો સથવારો ...12

સ્નેહનો સથવારો ...12

5 mins
389

આલેખ ઉપર પડતાં જ અવનીએ આલેખને પોતાના બાહુપાશમાં સમાવી લીધો. તેણીની ક્યાંય સુધી તેના હોઠને ચૂમતી રહી તેમજ એના અધરસને માણતી રહી. ત્યાંજ તેણીને કંઈક ખોટું થયાનો અહેસાસ થતાં તે તરત જ બેઠી થઈ ગઈ અને આલેખની માફી માગવા લાગી. આલેખે તેની આ આવેશ ભરી ભૂલને ધ્યાન પર લીધા વિના જ હસી પડ્યો. તેણે ક્હ્યું કે, "અરે અવની, તું તો સાવ બીકણ છે. આ ચા પણ ઠંડી પડી રહી છે." આમ, તેઓ બન્નેએ સાથે મળીને ચાની ચૂસકી લીધી અને અવની નીચે ચાનાં વાસણ નીચે મૂકવા ગઈ. બધી સાફસફાઈ કરીને તે ઉપર પાછી આવી તો લગભગ અગિયાર વાગવાની તૈયારી હતી અને આલેખ પલંગમાં ઊંધી ગયો હતો. 

બારણું બંધ થવાનો અવાજ આવતાની સાથે જ આલેખ એકાએક જાગી ગયો. ત્યાં તેણે અવનીને જોઈ, એટલે તેણે તેણીને પૂછ્યું કે, " અવની, હજુ સુધી સૂઈ નથી ગયી, સવારે આપણે વહેલા ઊઠી વિજ્ઞાન તૈયાર કરવાનું છે." 

તેના જવાબમાં અવનીએ કહ્યું કે, "મને એ રૂમમાં એકલી સૂતાં ઘણો બીક લાગે છે ! હું શું કરું ?" 

એટલે આલેખ બોલ્યો, "એમ કર, તું મારી રૂમમાં અલગ પથારી કરી સૂઈ જા." 

આવી વાત કરતાં બન્ને નીચેના માસ્ટર રૂમમાં આવ્યાં. તેણીએ પથારી પાથરવાની તૈયારી કરી ત્યાં જ આલેખ બોલ્યો, "રહેવા દે, તને નીચે ઊંઘ નહીં આવે, તું મારા પલંગમાં એક બાજુ પર સૂઈ રહેજે." 

એટલે તે તરત જ બોલી, "આલેખ,એક વાત કહું ! તમારા મનમાં પણ મારી સાથે સુવાના કોડ છે ને ? હું તો તમને ઘણા વખતથી ઝંખી રહી છું, નવરાત્રીમાં પણ મેં તમારી આંખોની નજરમાં મારા પરત્વેના એ અનેરા પ્રેમનાં મેં દર્શન કર્યાં હતાં. તમે મને અસીમ પ્રેમ કરો છો તેનો અહેસાસ મેં આરોહીના ગામ ગયા બાદ ભાળ્યો છે અને તમારી ઉપર પડેલી હું તમારી એ આંખોથી નિતરતી સ્નેહ સરિતાના જળને મન ભરીને મારા હોઠોથી પી રહી હતી."

આલેખે તેને જવાબ આપતાં જણાવ્યું કે, "અવની, આમ તું મને અહીં આવી ત્યારથી ઘણી પસંદ છે. તું પણ આરોહીની જેમ જ મને ગમે છે. હવે તો મારી સ્થિતિ પણ ઘણી વિકટ બની છે. તને ખબર જ છે કે આરોહી મારી બાળસખી છે. તે મારા વગર કે હું તેના વગર રહી શકીએ તેમ નથી. હું તેને નથી ના પાડી શકતો કે નથી હું તને મારાથી દૂર કરી શકતો. હું માની રહ્યો છું કે આપણું પૂર્વેનું કોઈ કર્મ જ આપણને આ રીતે ત્રિભેટે લાવી ઊભું રહી ગયું છે." 

આગળ વાત વધારતાં તેણે જણાવ્યું કે, "જો અવની, મારી એક વાત તું માને તોજ હું તને મારી માનું. આ માટે તારે મારી સમકક્ષ બનવું પડે અને મારા ત્રણે ત્રણ પડાવમાં મારા હરિફ બનીને રહેવું પડશે. આ હરિફાઈમાં આરોહી પણ સામેલ હશે એ ભૂલતી નહી. આ ત્રણ પડાવમાં પ્રથમ પડાવ પર તો આપણે આવીને ઊભા રહ્યા છીએ. એ છે બોર્ડની પરીક્ષા. આ પરીક્ષામાં તારે પણ મારી જેમ શ્રેષ્ઠ બનવાનું. આ સાથે આરોહીનો પણ સામનો કરવાનો આમ, ત્રણેય પડાવમાં તું આરોહીને હરાવે તો હું તને મારા દિલની સમ્રાજ્ઞી બનાવું. હવે આ જ વાત વાત હું હવે પછી આરોહીને કરીશ. તેણી મને પણ હરાવવાની ક્ષમતા ધરાવે છે. તારામાં જે આ શક્તિ ઉદભવી તેને યોગ્ય માર્ગે વાળી આ નવા અભિયાનમાં લગાડીને જીતનો દડો તારા પલ્લામાં ભરી લે. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી અનર્થી દેહસુખના વિચારને કોરાણે મૂકી ચાલવાનું શરૂ કરી દે. આવ ! મારી પાસે, અને શુદ્ધ ભાવ સાથે મીઠી નિંદર માણી લે." આમ, બંને એક જ પલંગમાં પોતાની શરતને વાગોળતાં ઊંઘી ગયાં.

અવની સવારમાં જાગી તો આલેખનો એક હાથ તેણીની પર અને એક પગ તેણીના પગ પર હતો. તેણીએ ધીમે રહીને આલેખના એ હાથ-પગ ખસેડીને ઊભી થઈ અને તરત જ બાથરૂમમાં ચાલી ગઈ. તેણી નાહી પરવારીને નીચે પહોંચી તો દિશાબેન ભગવાનની પૂજા કરી રહ્યાં હતાં. તેણીએ ચા બનાવી ત્યાં સુધીમાં દિશાબહેનની પૂજા અર્ચના પૂરી થઈ ગઈ હતી. તેઓને ચા આપી અવની બે કપ લઈને ઊપર આવી. આલેખના ગાલ પર હાથ ફેરવી હસતાં હસતાં હળવેકથી તેના ગાલ એક પર ટપલી મારી તેને જગાડ્યો. તેણીની તરત જ આલેખ સામે મલકાતાં બોલી, "Good Morning ... ... I wish you a happy day my ...!" 

આલેખે પણ તેણીના જ શબ્દોમાં પ્રત્યુત્તર વાળીને વાક્ય પૂર્ણ કરતાં કહ્યું કે, "... ... my sweet baby." આ પછી બંનેએ સાથે બેસી ચાની લિજ્જતને માણી.

આ પછી આલેખ નાહવા માટે ગયો એટલે અવની નીચે રસોડામાં ચાલી ગઈ. તેણીએ તરત દિશાબહેન પાસેથી રસોડાનો ચાર્જ લઈને સવારનો નાસ્તો તૈયાર કરવા લાગી. નાસ્તો તૈયાર થતાં તેણીએ ચા પણ તૈયાર કરી દીધી અને ડાઈનિંગ ટેબલ પર ચાર ડીસ નાસ્તો અને ચાર ચા ગોઠવી દીધી. એટલામાં તો દિનેશભાઈ આવ્યા અને આલેખને બૂમ પાડી નાસ્તા માટે બેઠા. આલેખ પણ આવ્યો અને અવનીની બાજુમાં. ત્યાં દિશાબહેનને આલેખ-અવનીમાં રામ અને સીતાનાં દર્શન થયાં. તેઓ આ જોડી જોઈને ઘણાં જ રાજી થયાં અને મનોમન ઈશ્વરને અવની જેવી વહુ માટે પ્રાર્થના કરવા લાગ્યાં. ત્યાં નાસ્તો કરતાં દિનેશભાઈ નાસ્તાનો વખાણ કરતાં બોલ્યા, "આજનું આ મેનું કોની પસંદગી પર બનેલું છે." આ સાંભળીને દિશાબહેન શમણામાંથી તરત બહાર આવ્યાં અને બોલ્યાં, "અવની બેટાની."

દિનેશભાઈએ અવનીને શાબાશી આપી. તો સામે અવનીએ "Thanks Uncle" કહીને પ્રત્યુત્તર વાળ્યો. નાસ્તો કરી સૌ વિખરાયા. અવની પણ દિશાબહેનને રસોડામાં મદદ માટે જોડાઈ.

આલેખ ચા-નાસ્તો કરીને ટેરેસ પરના તેના રૂમમાં ગયો. પલંગમાં આડો પડી વિચારોના વૃંદાવનમાં ગરકાવ થયો. તેનું મન આરોહી અને અવનીની સરખામણી કરવા લાગ્યું. આરોહી સ્વભાવથી નટખટ, ગરમ મિજાજી, પોતાનું જ ધાર્યું થાય તે માટે આગ્રહી, ઝૂકી જાય તેનું જીવથી જતન કરે અને ના ઝૂકે તેને પોક મૂકાવે. સૂરજની જેમ સદા આગઝરતી તેની છાયા. આપણે સૌ જાણીએ છીએ કે પુલ અને દીવાલ એક જ મટિરિયલથી બને છે. એકના નિર્માણથી લોકો જોડાય છે તો બીજાથી લોકો છૂટા પડે છે. એમ તો જન્મથી કોઈ દોસ્ત કે દુશ્મન પેદા હોતા જ નથી. આ બધું જ આપણા વ્યવહાર, તાકાત તેમજ ઘમંડ પર નિર્ભર કરે છે.

બીજી બાજુ અવની ... કેવી દયાળું, ભલી, ભોળી, ગભરૂ અને સાવ નિર્મોહી. બીજા સાથે તરત ભળી જાય. સ્નેહ મળે તો તેમાં તેણીની ઓગળી જાય. કોઈ દંભ નહીં, વાતને તરત જ માની જાય. ચંદ્રની ચાંદની જેવી શીતળતા તેનામાં વસે. આલેખની પસંદગી હવે કોના પર ઊતરશે તે તો તેને નાખેલા એ પાસા જે રમી જશે તેણીની તેને પામશે. તેના જીવનમાર્ગના ત્રણેય પડાવ જે વિંધશે તે તેના સુખને પામશે. હવે આરોહી અને અવનીની અગ્નિપરીક્ષાનો પહેલો પડાવ એટલે 10ની બોર્ડની પરીક્ષા, બીજો પડાવ એટલે 12 સાયન્સની પરીક્ષા અની ત્રીજો અને અંતિમ પડાવ એટલે દાક્તરીવિદ્યા કે કમ્પ્યૂટર ઈજનેર વિદ્યા માટેની અંતિમ પરીક્ષા. તેના જેટલા જ કે તેનાથી વધારે ગુણથી સળંગ પસાર થવાનું. અવની તો આ સ્પર્ધામાં સામેલ થઈ ગઈ પણ ખરો પ્રશ્ન તો અવળી આરોહીનો છે.

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Romance